ભારતમાં પેટ્રોલ-ડીઝલ, સીએનજી વગેરે ફ્યુઅલ્સના ભાવમાં વધારો ઝીંકવાનો સિલસિલો શરૂ થયો છે અને દસ દિવસમાં ચાર વાર ભાવવધારો ઝીંકાઈ ચૂક્યો છે ત્યારે એક સારા સમાચાર છે. ઈરાને જાહેરાત કરી છે કે, એક મહિનામાં હોર્મુઝ સ્ટ્રેટમાં સ્થિતી સામાન્ય થઈ જશે અને કોમર્શિયલ જહાજો એટલે કે ક્રૂડ ઓઈલ લઈને જતાં જહાજો યુદ્ધ પહેલાં જે રીતે નિર્વિઘ્ને જતાં હતાં એ સ્થિતિ પાછી થઈ જશે.
ઈરાનની સરકારે સત્તાવાર રીતે આ જાહેરાત કરી નથી પણ ઈરાનની અર્ધ સરકારી ન્યૂઝ એજન્સી તસનીમે આ દાવો કર્યો છે. ઈરાનની અર્ધ સરકારી તસનીમ સમાચાર એજન્સીના રીપોર્ટ પ્રમાણે, અમેરિકા અને ઈરાન વચ્ચેના સંભવિત કરારમાં એવી શરત મૂકવામાં આવી છે કે, 30 દિવસની અંદર હોર્મુઝ સ્ટ્રેઈટમાંથી યુદ્ધ પહેલાં જેટલાં જહાજ પસાર થતાં હતાં એટલાં જ જહાજ પસાર થઈ શકે એવી સ્થિતી બંને દેશો પેદા કરશે.
ઈરાને માગ કરી છે કે, હોર્મુઝ સ્ટ્રેઈટમાંથી 30 દિવસની અંદર યુએસ નૌકાદળની નાકાબંધીને સંપૂર્ણપણે હટાવી લેવામાં આવે અને અમેરિકા એ માટે સંમત થઈ ગયું છે. ઈરાન જેવા દેશોમાં સરકારમાં બેઠેલા લોકોની મંજૂરી વિના મીડિયામાં એક લાઈન પણ ના આવી શકે એ જોતાં તસનીમનો દાવો ઈરાન સરકારના મનની વાત જ છે એ કહેવાની જરૂર નથી. અમેરિકાએ પણ આ વાતનો ઈન્કાર કર્યો નથી એ જોતાં આ વાત સાચી હોવાની પ્રબળ શક્યતા છે.
સમગ્ર વિશ્વ માટે આ બહુ મોટા સમાચાર છે કેમ કે હોર્મુઝ સ્ટ્રેઈટમાં માત્ર મહિનામાં સ્થિતિ સામાન્ય થઈ જાય તો દુનિયા આખીની સમસ્યાઓનો અંત આવી જાય. અમેરિકા અને ઈરાન યુદ્ધનો અંત લાવવા માટે કરારની નજીક હોવાના અહેવાલ લાંબા સમયથી ફરી રહ્યા છે પણ અમેરિકા કે ઈરાનમાંથી કોઈ આ વાત સાચી હોવાનું ફોડ પાડીને કહેતું નહોતું. ડોનલ્ડ ટ્રમ્પ બહુ જલદી ઈરાન સાથે યુદ્ધ પતી જશે એવી વાતો કરતા હતા પણ ઈરાન મગનું નામ મરી નહોતું પાડતું.
