Fri Sep 04 2026

Logo

યુદ્ધ વિરામમાં મધ્યસ્થાનો દાવો કરતા પાકિસ્તાનને ઇઝરાયલે ખખડાવ્યું! પાક રક્ષા પ્રધાનને લીધા આડેહાથ

Jerusalem   2026-04-10 08:41:00
Author: Vimal Prajapati
યુદ્ધ વિરામમાં મધ્યસ્થાનો દાવો કરતા પાકિસ્તાનને ઇઝરાયલે ખખડાવ્યું! પાક રક્ષા પ્રધાનને લીધા આડેહાથ

જેરૂસલેમઃ અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને શાંત કરવા માટે પાકિસ્તાન મધ્યસ્થી કરી રહ્યું હોય તેવી ચર્ચાઓ ચાલી રહી છે. કેટલાક અહેવાલો આનું ખંડન પણ કરે છે, કે પાકિસ્તાન મધ્યસ્થી કરી શકે તેવી સ્થિતિમાં જ નથી. તે માત્ર અમેરિકાના કહેવા પ્રમાણે રમી રહ્યું છે. આ દરમિયાન ઇઝરાયલે પાકિસ્તાનના રક્ષા પ્રધાનને જોરદાર ફટકાર લગાવી છે. પાકિસ્તાન દ્વારા ઇઝરાયલને લઈને એક આપત્તિજનક ટિપ્પણી કરવામાં આવી હતી, જેનો ઇઝરાયલે ધારદાર જબાવ આપ્યો છે. 

અમેરિકાએ ઇઝરાયલને મુકી પાકિસ્તાન પર ભરોસો કર્યો?

ઈરાન સામે અમેરિકા અને ઇઝરાયલે સાથે મળીને હુમલાઓ શરૂ કર્યાં હતાં, પરંતુ હવે યુદ્ધ વિરામ માટે અમેરિકાએ ઇઝરાયલ સાથે કોઈ વાતચીત કરી નથી. એટલું જ નહીં પરંતુ આ યુદ્ધ વિરામ માટે અમેરિકા પાકિસ્તાનને ટપાલી બનાવી રહ્યું છે. જેથી પાકિસ્તાને પોતાને આ યુદ્ધ વિરામ માટે મધ્યસ્થી માની રહ્યું છે. શાંતિની વાતો કરતા પાકિસ્તાને ઇઝરાયલને નરસંહાર કરતું રાષ્ટ્ર ગણાવ્યું હોવાના કારણે ઇઝરાયલ ભડક્યું છે. 

પાકિસ્તાન રક્ષા પ્રધાન આસિફે કહ્યું કે, ઇઝરાયલ નિર્દોષ નાગરિકોને મારી રહ્યું છે, પહેલા ગાઝામાં, પછી ઈરાનમાં અને હવે લેબનોનમાં નરસંહાર સતત ચાલી રહ્યો છે. હું આશા અને પ્રાર્થના કરું છે કે, જે લોકોએ યુરોપિયન યહુદિયોથી છુટકારો લેવા માટે પેલેસ્ટિનિયન જમીન પર આવા કેન્સર જેવા રાજ્યની સ્થાપના કરી તેમને નરક મળે!

ઇઝરાયલના વિદેશ પ્રધાને નારાજગી વ્યક્ત કરી

પાકિસ્તાનના આ નિવેદન પર ઇઝરાયલના વિદેશ પ્રધાન ગિદોન સારે નારાજગી વ્યક્ત કરીને નિવેદનની નિંદા કરતા કહ્યું કે, શાંતિની મધ્યસ્થાનો દાવો કરતી સરકાર તરફથી આમ યહૂદી વિરોધી રક્ત બદનક્ષીના ખુલ્લેઆમ આરોપો છે; આવું નિવેદન આપવું અયોગ્ય છે. ઇઝરાયલી વડાપ્રધાન કાર્યાલય દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી અને તેમાં લખ્યું કે, પાકિસ્તાનના સંરક્ષણ પ્રધાન દ્વારા ઇઝરાયલ સામે વિનાશનું આહ્વાન ખૂબ જ વાંધાજનક છે. વધુમાં કહ્યું કે, આ નિવેદન કોઈ પણ રીત સહન કરી શકાય નહીં, એ પણ એવી સરકાર દ્વારા જે યુદ્ધ વિરામમાં શાંતિની મધ્યસ્થાનો દાવો કરતી હોય!