રાજકોટઃ ચોટીલા-રાજકોટ નેશનલ હાઈવે પર આજે વહેલી સવારે વિહાર કરી રહેલા દેરાવાસી જૈન સમાજના ઓમકારશેખર વિજયજી મહારાજ સાહેબને કોઈ અજાણ્યા વાહને અડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે જ અવસાન થયું હતું. આ સમાચાર વાયુવેગે પ્રસરતાં જ સમગ્ર જૈન સમાજ અને ધર્મપ્રેમી જૈનેતરોમાં ઘેરા શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
મળતી માહિતી મુજબ, સાધુ મહારાજ સહિત 34 જેટલા સાધુ ભગવંતો શાપર ઉપાશ્રય ખાતે રાત્રિ રોકાણમાં હતા. વહેલી સવારે તેઓ ત્રણ અલગ-અલગ ટુકડીઓમાં વહેંચાઈને ચોટીલા તરફ વિહાર કરી રહ્યા હતા. સવારે આશરે 5.30 વાગ્યાના અરસામાં સૌથી આગળ ચાલી રહેલી ટુકડીમાં સામેલ સાધુ મહારાજ પ્રન્યાસપ્રવર ઓમકારશેખર વિજયજી મહારાજને કોઈ અજ્ઞાત વાહનના ચાલકે જોરદાર ટક્કર મારી હતી.
અકસ્માત સર્જી વાહનચાલક ગાડી લઈને નાસી છૂટ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા સાધુ મહારાજને તાત્કાલિક ચોટીલા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ઘટનાની જાણ થતાં જ ચોટીલા જૈન સંઘના અગ્રણીઓ અને શ્રાવકો મોટી સંખ્યામાં હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા. સાંજે 4 કલાકે ચોટીલા ખાતે 'જય જય નંદા, જય જય ભદ્દા'ના નાદ સાથે તેમની અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે.
અકસ્માતનો ભોગ બનનાર પૂજ્ય મહારાજ સાહેબ જૈન શાસનમાં ખૂબ જ આદરણીય અને પ્રસિદ્ધ નામના ધરાવતા શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરી સમુદાયના ઉપનય સમ્રાટ પ.પૂ. આચાર્ય શ્રી અજિતશેખરસૂરિ મહારાજાના શિષ્ય થતા હતા. તેમનો સંસારી પરિવાર મુંબઈ ખાતે વસે છે. પ.પૂ. પંન્યાસ ઓમકારશેખર વિજયજી મ.સા.એ માત્ર 26 વર્ષની દીક્ષા પર્યાય અને 6 વર્ષના પન્યાસપદ પર્યાય દરમિયાન સંયમ, સાધના અને શાસનસેવાની અમૂલ્ય છાપ છોડી હતી.
આ ઘટના બાદ ફરી એક વખત હાઈવે પર વિહાર કરતા સાધુ ભગવંતોની સુરક્ષાને લઈને પણ સવાલો ઉભા થયા છે.