Wed Jun 24 2026

Logo

'તારક મહેતા...' ફેમ 'બાઘા'ના પિતા અને દિગ્ગજ ગુજરાતી અભિનેતા અરવિંદ વેકરિયાનું નિધન, રંગભૂમિમાં ફરી વળ્યું શોકનું મોજું

2026-06-24 13:00:00
Author: Darshana Visaria
Article Image

મુંબઈ: મનોરંજન જગત અને ખાસ કરીને ગુજરાતી રંગભૂમિ માટે એક ખૂબ જ દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ગુજરાતી રંગભૂમિના પીઢ કલાકાર અરવિંદ વેકરિયાનું અવસાન થયું છે. તેમના નિધનના સમાચારથી કલા જગત અને તેમના ચાહકોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે. તેઓ લોકપ્રિય ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC)માં 'બાઘા'નું પાત્ર ભજવીને ઘરે-ઘરે જાણીતા બનેલા અભિનેતા તન્મય વેકરિયાના પિતા હતા.

રંગભૂમિના દિગ્ગજ કલાકાર અરવિંદ વેકરિયા પોતાની આગવી અભિનય શૈલી માટે જાણીતા હતા. તેમણે ગુજરાતી નાટ્યજગતમાં દાયકાઓ સુધી સક્રિય યોગદાન આપ્યું હતું. 'બાપા કમાલ દીકરા ધમાલ' જેવા અનેક સુપરહિટ અને યાદગાર ગુજરાતી નાટકોમાં તેમણે ભજવેલા પાત્રો આજે પણ પ્રેક્ષકોના માનસપટલ પર જીવંત છે. તેઓ એક સશક્ત અભિનેતા હોવાની સાથે-સાથે નાટ્ય નિર્માણ અને દિગ્દર્શન સાથે પણ જોડાયેલા હતા.

અરવિંદ વેકરિયાના અવસાનના સમાચાર વાયુવેગે પ્રસરતા જ ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી, ટેલિવિઝન જગત અને રંગભૂમિના અનેક દિગ્ગજ કલાકારો, લેખકો અને દિગ્દર્શકોએ સોશિયલ મીડિયાના માધ્યમથી દુઃખ વ્યક્ત કર્યું છે. 'તારક મહેતા...'ની ટીમ સહિતના કલાકારોએ તન્મય વેકરિયા અને તેમના પરિવાર પ્રત્યે સંવેદના વ્યક્ત કરીને દિવંગત આત્માની શાંતિ માટે પ્રાર્થના કરી છે.

અરવિંદ વેકરિયાના વારસાને તેમના દીકરા તન્મય વેકરિયાએ ખૂબ જ સુંદર રીતે આગળ ધપાવ્યો છે. તન્મયે પણ પિતાના માર્ગદર્શન હેઠળ નાટકોથી જ કરિયરની શરૂઆત કરી હતી અને આજે તેઓ 'તારક મહેતા...' શોમાં 'બાઘા બોય' તરીકે દેશ-વિદેશમાં લોકપ્રિય છે. પિતા-પુત્રની આ જોડીએ ગુજરાતી કલા જગતને સમૃદ્ધ બનાવવામાં મોટો ફાળો આપ્યો છે.