Tue Jul 28 2026

Logo

ચેતી જજોઃ આઈવીએફ સેન્ટરો તસ્કરી કરેલા બાળકો માતા-પિતાને આપી દેતા હોવાની શક્યતા

2026-02-23 15:01:00
Author: Pooja Shah
Article Image

અમદાવાદઃ ગુજરાતના બાળ તસ્કરીના કેસમાં ઊંડી તપાસ બાદ નવા નવા ખુલાસા થઈ રહ્યા છે. એક  ખુલાસા અનુસાર નિઃસંતાન દંપતીઓને બાળક થવાની સો ટકા ગેરંટી આપવામાં આવતી હતી અને તે માટે આઈવીએફ સેન્ટરો પણ આ તસ્કરીમાં કથિત રીતે રોડાયેલા હોવાની શક્યતા પોલીસ તપાસી રહી છે.
 
સૂત્રોએ જણાવ્યા અનુસાર ગુજરાત પોલીસ અધિકારીઓ હવે પુણેના અનેક સેન્ટરો પર નજર રાખી રહ્યા છે. ગુજરાત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ નેટવર્કમાં મોટાભાગે ગુજરાત અને રાજસ્થાનના આદિવાસી વિસ્તારોમાંથી બાળકો ખરીદી લેવાતા હતા, જેથી નિઃસંતાન યુગલો માટે બાળજન્મની 100% ગેરંટી તરીકે માર્કેટિંગ કરવામાં આવતી હતી.

અગાઉ પોલીસે જણાવ્યું હતું કે બાળકોને કથિત રીતે ત્વચાના રંગ, લિંગ અને ઉંમરના આધારે પસંદ કરીને વેચવામાં આવતા હતા. અધિકારીઓએ જણાવ્યું હતું કે પુણે અને હૈદરાબાદના કેટલાક આઈવીએફ કેન્દ્રોના ગ્રાહકો એવા નવજાત શિશુઓને પસંદ કરતા હતા જેમના શારીરિક લક્ષણો તેમના જેવા જ હોય. આ માંગણીઓને પૂર્ણ કરવા માટે, એજન્ટોએ ગ્રામીણ પટ્ટામાં નબળા પરિવારોના બાળકોને ઓળખીને ખરીદ્યા હોવાનો આરોપ છે. અમદાવાદ અને હૈદરાબાદમાં આઈવીએફ કેન્દ્રો અને સ્ત્રીરોગ હોસ્પિટલોમાં કામ કરતી એક નર્સ મુખ્ય શંકાસ્પદ તરીકે ઉભરી આવી છે. ક્રાઇમ બ્રાન્ચના સૂત્રોએ જણાવ્યું હતું કે તેણે હૈદરાબાદ, પુણે અને અમદાવાદની હોસ્પિટલોને એકબીજા સાથે જોડવાનું કામ કર્યું હતું.
 
આ આઈવીએફ કેન્દ્રો બાળક થવાની સો ટકા ગેરંટી આપે છે. ક્રાઈમ બ્રાન્ચના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું. ઘણા ગ્રાહકો હૈદરાબાદના છે અને તેમના જેવા દેખાતા બાળકોને પસંદ કરે છે. આ માટે, ગેંગે ઉત્તર ગુજરાત અને પશ્ચિમ રાજસ્થાનના આદિવાસી પટ્ટાઓને નિશાન બનાવ્યા હતા.

વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું હતું કે તસ્કરો આદિવાસી સમુદાયોમાં બદલાતા સામાજિક ધોરણોનો પણ લાભ ઉઠાવતા હતા. બે દાયકા પહેલા સુધી, આદિવાસીઓમાં અપરિણીત મહિલાઓએ બાળકોને જન્મ આપ્યો હોય તો બહુ મોટી વાત ન કહેવાતી, પરંતુ હવે લગ્ન જન્મેલા બાળકો મુસિબત લાવે છે. તસ્કરોએ આ વાતનો લાભ ઉછાવે છે અને જે તે મહિલા પાસેથી બાળક ખરીદવાની તક શોધતા રહે છે. આ રેકેટ 29 જાન્યુઆરીએ બહાર આવ્યું હતું, જ્યારે હિંમતનગરથી મુસાફરી કરી રહેલા ચાર આરોપીને અમદાવાદ એરપોર્ટ નજીક અટકાવવામાં આવ્યા હતા, જ્યારે તેઓ 15 દિવસના બાળકને ફરીથી વેચાણ માટે હૈદરાબાદ લઈ જતા હતા.