જેરૂસલેમ: ઈઝરાયેલ અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને ડામવા માટે મધ્યસ્થીના પ્રયાસો તેજ થયા છે ત્યારે પાકિસ્તાન મધ્યસ્થીનો જશ ખાટવા માટે ઘેલો થઈ રહ્યો છે. ત્યારે ઈઝરાયલે પાકિસ્તાન કરતા ભારતની ભૂમિકાને વધુ મહત્વની ગણાવી છે. ઈઝરાયલ વિદેશ મંત્રાલયના વિશેષ દૂત ફ્લૂર હસન-નહૂમે એક ઈન્ટરવ્યુમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, પાકિસ્તાનની સરખામણીએ ભારત ઘણું સારું મધ્યસ્થ સાબિત થઈ શકે તેમ છે. તેમણે પાકિસ્તાનની મધ્યસ્થી કરવાની ઈચ્છા પર કટાક્ષ કરતા કહ્યું કે, પાકિસ્તાન પોતે જ આતંકવાદની દુનિયામાં એક મોટી સમસ્યા છે અને તે માત્ર પોતાની પ્રસ્તુતતા સાબિત કરવાના નિરર્થક પ્રયાસો કરી રહ્યું છે.
ભારતની પ્રશંસા કરતા હસન-નહૂમે ઉમેર્યું હતું કે, ભારત ઈઝરાયેલનો અત્યંત નજીકનો અને ભરોસાપાત્ર સાથી દેશ છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈઝરાયેલ સાથેના મજબૂત સંબંધો અને ભારતની એવી ક્ષમતા કે તે તમામ પક્ષો સાથે ઉત્તમ સંબંધો જાળવી રાખે છે, તેને કારણે ભારત મધ્યસ્થી માટે શ્રેષ્ઠ વિકલ્પ છે. પાકિસ્તાનના વિદેશ મંત્રી ઈશાક ડારે સાઉદી અરેબિયા, ઇજિપ્ત અને તુર્કી સાથે મળીને અમેરિકા અને ઈરાન વચ્ચે મંત્રણા કરાવવાની રજૂઆત કરી હતી, પરંતુ ઈઝરાયેલે તેને ગંભીરતાથી લીધી હોય તેવું જણાતું નથી.
બીજી તરફ, ઈરાને અમેરિકા સાથે યુદ્ધ વિરામ અંગેની કોઈપણ પ્રકારની વાતચીત કરવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. ઈરાની વિદેશ મંત્રાલયના પ્રવક્તા ઈસ્માઈલ બઘાઈએ જણાવ્યું હતું કે, મધ્યસ્થીઓ દ્વારા તેમને અમેરિકાના મંત્રણા માટેના સંદેશા મળ્યા છે, પરંતુ તેની શરતો અતાર્કિક છે. ઈરાને ભારપૂર્વક કહ્યું છે કે તેમના પર સૈન્ય હુમલો થયો હોવાથી હાલમાં તેમની પ્રાથમિકતા મંત્રણા કરવાને બદલે પોતાની સંરક્ષણ શક્તિ મજબૂત કરવા પર છે. આ સ્થિતિમાં પશ્ચિમ એશિયાનો સંઘર્ષ વધુ ઘેરો બનવાની ભીતિ સેવાઈ રહી છે.