અમદાવાદઃ ગુજરાતના માથે દેવું વધી રહ્યું છે. આ અંગે વિધાનસભામાં સરકારે વિગતો જાહેર કરી હતી. રાજ્યના માથે વધતા દેવા મામલે જીતુ વાઘાણીએ લૂલો બચાવ કર્યો હતો. કૃષિ પ્રધાન અને રાજ્ય સરકારના પ્રવક્તા જીતુ વાઘાણીએ વિપક્ષ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે દેવા બાબતે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે ગુજરાતનો 'ડેબ્ટ-ટુ-GSDP' રેશિયો માત્ર 18.2 ટકા છે, જે નિર્ધારિત 27 ટકાની મર્યાદા કરતા ઘણો ઓછો છે.
આ ઉપરાંત તેમણે કહ્યું, રાજ્યની માથાદીઠ આવક રૂ. 19,713 થી વધીને રૂ. 3,01,000 થઈ છે, જે રાષ્ટ્રીય સરેરાશ કરતા 60 ટકા વધુ છે. તેમણે કહ્યું પંજાબના 47 ટકા અને હિમાચલ પ્રદેશ 45 ટકાથી જેવા રાજ્યોની સરખામણીએ ગુજરાત નાણાકીય શિસ્તમાં મોખરે છે. વાઘાણીએ ઉમેર્યું કે, ગુજરાતની જીડીપી મજબૂત હોવાથી જ તેને લોન મળે છે, ભિખારીને કોઈ નાણાં ધીરતું નથી.
જીતુ વાઘાણીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા કહ્યું કે, કોંગ્રેસના શાસનમાં અર્થતંત્ર ડિઝાસ્ટર સમાન હતું. મુંબઈ હુમલા વખતે તત્કાલીન સરકારે માત્ર દસ્તાવેજો મોકલ્યા હતા, જ્યારે આજે મોદી સરકારના નેતૃત્વમાં સેના 'ઓપરેશન સિંદૂર' જેવા મિશન દ્વારા આતંકીઓને તેમના ઘરમાં ઘૂસીને મારે છે.
ગુજરાત સરકારનું દેવું કૂદકે ને ભૂસકે વધી રહ્યું છે. આ અંગે વિધાનસભામાં આંકલાવના ધારાસભ્ય અમિત ચાવડાએ પૂછ્યું, 31-12-2025ની સ્થિતિએ રાજ્યનું કુલ દેવું કેટલું છે, દેવું કોની પાસેથી કેટલી મુદત માટે ક્યારે લેવામાં આવ્યું છે અને દેવામાં વ્યાજદર શું છે તથા છેલ્લા બે વર્ષમાં વર્ષવાર કેટલા વ્યાજની અને મુદ્દલની ચૂકવણી કરવામાં આવી?
તેમના પ્રશ્નનો જવાબ આપતાં સરકારે જણાવ્યું, નાણાકીય વર્ષ 2024-25ના સુધારેલા અંદાજ મુજબ રાજ્યનું કુલ બાકી જાહેર દેવું રૂ. 3,99,633 કરોડ છે. કેન્દ્રીય દેવું 7 થી 50 વર્ષની મુદત માટે વર્ષ 2000-01 થી 2024-25, એન.એસ.એસ.એફ લોન 10 થી 25 વર્ષની મુદત માટે વર્ષ 1999-00 થી 2015-16, નાણાકીય સંસ્થાઓની લોન 7 થી 15 વર્ષ સુધી વર્ષ 2016-17 થી 2024-25, બજાર લોન 2 થી 15 વર્ષ માટે વર્ષ 2015-16 અને 2024-25 લેવામાં આવેલ છે.
કેન્દ્રિય દેવાનો વ્યાજદર 0 ટકા થી 12.50 ટકા છે. 2023-24માં 510 કરોડ વ્યાજ ચૂકવવામાં આવ્યું છે. ઉપરાંત 1177 કરોડનું મુદ્દલ ચૂકવવામાં આવ્યું હતું. 2024-25માં સુધારેલા અંદાજ મુજબ 579 કરોડ વ્યાજ અને 835 કરોડ મુદ્દલ ચૂકવવામાં આવ્યું છે.
એન.એસ.એસ.એફ લોનનો વ્યાજદર 9.50 ટકાથી 10.50 ટકા છે. 2023-24માં 2390 કરોડ વ્યાજ અને 3629 કરોડ મુદ્દલ ચૂકવાયું હતું. જ્યારે 2024-25માં સુધારેલા અંદાજ પ્રમાણે 2038 કરોડ વ્યાજ અને 3629 કરોડ મુદલ ચૂકવ્યું છે.
નાણાકીય સંસ્થાઓની લોનનો ્યાજદર 2.75 ટકા થી 8.10 ટકા છે. 2023-24માં 758 કરોડ વ્યાજ અને 2779 કરોડ મુદ્દલ ચૂક્વ્યું હતું. જ્યારે 2024-25ના સુધારેલા અંદાજ મુજબ 888 કરોડ વ્યાજ અને 2701 કરોડ મુદ્દલ ચૂકવ્યું હતું.
બજાર લોન 6.04 ટકાથી 8.79 ટકાના દરે લેવામાં આવી છે. 2023-24માં 21,305 કરોડ વ્યાજ અને 18,551 કરોડ મુદ્દલ ચૂકવ્યું હતું. જ્યારે 2024-25માં સુધારેલા અંદાજ પ્રમાણે 22,440 કરોડ વ્યાજ અને 21,922 કરોડ મુદ્દલ ચૂકવ્યું હતું.
દેવું પણ વધ્યું
2020-21માં રાજ્યનું દેવું 2,98,810 કરોડ હતું જે 2025-26માં વધીને 3,99,000 કરોડ પર પહોંચ્યું હતું. 2021-22મં 3,08,302 કરોડ, 2022-23માં 3,39,683 કરોડ, 2023-24માં 3,89,381 કરોડ હતું. 2024-25માં દેવું ઘટીને 3,77,962 કરોડ થયું હતું.