ઈરાન તો અમેરિકાના દાવાને બકવાસ ગણાવીને એવું કહેતું કે, અમેરિકા પોતાની રીતે ઠોકાઠોક કર્યા કરે છે, બાકી ઈરાન સાથે યુદ્ધ બંધ કરવાની વાતચીતમાં કોઈ પ્રગતિ થઈ નથી ને સંધિની શક્યતા નથી. હોર્મુઝની ખાડીમાંથી ક્રૂડનાં જહાજો પસાર થવા દેવાના મુદ્દે પણ ઈરાન ધમકીઓ પર ધમકીઓ આપ્યા કરતું હતું.હવે પહેલી વાર ઈરાને સ્વીકાર્યું છે કે, બહુ જલદી હોર્મુઝ સ્ટ્રેઈટ માં સ્થિતિ સામાન્ય થશે અને એક જ મહિનામાં પહેલાંની જેમ ક્રૂડના જહાજોની આવનજાવન ચાલુ થઈ જશે. તેનો અર્થ એ થયો કે, અમેરિકા અને ઈરાન વચ્ચે કરારનો તખ્તો તૈયાર છે અને ગમે ત્યારે જાહેરાત થઈ શકે છે.
સત્તાવાર રીતે ઈરાન કે અમેરિકાએ કરારમાં શું હશે તેની કોઈ વાત કરી નથી પણ અમેરિકાની એક્સિઓસ વેબસાઈટમાં એવો રીપોર્ટ છે કે યુએસ અને ઈરાન 60 દિવસનો યુદ્ધવિરામ લંબાવવાનો કરાર કરશે. આ બે મહિનાના ગાળામાં અમેરિકા હોર્મુઝ સ્ટ્રેઈટ ફરતેની કિલ્લેબંધી હટાવી લેશે અને ઈરાન પણ કોઈ વિઘ્ન ઊભું નહીં કરી શકે. મતલબ કે, હોર્મુઝ સ્ટ્રેઈટ ફરીથી ખોલી દેવામાં આવશે.
આ ઉપરાંત ઈરાનને મુક્ત રીતે ક્રૂડ ઓઈલ વેચવાની છૂટ મળશે અને તેના બદલામાં ઈરાનના પરમાણુ કાર્યક્રમને રોકવા માટે શું પગલાં લેવાં તે અંગે અમેરિકા અને ઈરાન વચ્ચે વાટાઘાટો થશે. આ વાટાઘાટો સીધી અમેરિકા અને ઈરાન વચ્ચે થશે, બીજો કોઈ દેશ કે એજન્સી તેમાં સામેલ નહીં હોય.
આ કરારના પ્રથમ તબક્કામાં ઈરાનના ફ્રીઝ કરી દેવાયેલા ફંડનો કેટલોક હિસ્સો પણ મુક્ત કરાશે કે જેથી ઈરાન પરનું આર્થિક દબાણ હટી જાય. એક્સિઓસનો રીપોર્ટ ઈરાનની અર્ધ-સત્તાવાર તસનીમ સમાચાર એજન્સીના અહેવાલ સાથે મેળ ખાય છે એ જોતાં બહુ જલદી સારા સમાચારની અપેક્ષા સાવ વાંઝણી નથી.
આ કરારમાં બીજું શું શું હશે એ અંગે અટકળો ચાલી રહી છે પણ ભારત સહિતના દેશોને તેમાં કોઈ રસ નથી. ભારતને તો હોર્મુઝ સ્ટ્રેઈટ ખૂલે અને ક્રૂડ ઓઈલ પહેલાંની જેમ સરળતાથી મળતું થઈ જાય તેમાં રસ છે. હોર્મુઝ સ્ટ્રેઈટની બબાલના કારણે ભારતનો બે બાજુથી મરો થયો છે.
28 ફેબ્રુઆરીએ ઈરાન પર યુએસ-ઇઝરાયલી હુમલા પછી ઈરાને વિશ્વમાં 20 ટકા ક્રૂડ ઓઈલનો પુરવઠો પસાર થાય છે એ હોર્મુઝ સ્ટ્રેઈટ બંધ કરી દેતાં ક્રૂડ ઓઇલના ભાવમાં વધારો થયો અને વૈશ્વિક ઊર્જા સંકટ સર્જાયું છે. ઈરાનનું નાક દબાવવા માટે અમેરિકાએ ઈરાની બંદરો ફરતે ઘેરો ઘાલીને નૌકાદળ મારફતે નાકાબંધી કરતાં પરિસ્થિતિ વધુ ખરાબ થઈ ને તેમાં સૌથી ખરાબ હાલત ભારતની થઈ છે.
