દુર્ઘટનાગ્રસ્ત બીએમડબ્લ્યુને ઘટનાસ્થળેથી હટાવી પોલીસ સ્ટેશન લવાઇ
મુંબઈ: દક્ષિણ મુંબઈમાં કોસ્ટલ રોડ પરના બ્રિજ પરથી રવિવારે વહેલી સવારના બીએમડબ્લ્યુ કાર ઉછળીને નીચે પટકાતાં ચાર યુવકમાંથી એકમાત્ર બચી ગયેલો 23 વર્ષનો આદિત્ય ઓસવાલ હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોઇ પોલીસે સોમવારે તેના લોહીના નમૂના લઇને તપાસ માટે મોકલી આપ્યા હતા. બીજી તરફ દુર્ઘટનાગ્રસ્ત કારને ઘટનાસ્થળેથી હટાવીને પોલીસ સ્ટેશન લવાઇ હતી, એવું પોલીસે જણાવ્યું હતું.
કોસ્ટલ રોડ પર થયેલા ભયાનક અકસ્માતમાં ધૈર્ય દર્શન શેઠ (17), આદિત્ય જકાસણિયા (19) અને શનય ફાલ્ગુન ગજ્જર (21)નાં મોત થયાં હતાં. ત્રણેયના લોહીના નમૂના લઇને તપાસ માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)માં મોકલી અપાયા હતા અને તેનો અહેવાલ આવ્યા બાદ તેઓ નશામાં હતા કે નહીં તેની ખાતરી થશે.
પોલીસ અધિકારીએ જણાવ્યા અનુસાર પ્રાથમિક પોસ્ટમોર્ટમમાં એવો નિર્દેશ મળ્યો હતો કે માથામાં ગંભીર ઇજા અને આંતરિક ઇજાને કારણે ત્રણેયનાં મૃત્યુ થયાં હતાં.
કોસ્ટલ રોડ પરના બ્રિજની રેલિંગ સાથે થોડે અંતર સુધી ઘસાયા બાદ કાળા રંગની બીએમડબ્લ્યુ કાર ઊછળ્યા બાદ હવામાં બેથી ત્રણ ગુલાંડ મારીને નીચે પાર્કિંગ એરિયાના બાંધકામના સ્થળે પડી હતી અને તેનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. દુર્ઘટનાગ્રસ્ત કારને ક્રેનની મદદથી ઘટનાસ્થળેથી હટાવવામાં આવી હતી અને તેને બાદમાં તાડદેવ પોલીસ સ્ટેશન લવાઇ હતી.
નોંધનીય છે કે કાર શનય ગજ્જર ચલાવી રહ્યો હતો, જે તેના પિતા ફાલ્ગુન ગજ્જરના નામે છે. માર્ચમાં શનય વિરુદ્ધ ઓવરસ્પીડિંગ બદલ ગામદેવી પોલીસ સ્ટેશનમાં, જ્યારે ગયા મહિને નશામાં અધિકારીઓના કામમાં અવરોધ ઊભો કરવા બદલ બાંદ્રા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. તેના બે ચલાન પણ પેન્ડિંગ છે.