(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસન અને પોલીસ એડમિનિસ્ટ્રેશન વચ્ચે યોગ્ય સંકલનના અભાવને કારણે પાલિકાએ સત્તાવાર રીતે ક્યૂઆર કોડ આપ્યો હોવા છતાં પોલીસ દ્વારા ફેરિયાઓ સામે કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની ફરિયાદ ફેરિયાઓ દ્વારા કરવામાં આવી છે.
હાઈ કોર્ટના નિર્દેશ મુજબ મુંબઈ મહાનગરપાલિકાએ ૨૦૧૪ના સર્વેક્ષણ મુજબ લાયકાત ધરાવતા ૯૯,૪૩૫ ફેરિયાઓના દસ્તાવેજો ચકાસીને તેમને ક્યૂઆરકોડ આધારિત આઈડેન્ટીકાર્ડ આપવાની પ્રક્રિયા પૂર્ણ કરી છે. ક્યૂઆર કોડ મળ્યા બાદ ફેરિયાઓ હવે પાલિકા નક્કી કરે તે જગ્યાએ પોતાનો વ્યવસાય કરી શકે છે અને પાલિકા તથા પોલીસ તરફથી કોઈ પગલા લેવામાં આવશે નહીં એવું ફેરિયાઓ માનતા હતા પણ તેને બદલે હજી પણ ફેરિયાઓ સામે પાલિકા તથા પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી હોવાની રજૂઆત મંગળવારે પાલિકાની લો કમિટીની બેઠકમાં નગરસેવક દ્વારા કરવામાં આવી હતી.
લો કમિટીના મેમ્બર અને નગરસેવક તેજિંદર સિંગ તિવાનાએ લો કમિટીની બેઠકમાં પોઈન્ટ ઓફ ઓર્ડર લેતા કહ્યું હતું કે પાલિકા તરફથી સત્તાવાર રીતે ફેરિયાઓને ક્યૂઆર કોડ સાથે તેમની માટે જગ્યા નક્કી કરી આપવામાં આવી છે, તે મુજબ ફેરિયાઓ પોતાનો વ્યવસાય કરી રહ્યા છે, છતાં પોલીસ દ્વારા તેમને ખોટી રીતે હેરાન કરવામાં આવી રહ્યા છે. પાલિકા અને પોલીસ વચ્ચે સમન્વયનો અભાવ છે. તેથી બંને ઓથોરિટીએ તાત્કાલિક સમન્વય સાધીને કોર્ટના આદેશ મુજબ યોગ્ય કાર્યવાહી કરવી જોઈએ.
સ્થાયી સમિતિની અગાઉ બેઠકમાં પાલિકા એડિશનલ કમિશનર પ્રાજકતા વર્મા-લવંગારેએ કોર્ટે આપેલા નિર્દેશ અનુસાર પ્રતિબંધિત વિસ્તારોને બાદ કરતા અન્ય ઠેકાણે ફેરિયાઓને વ્યવસાય કરવાની મંજૂરી આપવામાં આવશે એવું આશ્ર્વાસન આપ્યું હતું. છતાં પોલીસ એકતરફી કાર્યવાહી કરીને ફેરિયાઓને હેરાન તો કરે છે પણ સાથે જ પાલિકાની બદનામી પણ કરી રહી હોવાની ફરિયાદ પણ નગરસેવક દ્વારા લો કમિટીની બેઠકમાં કરવામાં આવી હતી.
આ દરમ્યાન નગરસેવકે બેઠકમાં ધ્યાન દોર્યું હતું કે રેલવે સ્ટેશન, બજાર, હોસ્પિટલ, શાળા વગેરેથી કોર્ટના આદેશથી નક્કી કરાયેલા અંતર એટલેે ૧૫૦ મીટરથી આગળ ધંધો કરતા ફેરિયાઓ સામે પાલિકા કોઈ કાર્યવાહી કરતી નથી તો પોલીસ પ્રશાસન કયા કાયદા હેઠળ વારંવાર ફેરિયાઓ સામે કાર્યવાહી કરે છે?
Chat GPT Generated Image