Mon May 11 2026

Logo

શું સોનું ખરીદવું હવે મોંઘું પડશે? ઇમ્પોર્ટ ડ્યુટી વધારવાની અટકળો અને પીએમ મોદીની અપીલનું જાણો અસલી સત્ય..

2026-05-11 17:38:27
Author: Darshana Visaria
Article Image

સોનાના સતત વધતાં જતાં ભાવ અને તેની આયાતને લઈને સોશિયલ મીડિયા પર વિવિધ અટકળો ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે ભારત સરકાર સોનાની આયાત ઘટાડવા માટે આયાત શુલ્ક (Import Duty) માં મોટો વધારો કરી શકે છે. ચાલો તમને આ સ્ટોરીમાં જણાવીએ કે આખરે હકીકત શું છે અને પીએમ નરેન્દ્ર મોદીજી દ્વારા આખરે એક વર્ષ સુધી સોનું નહીં ખરીદવાની અપીલ કેમ કરવામાં આવી છે... 

વાત જાણે એમ છે વડા પ્રધાન નરેન્દ્ર મોદીજી એ ગઈકાલે દેશવાસીઓને એક વર્ષ સુધી કોઈ પણ પ્રસંગ હોય તો પણ સોનું નહીં ખરીદવાની અપીલ કરી હતી. હવે પીએમ મોદીજીની આ અપીલ બાદ સોશિયલ મીડિયા પર એવા દાવા કરવામાં આવી રહ્યા છે કે મોદી સરકાર સોના પરની ઈમ્પોર્ટ ડ્યૂટીમાં વધારો કરવાની યોજના બનાવી રહી છે. 

જોકે, અત્યાર સુધી ભારત સરકાર કે નાણા મંત્રાલય દ્વારા આવી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. ભારત સોનાનો મોટો આયાતકાર દેશ હોવાથી, જ્યારે પણ આયાત વધે છે ત્યારે દેશની 'ચાલુ ખાતાની ખાધ' (Current Account Deficit) વધે છે. આ ખાધને નિયંત્રિત કરવા માટે સરકાર સમયાંતરે ડ્યુટીમાં ફેરફાર કરતી હોય છે, પરંતુ હાલના સમાચાર માત્ર અટકળો પર આધારિત છે.

વાત કરીએ વડાપ્રધાનની અપીલ પાછળનો હેતુની તો અહેવાલ અનુસાર, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ પહેલાં અનેકવાર દેશવાસીઓને ભૌતિક સોનામાં રોકાણ ઘટાડવા માટે પ્રોત્સાહિત કર્યા છે. આ પાછળના મુખ્ય કારણો વિશે વાત કરીએ તો ઘરમાં કે લોકરમાં પડેલું સોનું અર્થતંત્રમાં કોઈ ગતિશીલતા લાવતું નથી. સરકાર ઈચ્છે છે કે લોકો આ નાણાંને બેંકિંગ સિસ્ટમ કે શેરબજાર જેવા ઉત્પાદક ક્ષેત્રોમાં રોકે. જે લોકો પાસે સોનું છે, તેમને સરકાર એવી અપીલ કરે છે કે તેઓ બેંકોની ગોલ્ડ સ્કીમમાં સોનું જમા કરાવે, જેથી દેશની આયાત નિર્ભરતા ઘટે.

સરકાર દ્વારા ભૌતિક સોનાના વિકલ્પ તરીકે સરકાર 'ગોલ્ડ બોન્ડ' લાવવામાં આવ્યું છે, જેમાં સોનાના ભાવ વધારાની સાથે વાર્ષિક વ્યાજ પણ મળે છે. જો ભવિષ્યમાં ઈમ્પોર્ટ ડ્યુટી વધારવામાં આવે, તો સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં તત્કાલ ઉછાળો આવી શકે છે. આ જ કારણ છે કે જ્વેલરી બજારમાં અત્યારે ભારે હલચલ જોવા મળી રહી છે અને રોકાણકારો મૂંઝવણમાં છે.