જિનેવાઃ ઈરાન અને અમેરિકાએ ગુરુવારે જિનેવામાં ઈરાનની પરમાણુ વાતચીત પર કલાકો સુધી ચર્ચા કરી હતી. આ પ્રયાસને અંતિમ તક માનવામાં આવી રહી છે કારણ કે અમેરિકાએ ઈરાન પર ડીલ માટે દબાણ ઉભુ કરવા મિડલ ઈસ્ટમાં ફાઈટર જેટ્સ અને વૉરશિપનો મોટો કાફલો તૈનાત કર્યો છે.
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનના પરમાણુ કાર્યક્રમ પર કંન્ટ્રોલ કરવા માટે એક કરાર કરવા ઈચ્છે છે અને તેમને એક તક જોવા મળી રહી છે. બીજી તરફ ઈરાન ગયા મહિને રાષ્ટ્રવ્યાપી વિરોધને પગલે દેશમાં વધી રહેલા અસંતોષનો સામનો કરી રહ્યો છે. દરમિયાન ઈરાને કહ્યું હતું કે તે યુરેનિયમ સંવર્ધન કરવાનું ચાલુ રાખવા માંગે છે. નોંધનીય છે કે ટ્રમ્પે જૂન મહિનામાં ઈરાનની ત્રણ ન્યૂક્લિયર સાઈટ્સ પર હુમલો કરવાનો આદેશ આપ્યો હતો.
ઈરાને કહ્યું હતું કે જો કોઈ અમેરિકન હુમલો થાય છે મિડલ ઈસ્ટ અમેરિકાના તમામ મિલિટ્રી બેસને નિશાન બનાવવામાં આવશે જેનાથી હજારો અમેરિકન સૈનિકો ખતરામાં પડી શકે છે. ઈરાને ઇઝરાયલ પર હુમલો કરવાની ધમકી પણ આપી છે, જેનો અર્થ છે કે મધ્ય પૂર્વમાં ફરીથી પ્રાદેશિક યુદ્ધ ફાટી શકે છે.
ઈરાનના વિદેશપ્રધાન અબ્બાસ અરાઘચીએ જિનેવા માટે ઉડાણ ભરતા અગાઉ કહ્યું હતું કે "આ યુદ્ધમાં કોઈની જીત થશે નહીં. આ ખૂબ ભયાનક યુદ્ધ હશે. કારણ કે અમેરિકાના મિલિટ્રી બેસ આ વિસ્તારમાં અલગ અલગ સ્થળોએ છે. કદાચ આખો વિસ્તાર તેમાં સામેલ થઈ જશે. એટલા માટે આ ખૂબ જ ભયાનક સ્થિતિ છે.