Thu Sep 10 2026

Logo

શાંતિ વાર્તા વચ્ચે ઇઝરાયલનો લેબનાન પર હુમલો, 3ના મોત

2026-04-11 14:11:00
Author: Mumbai samachar Team
શાંતિ વાર્તા વચ્ચે ઇઝરાયલનો લેબનાન પર હુમલો, 3ના મોત

પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ સતત ભળકી રહી છે. એક તરફ વિશ્વના શક્તિશાળી દેશો શાંતિ સ્થાપવા માટે પ્રયત્નો કરી રહ્યા છે, ત્યારે બીજી તરફ લેબનાન સરહદે ઇઝરાયલની સૈન્ય કાર્યવાહી તેજ બની છે. ખાસ કરીને દક્ષિણ લેબનાનના વિસ્તારોમાં ઇઝરાયલ દ્વારા કરવામાં આવી રહેલા સતત હવાઈ હુમલાઓએ માનવીય કટોકટી વધી રહી છે. આ સંઘર્ષ હવે રણનીતિક વળાંક પર પહોંચ્યો છે, જ્યાં એક ભૂલ આખા પ્રદેશને મોટી મુસીબતમાં મૂકી શકે છે.

શનિવારે ઇઝરાયલી વાયુસેનાએ દક્ષિણ લેબનાનના નબાતીહ પ્રાંતમાં આવેલા મેફાદૌન કસ્બાને નિશાન બનાવ્યો હતો. અહીં એક રહેણાંક ઇમારત પર કરવામાં આવેલા ઘાતક હુમલામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. સ્થાનિક મીડિયા અનુસાર, આ હુમલો એટલો ભીષણ હતો કે ઇમારતને વ્યાપક નુકસાન થયું છે અને કાટમાળ નીચે હજુ પણ વધુ લોકો દબાયા હોવાની આશંકા છે. આ હુમલાને પગલે સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ અને રોષ જોવા મળી રહ્યો છે.

ઇઝરાયલનો આ હુમલો એવા સમયે થયો છે જ્યારે પાકિસ્તાનની રાજધાની ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે અત્યંત મહત્વપૂર્ણ શાંતિ વાર્તા યોજાવા જઈ રહી છે. આ બેઠકમાં કાયમી યુદ્ધવિરામ (સીઝફાયર) અંગે ગંભીર ચર્ચાઓ થવાની શક્યતા છે. વૈશ્વિક સમુદાય આશા રાખી રહ્યો છે કે આ મંત્રણા કોઈ સકારાત્મક પરિણામ લાવશે, પરંતુ વાર્તાના થોડા જ કલાકો પહેલા થયેલા આ હુમલાએ મંત્રણાના ટેબલ પર દબાણ વધારી દીધું છે.

અમેરિકા અને ઈરાન વચ્ચેની આ બેઠકમાં લેબનાનનો મુદ્દો સૌથી જટિલ છે. ઈરાનનો દાવો છે કે અગાઉ જે બે અઠવાડિયાના યુદ્ધવિરામની સહમતી બની હતી તેમાં લેબનાનનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. જોકે, બીજી તરફ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સ્પષ્ટ કરી ચૂક્યા છે કે લેબનાન આ સીઝફાયરનો ભાગ નથી. આ મતભેદને કારણે લેબનાનમાં હિંસા ચાલુ છે અને શાંતિની આશા ધૂંધળી બની રહી છે.