શ્રીનગર: એપ્રિલ ૨૦૨૫માં પહલગામ આતંકી હુમલા બાદ ભારત સરકારે પાકિસ્તાન સાથેની સિંધુ જળ સંધિ સ્થગિત કરીને લોહી અને પાણી એક સાથે નહિ વહેવા દેવાની નીતિ અખત્યાર કરીને આક્રમક વલણ અપનાવ્યું હતું, તેને હવે જમીની સ્તરે અમલમાં મૂકવાની શરૂઆત થઈ ગઈ છે. જમ્મુ-કાશ્મીર સરકારે રાજ્યમાં વીજ પરિયોજનાઓને વેગ આપવાની રણનીતિ હેઠળ 120 વર્ષ જૂના અને ઐતિહાસિક એવા મોહરા પાવર પ્રોજેક્ટને ફરી શરૂ કરવાની જાહેરાત કરી છે. ૧૯૯૦ના દાયકાથી બંધ પડેલા આ પ્રોજેક્ટને પુનર્જીવિત કરવો એ માત્ર વીજ ઉત્પાદનનો વિષય નથી, પરંતુ પાકિસ્તાન માટે એક મજબૂત વ્યૂહાત્મક અને કૂટનીતિક સંદેશ પણ છે.
મુખ્ય પ્રધાન ઓમર અબ્દુલ્લાએ જમ્મુ-કાશ્મીર વિધાનસભામાં આ યોજનાની જાહેરાત કરતા જણાવ્યું હતું કે, 'જમ્મુ-કાશ્મીર સ્ટેટ પાવર ડેવલપમેન્ટ કોર્પોરેશન' દ્વારા 10.5 મેગાવોટ ક્ષમતા ધરાવતા આ પ્લાન્ટના નવીનીકરણ અને આધુનિકીકરણની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. બારામુલ્લા જિલ્લાના ઉરી સેક્ટરમાં જેલમ નદીના કિનારે આવેલો આ પ્રોજેક્ટ ભારતનો સૌથી જૂનો હાઈડ્રોપાવર સ્ટેશન છે, જે ૧૯૦૫માં શરૂ કરવામાં આવ્યો હતો. ૧૯૯૨ના વિનાશક પૂર બાદ તેને ભારે નુકસાન પહોંચતા તેનું ઉત્પાદન ઘટ્યું હતું અને અંતે તે સંપૂર્ણપણે બંધ થઈ ગયો હતો.
આ પ્રોજેક્ટ એન્જિનિયરિંગનો એક અદભૂત નમૂનો અને ઐતિહાસિક વારસો છે. તેની સૌથી મોટી વિશેષતા પહાડોની ધાર પર બનેલી 10 કિલોમીટર લાંબી લાકડાની વોટર ચેનલ છે, જેના દ્વારા પાણીને ટર્બાઇન સુધી પહોંચાડવામાં આવતું હતું. આ પ્રોજેક્ટનો જીર્ણોદ્ધાર જમ્મુ-કાશ્મીરના એ મોટા લક્ષ્યાંકનો ભાગ છે, જે હેઠળ રાજ્યમાં વીજ ઉત્પાદનને 2035 સુધીમાં વર્તમાન 3540 મેગાવોટથી વધારીને 11,000 મેગાવોટ સુધી લઈ જવાની યોજના છે.
જો કે ભારતનો આ નિર્ણય પાકિસ્તાન માટે મોટો ફટકો સાબિત થશે. પાકિસ્તાન વર્ષોથી જેલમ નદી પરના ભારતના હાઈડ્રોપાવર પ્રોજેક્ટ્સમાં અવરોધો ઊભા કરતું રહ્યું છે, પરંતુ હવે ભારતે પોતાની નદીઓના પાણીના 100 ટકા વપરાશનો દ્રઢ નિર્ણય કર્યો છે. ઉરી સેક્ટરમાં આ પ્રોજેક્ટ ફરી શરૂ થવાથી જેલમ નદીના પાણી પર ભારતનું નિયંત્રણ વધશે અને પાકિસ્તાન તરફ જતું પાણી તેની મરજી મુજબ ઉપયોગમાં લેવાશે.