(અમારા પ્રતિનિધિ તરફથી)
જામનગરઃ ખેડા બાદ હવે જામનગરમાં પોલીસ ભરતીની શારીરિક કસોટીમાં ગેરરીતિનો થઈ હોવાનું બહાર આવ્યું હતું. જામનગર પોલીસ હેડક્વાર્ટરના ગ્રાઉન્ડ પર ચાલી રહેલી દોડની કસોટીમાં ગોંડલ એસઆરપી કોન્સ્ટેબલ અર્જુનસિંહ જાડેજાએ પોતાના મિત્ર શિવભદ્રસિંહ જાડેજા સાથે મળીને છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું હતું.
અર્જુનસિંહથી દોડ પૂર્ણ થઈ શકે તેમ ન હોવાથી તેણે પોતાની સુરક્ષા અને નોકરીને જોખમમાં મૂકીને આ આખું કાવતરું ઘડ્યું હતું, જેમાં તેણે સરકારી ભરતી પ્રક્રિયાના નિયમોના લીરેલીરા ઉડાડ્યા હતા.
આ છેતરપિંડીની મોડસ ઓપરેન્ડી ખૂબ જ ચોંકાવનારી હતી. અર્જુનસિંહે પોતાના પગમાં બાંધેલી ઇલેક્ટ્રિક ચિપનું પ્લાસ્ટિક લોક તોડીને શિવભદ્રસિંહને આપી દીધી હતી. શિવભદ્રસિંહે પોતાના અને મિત્ર એમ બંનેના ભાગની દોડ પૂરી કરી હતી અને છેલ્લો રાઉન્ડ બાકી હતો ત્યારે ચિપ પરત અર્જુનસિંહને સોંપી દીધી હતી જેથી ટેકનિકલ રીતે અર્જુનસિંહ દોડ પાસ કરી શકે. જોકે, દોડ પૂરી થયા બાદ અર્જુનસિંહની ચિપ રીડ ન થતા ગ્રાઉન્ડ ઇન્ચાર્જ સેનાપતિ કોમલ વ્યાસને શંકા ગઈ હતી.
ગાંધીનગર કંટ્રોલ રૂમના ડેટા અને ફૂટેજ ચેક કરાવતા આ સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. આ ઘટના અંગે પીઆઈ જયપાલસિંહ સોઢાએ સીટી બી. ડિવિઝન પોલીસ સ્ટેશનમાં બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.