Wed Sep 30 2026

Logo

દેશમાં ફરી 'લોકડાઉન' લાગશે? સોશિયલ મીડિયા પરની વાયરલ હકીકત જાણો

2026-03-26 17:01:21
Author: Mumbai Samachar Team
દેશમાં ફરી 'લોકડાઉન' લાગશે? સોશિયલ મીડિયા પરની વાયરલ હકીકત જાણો

નવી દિલ્હીઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈને કારણે અનેક દેશ પર હવે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. અનેક એવા દેશનું બજેટ ખોરવાયું છે. ફિલિપાઈન્સમાં તો રાષ્ટ્રીય કટોકટી જાહેર કરવામાં આવી છે. આ માહોલ વચ્ચે હવે ભારતમાં પણ શું હવે લોકડાઉન લાગુ કરવામાં આવશે એ વિષય પર જોરશોરથી ચર્ચા થઈ રહી છે. સોશિયલ મીડિયા પર ચાલી રહેલી ચર્ચા અનુસાર યુઝર્સ એવો દાવો કરી રહ્યા છે કે, વડાપ્રધાન મોદીએ કોવિડ-19 જેવા લોકડાઉનના સંકેત આપ્યા છે. 

લોકડાઉન અંગે ચર્ચા

મિડલ ઈસ્ટની સ્થિતિને લઈને સંસદમાં સંબોધન કરતા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે, ભારતે અગાઉ પણ કોવિડકાળ વખતે મોટી મુશ્કેલીઓનો સામનો કર્યો છે. વિકટ પરિસ્થિતિમાં રાષ્ટ્રની એકતા પર તેમણે ભાર મૂક્યો હતો. વડાપ્રધાન મોદીએ આ દરમિયાન વિકટ પરિસ્થિતિનો સામનો કરવા માટે તૈયાર રહેવાની અને એકજૂથ થઈને રહેવાની દેશવાસીઓને અપીલ કરી છે. 

યુદ્ધના કારણે ઊભી થનારી વૈશ્વિક મુશ્કેલીઓ અને આર્થિક પરિણામ ગંભીર આવી શકે છે. મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધમાં દરેક દિવસે નવી પરિસ્થિતિ ઊભી થાય છે જે દેશ અને દુનિયા માટે ગંભીર બની રહે છે. હું મારા દેશવાસીઓને એ કહેવા માગુ છું કે, આપણે દરેક પડકારોનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ.

યુદ્ધની અસર લાંબા સમય સુઘી રહેશે

વડા પ્રધાન મોદીએ ઉમેર્યું હતું કે, યુદ્ધની અસર લાંબા સમય સુધી રહી શકે છે. પણ દેશવાસીઓને ખાતરી આપવા માગુ છું કે સરકાર દરેક સ્થિતિને લઈને એલર્ટ છે અને ગંભીરતાથી એક રણનીતિ પર કામ કરી રહી છે. મુદ્દાઓને ધ્યાને લઈને જરૂરી નિર્ણયો પણ લેવામાં આવી રહ્યા છે. 

વૈશ્વિક સંકટને ધ્યાને લેતા કેન્દ્ર સરકારે ઓલ પાર્ટી બેઠકનું આયોજન કર્યું હતું. જેમાં એવી ખાતરી આપવામાં આવી હતી કે, દેશમાં ઊર્જા અને ફ્યુલને લઈને કોઈ જ પ્રકારની કટોકટી ઊભી નહી થાય. ખાસ વાત એ છે કે, વડા પ્રધાન મોદીના ભાષણમાં ક્યાંય લોકડાઉન શબ્દનો ઉપયોગ કર્યો નથી. સોશિયલ મીડિયા પર કેટલાક ખોટા દાવા કરવામાં આવી રહ્યા છે. 

ઈન્ટરનેટ પર સર્ચ થયું લોકડાઉન

રિપોર્ટ અનુસાર લોકો હવે ભારતમાં લોકડાઉન લાગી શકે છે એવો પ્રશ્ન ઈન્ટરનેટ પર પૂછી રહ્યા છે. જેમાં યુઝર્સને લોકડાઉન સમયના ડેટા અને લિંક મળી રહ્યા છે. હકીકત એ પણ છે કે, એ રિપોર્ટ અને તાજેતરમાં સંસદમાં રજૂ કરવામાં આવેલી વાતને લઈને કોઈ લેવાદેવા નથી. લોકડાઉન શબ્દનો ઉપયોગ પણ વડા પ્રધાન મોદીએ કર્યો નથી. માત્ર ધૈર્ય રાખીને દરેક પડકારનો સામનો કરવા માટે તૈયાર રહેવું જોઈએ એ વાત કહી છે. ઈન્ટરનેટ પર લોકડાઉન શબ્દ ફરી સર્ચમાં આવતા અનેક પ્રકારની ચર્ચાઓ શરૂ થઈ ચૂકી છે