તહેરાન/વોશિંગ્ટનઃ મિડલ ઈસ્ટમાં જારી યુદ્ધ વચ્ચે ઈરાનએ ફરી એક વખત સ્પષ્ટ કર્યું છે કે અમેરિકા-ઈઝરાયલ સાથે યુદ્ધ નહીં, પરંતુ વાતચીત મારફત સમાધાન લાવવા માગીએ છીએ. આમ છતાં અમે કોઈ પણ સંજોગોમાં ઝૂકીશું નહીં, એવી રાષ્ટ્રપતિએ ચેતવણી આપી છે.
અમેરિકાને ચેતવણી આપતા ઈરાનના રાષ્ટ્રપતિ મસૂદ પેજેશકિયનાએ જણાવ્યું છે કે ઈરાન ક્યારેય યુદ્ધ યા સંઘર્ષના પક્ષમાં નથી, પરંતુ કોઈ પોતાની શરતો થોપવા અથવા બળજબરીપૂર્વક ઝૂકાવવાની કોશિશ કરવામાં આવશે તો એમાં નિષ્ફળતા મળશે. ઈરાન પોતાની સાર્વભૌમત્વ અંગે કોઈ સમજૂતી કરશે નહીં, એવી તેમણે ચેતવણી આપી હતી.
નિર્દોષોને નિશાન બનાવવાનું અયોગ્ય
ઈરાનની સરકારી એજન્સીના જણાવ્યાનુસાર રાષ્ટ્રપતિએ અમેરિકા અને ઈઝરાયલના હુમલા અંગે ગંભીર સવાલો ઊઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આંતરરાષ્ટ્રીય કાયદા અને માનવીય સિદ્ધાંતો અન્વયે નાગરિકો, બાળકો, વરિષ્ઠ નાગરિકોને નિશાન બનાવવાનું અને સ્કૂલ-હોસ્પિટલ જેવી મહત્ત્વની સંસ્થાને તબાહ કરવાનું યોગ્ય છે.
સરેન્ડર કરવાના પ્રયાસો રહેશે નિષ્ફળ
રાષ્ટ્રપતિ પેજેશકિયનએ એ વાત પર ભાર મૂકતા કહ્યું કે પહેલાથી સંવાદ અને સહયોગ મુદ્દે અમારું વલણ સ્પષ્ટ કહ્યું છે. તેમણે કહ્યું કે અમે ના તો યુદ્ધ ઈચ્છીએ ના તો અસ્થિરતા. ફક્ત વાતચીત અને સહયોગની વાત કરીએ છીએ, પરંતુ જો કોઈ રાષ્ટ્ર અમારા સાર્વભૌમત્વ પર દબાણ લાવવા અથવા અમને નમાવવાની કોશિશ કરશે તો અમારી જનતા એને સ્વીકારશે નહીં. અમેરિકાને ચેતવણી આપતા તેમણે કહ્યું કે ઈરાન પર સરેન્ડર કરાવવા માટે જે કોઈ પ્રયાસ કરવામાં આવશે એ તમામ નિષ્ફળ રહેશે.
ઈસ્લામાબાદની મંત્રણાને મળી નિષ્ફળતા
28 ફેબ્રુઆરીથી અમેરિકા-ઈઝરાયલના સંયુક્ત હુમલાનું ભોગ ઈરાન બન્યું છે. ઈરાન સામે લશ્કરી અભિયાન હાથ ધરીને અનેક શહેરોને ખંડેર બનાવવામાં આવ્યા છે, જ્યારે તેના જવાબમાં ઈરાનના ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઈઆરજીસી)એ અમેરિકાના ખાડી દેશોના લશ્કરી થાણાઓને નિશાન બનાવીને નુકસાન પહોંચાડ્યું હતું. બંને દેશો વચ્ચે તણાવ ઘટાડવા માટે ઈરાનને પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં શાંતિ મંત્રણા કરી હતી, પરંતુ એ નિષ્ફળ ગઈ હતી.