Thu Oct 01 2026

Logo

ઈરાન-યુએસ વચ્ચે યુદ્ધવિરામ, પણ લેબનોન પર હુમલા ચાલુ રહેશે: નેતન્યાહૂએ આપ્યું આવું નિવેદન

Tel aviv   2026-04-08 11:44:00
Author: Savan Zalariya
ઈરાન-યુએસ વચ્ચે યુદ્ધવિરામ, પણ લેબનોન પર હુમલા ચાલુ રહેશે: નેતન્યાહૂએ આપ્યું આવું નિવેદન

તેલ અવિવ: યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાન પર હુમલા બે અઠવાડિયા માટે રોકવાની જાહેરાત કરી છે, ઈરાને મુકેલી કેટલીક શરતો યુએસએ સ્વીકારી છે. એવામાં ઇઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ ટ્રમ્પના યુદ્ધ વિરામના નિર્ણયને સમર્થન આપ્યું છે, પરંતુ નેતન્યાહૂએ જણાવ્યું કે આ યુદ્ધવિરામ સોદામાં લેબનોનનો સમાવેશ થતો નથી.

યુએસ અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ માટે પાકિસ્તાનને મધ્યસ્થી તરીકે કામ કર્યું હતુ. પાકિસ્તાનના વડા પ્રધાન શેહબાઝ શરીફે જાહેરાત કરી હતી કે યુદ્ધ વિરામ કરારમાં લેબનોન પર હુમલા રોકવાની શરતનો પણ સમાવેશ થયા છે, જયારે નેતન્યાહૂએ તેનાથી વિપરીત નિવેદન આપ્યું છે. જેનો મતલબ એમ કે ઇઝરાયલ લેબનોન પર હુમલા ચાલુ રાખશે.

એક નિવેદનમાં નેતન્યાહૂના કાર્યાલયે કહ્યું, " ઈરાનના આરબ પડોશીઓ અને વિશ્વ માટે પરમાણુ, મિસાઈલ અને આતંકવાદી જોખમ ન બને એ સુનિશ્ચિત કરવાના યુએસના પ્રયાસોને સમર્થન આપે છે. યુનાઇટેડ સ્ટેટ્સે ઇઝરાયલને ખાતરી આપી છે કે આગામી વાટાઘાટોમાં યુએસ, ઇઝરાયલ અને ઇઝરાયલના પ્રાદેશિક સાથી દેશોના લક્ષ્યોને પ્રાપ્ત કરવા માટે કામ કરવામાં આવશે."

નિવેદનમાં ઉમેરવામાં આવ્યું કે "બે અઠવાડિયાના યુદ્ધવિરામમાં લેબનોનનો સમાવેશ થતો નથી." 

પાકિસ્તાનના વડાપ્રધાન શેહબાઝ શરીફે એક નિવેદનમાં કહ્યું હતું કે યુએસ, ઈરાન અને તેમના સાથીઓ દ્વારા સંમત થયેલ યુદ્ધવિરામ લેબનોન સહિત તમામ વિસ્તારમાં લાગુ પડે છે. 
નોંધનીય છે કે ઇઝરાયલ વર્ષોથી લેબનોનના પ્રદેશ પર કબજો કરવા ઈચ્છે છે, અવારનવાર હુમલા કરતુ રહે છે. ઈરાન સંઘર્ષ શરુ થયા બાદ ઇઝરાયલે લેબનોનને નિશાન બનાવવાનું શરુ કર્યું હતું, 2જી માર્ચ બાદ લેબનોનમાં 1,500 થી વધુ લોકો માર્યા ગયા છે અને દસ લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા.