રાજકોટઃ શહેરના ઈતિહાસમાં અત્યાર સુધીનું સૌથી મોટું અને સંવેદનશીલ ગણાતું ડિમોલિશન ઓપરેશન સોમવારથી જંગલેશ્વર અને એકતા કોલોની વિસ્તારમાં શરૂ કરી દેવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં 1500 ગેરકાયદે અતિક્રમણો તોડી પાડવામાં આવ્યા છે. કોર્પોરેશન દ્વારા આ કામગીરી માટે શહેરને 7 ઝોનમાં વહેંચવામાં આવ્યું હતું. સુરક્ષાના ભાગરુપે પ્રશાસન દ્વારા મોટા પાયે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
ઓપરેશન પહેલા 1,000થી વધુ અતિક્રમણો હટાવ્યાં
આ ઓપરેશન માટે કોર્પોરેશન દ્વારા 260થી વધુ વાહનો લગાવવામાં આવ્યા હતા. જેમાં 64 જેસીબી, 7 હિટાચી, 90 ટ્રેક્ટર, 90 બ્રેકર, 50 ગેસ કટર અને 42 ડમ્પર સામેલ હતા. ડિમોલિશન બાદ કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરાશે. નદીના પુરના વહેણમાં આવતી આજી નદી પટની 55 હજાર ચોમી અને 15 મીટરના ટીપી રોડની 32 હજાર ચોરસ મીટર જગ્યા પરના આ બાંધકામો હટાવવાની તૈયારી વચ્ચે ઓપરેશન પહેલા 1026 સ્વૈચ્છિક દબાણો હટાવી લીધા હતા.
ડિમોલેશનમાં આ ગુનેગારોની મિલકત તોડી પાડવામાં આવી
. સમીર ઉર્ફે મુરઘો પઠાણ: 14 ગુનાઓ - 3 ઓરડીઓ.
. આશીફ ઉર્ફે ગંધારો સમા: 17 ગુનાઓ - 1 મકાન.
. દિનેશ જીવાભાઇ વાળા: હિસ્ટ્રીશીટર - 1 ઓરડી.
. રહેમત ઉર્ફે રમા જુણેજા: ગાંજા પેડલર (12 ગુના) -3 મકાન, 48 ઓરડી અને મોટો વંડો.
. સમીર ઉર્ફે સંજલો જુણેજા : 12 ગુનાઓ - 16 ઓરડીઓ.
. જાવેદ જુસબ જુણેજા : ગાંજા પેડલર - 8 ઓરડીઓ.
. તોસીફ ઉર્ફે બાઘો ઉમરેટીયા: 14 ગુનાઓ - 1 મકાન, 8 ઓરડીઓ.
. અસીમ હાજીભાઇ ઉમરેટીયા: બુટલેગર - 1 મકાન, 12 ઓરડીઓ.
. ઇમરાન ઉર્ફે ટીકડો ઉમરેટીયાઃ 27 ગુનાઓ - 1 મકાન, 1 દુકાન.
. તનવીર ઉર્ફે તનીયો શિશાંગિયાઃ 12 ગુનાઓ - 1 મકાન, 1 દુકાન.
. વિનુ કમાભાઇ સિધવ : બુટલેગર - 1 ઓરડી, 1 દુકાન.
સુરક્ષાના ભાગરૂપે 2500થી વધુ પોલીસ જવાનો અને અર્ધલશ્કરી દળો તૈનાત કરવામાં આવ્યા હતા. આ સમગ્ર કામગીરી પર 25 ડ્રોન કેમેરા અને 30 વોકીટોકી સેટ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી હતી.
ઉલ્લેખનીય છે કે રાજ્યમાં છેલ્લા થોડા સમયથી ગેરકાયદે દબાણો તોડવાની શરૂઆત થઈ છે. જેમાં સૌથી પહેલા અમદાવાદના ચંડોળા તળાવમાં બુલડોઝર ફેરવવામાં આવ્યું હતું. આ વિસ્તાર મિની પાકિસ્તાન તરીકે ઓળખાતો હતો, ત્યાર બાદ દ્વારકા, સુરત, જામનગરમાં પણ ગેરકાયદે દબાણો હટાવવામાં આવ્યા હતા. અહીં એ જણાવવાનું કે ગયા વર્ષે અમદાવાદના ચંડોળા તળાવ નજીક અતિક્રમણો હટાવીને પાલિકાએ મોટી કામગીરી પાર પાડી હતી. સૌથી મોટો સવાલ એ છે કે વર્ષો પહેલા લોકો સરકારી જમીન પર ગેરકાયદે અડ્ડો જમાવતા હોય છે, પરંતુ એ વખતે પ્રશાસન આંખ આડા શા માટે કરે છે એના અંગે પણ સામાજિક કાર્યકર્તાઓએ ગંભીર સવાલ ઊભા કર્યા હતા.