મુંબઈ: ક્રિકેટ રમતી વખતે મૃત્યુ પામેલા 12 વર્ષના બાળકના મૃતદેહને દાટવામાં આવ્યો હતો, પરંતુ પિતાએ મૃત્યુ અંગે શંકા વ્યક્ત કરી તપાસની માગણી કરતાં અઢી મહિના પછી તેના અવશેષ જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.પોલીસના જણાવ્યા મુજબ જળગાંવ જિલ્લાના ધરણગાંવ તાલુકામાં આવેલા રેલ ગામમાં રહેતા ગણેશ નવલ પાટીલનું માર્ચ મહિનામાં મૃત્યુ થયું હતું.
ગણેશ મિત્રો સાથે ક્રિકેટ રમતો હતો ત્યારે એકાએક છાતીમાં બેટ વાગવાથી તે જમીન પર ફસડાઈ પડ્યો હતો. બેભાન ગણેશને હૉસ્પિટલમાં લઈ જવામાં આવતાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. બાદમાં પરિવારના સભ્યોએ તેના મૃતદેહને ગિરણા નદીને કિનારે જમીનમાં દાટી દીધો હતો.
જોકે બાદમાં ગણેશના પિતાએ મૃત્યુ શંકાસ્પદ હોવાનું જણાવી ઘટનાની તપાસ કરવાની માગણી કરી હતી. આખરે તહેસીલદારના આદેશને આધારે આ મામલે પોલીસે તપાસની પ્રક્રિયા શરૂ કરી હતી. આરોગ્ય અધિકારી અને ફોરેન્સિક નિષ્ણાતની હાજરીમાં બાળકના અવશેષને જમીનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા. ડિટેઈલ પોસ્ટમોર્ટમ માટે તેને ધુળે જિલ્લાની ગવર્નમેન્ટ મેડિકલ કૉલેજમાં મોકલી દેવાયા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું.
આ ઑપરેશન દરમિયાન ગણેશના વાલીઓ, સગાંસંબંધી અને સેંકડો ગામવાસીઓ હાજર હતા. તે સમયે પોલીસનો કડક બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. પોસ્ટમોર્ટમના અહેવાલ બાદ ફોજદારી તપાસની જરૂર છે કે નહીં તેની જાણ થશે, એમ અધિકારીએ જણાવ્યું હતું. (પીટીઆઈ)