Sun Jul 26 2026

Logo

Iran War Impact: ભારતીય ચોખા નિકાસકારો 'સંકટ'ના વાદળો, પેમેન્ટ અટવાવાનો 'ડર'...

2026-03-01 18:54:52
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: ઈરાન-યુદ્ધની અસર હવે ભારત પર પણ પડી શકે છે. અમેરિકા-ઈઝરાયલના હુમલામાં ઈરાનના સુપ્રીમો લીડરની હત્યા પછી આ યુદ્ધ વધુ વકરી શકે છે, જેની સીધી અસર ભારતીય ચોખા નિકાસકારો પર પડી શકે છે. ઈરાન પર અમેરિકા અને ઇઝરાયલના હુમલા બાદ  હરિયાણાના ચોખાના નિકાસકારોનું શિપમેન્ટ ઈરાન અને અફઘાનિસ્તાનમાં અટકી ગયું હતું. હવે નિકાસકારોને પૈસા આવવામાં વિલંબનો ડર સતાવી રહ્યો છે. રાઈસ એક્સપોર્ટર્સ એસોસિયેશનના રાજ્ય એકમના પ્રમુખ સુશીલ કુમાર જૈને જણાવ્યું હતું કે વ્યાપાર પર યુદ્ધની કેટલીક અસર પહેલાથી જ શરૂ થઈ ગઈ છે.

ઈરાનના સૌથી મોટા પોર્ટ બંદર અબ્બાસના રસ્તે ઈરાન અથવા અફઘાનિસ્તાન જતા જહાજો અટકી ગયા છે. જૈને જણાવ્યું હતું કે પરિસ્થિતિ સુધરે ત્યાં સુધી આ શિપમેન્ટ અટકી જશે જેનાથી બજાર પર અસર થશે. રૂપિયા મળવામાં પણ વિલંબ થઈ શકે છે. જોકે, તેમણે કહ્યું કે અસરનું ચોક્કસ મૂલ્યાંકન કરવું હજુ વહેલું છે, કારણ કે તે સંઘર્ષ કેટલો સમય ચાલુ રહે છે તેના પર નિર્ભર રહેશે.

બાસમતી નિકાસ અંગે જૈને કહ્યું હતું કે ભારતના કુલ વાર્ષિક નિકાસમાં હરિયાણા લગભગ 35 ટકા ફાળો આપે છે. કરનાલમાં ચોખા મિલના માલિક નીરજ કુમારે કહ્યું હતું કે, ગઈકાલથી યુદ્ધ શરૂ થયું અનિશ્ચિતતાની સ્થિતિ છે. માત્ર એક દિવસમાં વેપાર પર અસર પડી છે, જેના કારણે બાસમતીના ભાવ પ્રતિ કિલોગ્રામ લગભગ 4-5 રૂપિયા (400-500 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ) ઘટી ગયા છે.

ગયા વર્ષે જૂનમાં ઈરાન-ઈઝરાયલ યુદ્ધનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું કે તે સમયે પણ વેપાર પર અસર પડી હતી. તેમના મતે ઈરાન બાસમતીનો અમારો સૌથી મોટો ખરીદદાર છે, જ્યારે સંયુક્ત આરબ અમીરાત, ઓમાન, યમન અને ઇરાક જેવા અન્ય દેશોમાં પણ ચોખા નિકાસ થાય છે. માર્ચમાં નિકાસ પર અસર પડશે. યુદ્ધ વખતના જહાજોના ઈન્શોયરન્સ ક્વરેજમાં ઘટાડાને લઈને પણ પરેશાન છે, જેનાથી જોખમ વધ્યું છે. 

સઉદી અરેબિયા પછી ઈરાન ભારતનું સૌથી મોટું માર્કેટ
સઉદી અરેબિયા પછી ઈરાન ભારતનું સૌથી મોટું બાસમતી ચોખાનું માર્કેટ છે. ભારત સરકારે માર્ચ મહિનામાં પૂરા થનારા નાણાકીય વર્ષ 2024-25માં ઈરાનને લગભગ એક મિલ્યન ટન અનાજની નિકાસ કરી હતી, જ્યારે 6 મિલ્યન ટન બાસમતી ચોખાની પણ નિકાસ કરી હતી, જેની ડિમાન્ડ મુખ્યત્વે મિડલ ઈસ્ટ અને વેસ્ટ એશિયન માર્કેટની હતી. બીજા અન્ય ખરીદદારોમાં ઈરાક, યુએઈ અને યુએસએનો સમાવેશ થાય છે. અમેરિકા-ઈઝરાયલે શનિવારે ઈરાન પર સૌથી મોટો ઘાતક હુમલો કર્યો હતો, જેમાં ટ્રમ્પે ઈરાનની જનતાને તેમનું નસીબ કંટ્રોલ કરનારા અને 1979થી ઈરાન પર રાજ કરનારા ઈસ્લામિક લીડર વિરુદ્ધ ઊભા થવાની અપીલ કરી હતી.