(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ: જામનગર જિલ્લામાં આગામી તા.૩ મે ના રોજ બપોરે ૨:૦૦ થી સાંજે ૫:૦૦ વાગ્યા દરમિયાન નીટ (યુજી)ની પરીક્ષાના સુચારુ આયોજન અંગે અને લગત વિભાગો દ્વારા કરવામાં આવેલ તૈયારીઓની સમીક્ષા અંગે કલેકટરની અધ્યક્ષતામાં અને જિલ્લા પોલીસ વડાશ્રી ડો.રવિ મોહન સૈનીની ઉપસ્થિતિમાં કલેકટર કચેરી ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. બેઠક દરમિયાન કલેકટરે પરીક્ષા પ્રક્રિયા દરમિયાન કોઈ પણ પ્રકારની અડચણ ન આવે તે માટે જરૂરી તમામ વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સબંધિત અધિકારીઓને માર્ગદર્શન આપ્યું હતું.
વિદ્યાર્થીઓને સમયસર પરીક્ષા કેન્દ્ર પર પહોંચવામાં સહાયરૂપ થાય તે માટે જામનગર મહાનગર પાલિકા અને ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ વિભાગીય નિયામક કચેરી જામનગર દ્વારા ખાસ બસો ફાળવવામાં આવી છે. જેમાં જામનગર એસ.ટી.વિભાગ દ્વારા પરીક્ષાર્થીઓ સમયસર પરીક્ષા કેન્દ્રોએ પહોચી શકે તે માટે પરીક્ષા કેન્દ્ર વાલસુરા અને અલીયાબાડા જવાહર નવોદય વિદ્યાલય ખાતે બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બન્ને કેન્દ્રો ખાતે જવા માટે વિદ્યાર્થીઓ માટે એસ.ટી. બસ સ્ટેન્ડ ખાતેથી સવારે ૮:૦૦ કલાકે, ૯:૦૦ કલાકે અને ૯:૩૦ કલાકે બસો ઉપડશે.
આ ઉપરાંત અન્ય પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓ સરળતાથી પહોચી શકે તે માટે જામનગર મહાનગર પાલિકા દ્વારા સીટી બસ ફાળવવામાં આવી છે. આ બસ ત્રણ પરીક્ષા કેન્દ્રો જેમાં કેન્દ્રીય વિદ્યાલય-૧ એરફોર્સ સ્ટેશન-૧, કેન્દ્રીય વિદ્યાલય-૨, ઇન્ફેન્ટ્રી લાઈન્સ, જેલ રોડ ગેટપાસે અને ડીકેવી કોલેજ ખાતે વિદ્યાર્થીઓને પહોચવા માટે એક એસટી બસ સવારે ૮:૩૦ કલાકથી ૧૧:૦૦ કલાક સુધી એસટી ડેપોથી ત્રણે પરીક્ષા કેન્દ્રો ખાતે વિદ્યાર્થીઓને ઉતારીને આવી જાય અને ૧૧:૦૦ વાગ્યા સુધી આ ટ્રીપ ચાલુ રહે તે પ્રકારે આયોજન કરવામાં આવ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.