એક તરફ ભારતને જરૂરી ક્રૂડ ઓઈલનો જથ્થો મળતો નથી તેથી ભારતે ઊંચા ભાવે ક્રૂડ ખરીદવું પડે છે તેમાં આયાતનું બિલ વધી ગયું છે. તેના કારણે ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ વધારવાની નોબત તો આવી જ છે પણ ઉદ્યોગ-ધંધાઓને પણ મોટો ફટકો પડતાં ભારતીય અર્થતંત્ર ફુલગુલાબી હોવાનો ફૂલાવાયેલો ફુગ્ગો ફૂટી ગયો છે. ડોલર સામે રૂપિયો નવી નવી નીચી સપાટી બનાવી રહ્યો છે. ડોલરના 96 રૂપિયા થઈ ગયા છે. આ રીતે રૂપિયાનું પતન ચાલુ રહે તો 100ની સપાટી પણ પાર થઈ જાય ને ભારતીય અર્થતંત્ર શરમજનક સ્થિતીમાં પહોંચી જાય.
બીજું એ કે, ક્રૂડના પુરવઠાને અસર થઈ તેમાં ક્રૂડના ભાવ પણ વધી ગયા છે. આપણી પડતર વધી તેના કારણે પણ આપણે ત્યાં ભાવ વધારવા પડ્યા છે. હોર્મુઝ સ્ટ્રેઈટ ખૂલે ને પુરવઠો સામાન્ય થાય તો ક્રૂડના આસમાને પહોંચેલા ભાવ સામાન્ય થાય ને આપણને રાહત થાય.
અમેરિકા સાથેના કરારમાં ઈરાનને મુક્ત રીતે ક્રૂડ ઓઈલ વેચવાની છૂટ મળે તો ભારત માટે એ બહુ મોટું બોનસ હશે કેમ કે ઈરાન મુક્ત રીતે ક્રૂડ વેચવા માંડે તો વૈશ્વિક બજારમાં ક્રૂડના ભાવમાં તોતિંગ ઘટાડો થઈ જાય. ક્રૂડના ભાવ પાછા 70 ડૉલરની આસપાસ આવી જાય તો આપણું વિદેશી હૂંડિયામણ બચે ને ઓઈલ કંપનીઓની ખાધ પણ ઘટે તેથી ભાવવધારો પાછો ના ખેંચાય તો કંઈ નહીં પણ અત્યારે દર ચોથા દિવસે ભાવવધારાનો ડામ અપાય છે એ તો બંધ થાય જ.
ભારત અન ઈરાન વચ્ચેના સંબંધો પહેલાં જેવા નથી. પહેલાં ઈરાન ભારતને ક્રૂડ આપતું તેના બદલામાં રૂપિયા લેતું ને ઘઉં સહિતની ચીજો પણ લેતું. અત્યારે ઈરાનની ચીન સાથે સારાસારી હોવાથી આપણા પર એટલું મહેરબાન ના થાય તો પણ જંગી પ્રમાણમાં ક્રુડ તો આપે જ કેમ કે ભારત ચીન પછી દુનિયામાં ક્રૂડનો સૌથી મોટો ખરીદદાર દેશ છે. ઈરાનથી આવતું ક્રૂડ ભારતને ભાવ અને ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ એમ બધી રીતે સસ્તું પડે. આપણે ઈરાન પાસેથી મોટા પ્રમાણમાં ક્રૂડ ખરીદતા હોઈએ તેથી બીજા વ્યાપાર પણ શરૂ થાય એ જોતાં અમેરિકા-ઈરાન કરાર જલદી થાય એવી પ્રાર્થના કરવી જોઈએ.