Fri Sep 04 2026

Logo

અમરેલી માર્કેટ યાર્ડમાં ભાવુક થયા ભાજપ પ્રદેશ પ્રમુખઃ માતાના સંઘર્ષના એ દિવસો ભૂલી શકાય નહીં...

2026-03-22 20:47:00
Author: Devayat Khatana
અમરેલી માર્કેટ યાર્ડમાં ભાવુક થયા ભાજપ પ્રદેશ પ્રમુખઃ માતાના સંઘર્ષના એ દિવસો ભૂલી શકાય નહીં...

(અમારા પ્રતિનિધિ તરફથી)
અમરેલી:
અમરેલી માર્કેટ યાર્ડમાં આયોજિત એક કાર્યક્રમમાં પ્રદેશ ભાજપ પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા ભાવનાત્મક સંબોધન કર્યું હતું. તેમણે પોતાના બાળપણ અને માતાના સંઘર્ષને યાદ કરતા જણાવ્યું હતું કે મારી માતાએ માથે લાકડા ઉઠાવીને ચૂલા સળગાવ્યા છે, એ દિવસો ભૂલી શકાય તેમ નથી. 

તેમણે આરોપ લગાવ્યો કે કોંગ્રેસના શાસનમાં ગેસના કનેક્શન માટે માત્ર સત્તાવાળાઓ અને મોટા માણસોની જ લાગવગ ચાલતી હતી, જ્યારે સામાન્ય જનતાએ લાકડાના ધુમાડા વચ્ચે જીવવું પડતું હતું. વધુમાં તેમણે વિપક્ષી નેતાઓ પર નિશાન સાધતા કહ્યું કે, જેમના નેતાઓ ઇટાલીથી આવ્યા છે તેમને ગરીબ માતાઓના સંઘર્ષ અને ચૂલાના ધુમાડાની પીડા ક્યારેય સમજાય નહીં.

આગળ તેમણે ભાજપ સરકારની કામગીરીના વખાણ કરતા જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં આજે છેવાડાના માનવી સુધી સુવિધાઓ પહોંચી રહી છે. 

તેમણે દાવો કર્યો હતો કે જનતાએ જે રીતે કોંગ્રેસને નકારી છે તે જોતા આગામી 50 વર્ષ સુધી કોંગ્રેસ સત્તાથી દૂર રહેશે. મજૂરી કરીને માતાએ આપેલા સંસ્કારોને કારણે જ પોતે આજે આ સ્થાને પહોંચ્યા હોવાનું જણાવી તેમણે ભાવુક થઈને જનમેદનીને સંબોધી હતી. જગદીશ વિશ્વકર્માના આ ઉગ્ર અને ભાવનાત્મક નિવેદનથી અમરેલીના રાજકીય માહોલમાં ભારે ગરમાવો જોવા મળ્યો હતો.