Wed Apr 29 2026

Logo

ઇસ્લામાબાદ શાંતિ મંત્રણા નિષ્ફળ, અમેરિકી ઉપરષ્ટ્રપતિએ કહ્યું - ઈરાન માટે આ માઠા સમાચાર...

Newyork   2026-04-12 08:43:00
Author: Vimal Prajapati
Article Image

ન્યૂ યોર્કઃ ઇસ્લામાબાદમાં અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલી શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે. આ માહિતી અમેરિકાના ઉપપ્રમુખ જેડી વાન્સે આપી છે. અમેરિકી ઉપરષ્ટ્રપતિ વાન્સે કહ્યું કે, ઈરાન સાથે ચર્ચા 21 કલાક સુધી ચાલી હતી. અમે સારા વિશ્વાસથી આવ્યા હતા, પરંતુ શાંતિ મંત્રણા કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી. આ અમેરિકા માટે નહીં પરંતુ ઈરાન માટે ખરાબ સમાચાર છે. શાંતિ મંત્રણા નિષ્ફળ ગઈ છે એટલે હવે ફરી યુદ્ધ થશે તેવું નિષ્ણાતો માની રહ્યાં છે. કારણે કે, ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા ધમકી આપવામાં આવી હતી કે, જો શાંતિ મંત્રણા નિષ્ફળ રહી તો તે મોટો હુમલો કરશે!

21 કલાક સુધી વાતચીત ચાલી પરંતુ પરિણામ શૂન્ય

મીડિયા સાથે વાત કરતા અમેરિકી ઉપરાષ્ટ્રપતિએ કહ્યું કે, અમે ઈરાન સાથે 21 કલાક સુધી વાતચીત કરી. અમે સારા વિશ્વાસથી આવ્યા હતા, પરંતુ શાંતિ વાટાઘાટો કોઈ નિષ્કર્ષ પર પહોંચી નથી. ઈરાન શરતો સ્વીકારવા તૈયાર નથી. તેથી, અમે યુનાઇટેડ સ્ટેટ્સ પાછા ફરી રહ્યા છીએ. ઈરાન સાથે અનેક મુદ્દાઓ પર ગતિરોધ છે. અમે નથી ઇચ્છતા કે ઈરાન પરમાણુ શસ્ત્રો મેળવે. જેડી વાન્સનું આ નિવેદન એક રીતે જોવા જઈએ તો ઈરાન માટે ધમકી સમાન છે. 

 

રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભવિષ્યની કાર્યવાહીનો નિર્ણય લેશે

વધુમાં જેડી વાન્સે કહ્યું કે, અમે કોઈ સમજૂતી પર પહોંચ્યા વિના પાછા ફરી રહ્યા છીએ. આ મામલે આગળ શું થશે તે તો સમય જ કહેશે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ ભવિષ્યની કાર્યવાહીનો નિર્ણય લેશે. હવે અમેરિકા દ્વારા કેવી કાર્યવાહી કરવામાં આવે છે તે જોવાનું રહેશે. પાકિસ્તાન ટપાલી બનીને શાંતિ મંત્રણા કરાવવા માટે પ્રયત્ન કરી રહ્યું હતું તેને પણ દુનિયા સામે હવે સાંભળવાનો વારો આવ્યો છે. પાકિસ્તાને આશા હતી કે તે આ બંને દેશો વચ્ચે શાંતિ સ્થપાવીને પોતાની નવી ઓળખ બનાવશે પરંતુ એવું કઈ થયું નહીં.