ઇસ્લામાબાદ/તહેરાનઃ મિડલ ઈસ્ટમાં ચાલી રહેલી લડાઈ દિવસે દિવસે ગંભીર પરિણામનું સર્જન કરી રહી છે. ઈરાને ટ્રમ્પે કરેલા દાવાઓને ફગાવી દીધા છે. ટ્રમ્પે પોતાના એક દાવામાં કહ્યું હતું કે, તહેરાન અને વોશિંગટન વચ્ચે સીઝફાયરને લઈને વાતચીત ચાલુ છે. પાકિસ્તાનમાં રહેલા ઈરાની રાજદૂત રઝા અમીરી મોઘદમે કહ્યું હતું કે, ઈરાન અને અમેરિકા વચ્ચે કોઈ પ્રકારની વાતચીત નહીં થાય. અમેરિકી રાષ્ટ્રપતિ ડૉનાલ્ડ ટ્રમ્પ આ પહેલા પણ દાવો કરી ચૂક્યા છે કે તેઓ મિડલ ઈસ્ટની જંગ જીતી ચૂક્યા છે. પણ હકીકત થોડી અલગ છે. આ સાથે તેમણે એવું પણ કહ્યું હતું કે, ઈરાન કદી પરમાણુ હથિયાર નહીં રાખે એ વાત પર સહમતિ દર્શાવી છે, જે વાત તદ્દન ખોટી છે.
અમેરિકાએ ચિટિંગ કરીને યુદ્ધ કર્યું
પાકિસ્તાનમાં રહેલા ઈરાનના રાજદૂતે કહ્યું હતું કે, આ યુદ્ધ એટલા માટે શરૂ થયું હતું, કારણ કે અમેરિકાએ વાતચીતના માહોલ વચ્ચે ચિટિંગ કર્યું. પછી સીધો હુમલો કરી દીધો. ઈઝરાયલના રાજદૂત ડૈની ડૈનને ઈરાન, અમેરિકા અને ઈઝરાયલ વચ્ચે સંભવિત શાંતિ વાર્તા અંગેની કોઈ પણ વિગત પર ઈન્કાર કરી દીધો હતો. ઈઝરાયલનું લક્ષ્યાંક ઈરાનને કોઈ જ પ્રકારના પરમાણું હથિયાર ન મળે એવું કરવાનું છે. ઈઝરાયલે ઉમેર્યું કે, હાલના સમયે ઈઝરાયલ અને અમેરિકા ઈરાનના સૈન્ય કેમ્પ પર હુમલા કરી રહ્યો છે. આવા હુમલાઓ હજુ આગળના સમયમાં પણ યથાવત રહેશે.
ઈરાન પાસે કોઈ પરમાણુ ક્ષમતા ન રહે
ઈઝરાયલે ઉમેર્યું હતું કે, ઈરાન પાસે કોઈ જ પ્રકારની પરમાણું ક્ષમતા ન રહે એ નક્કી અમે કરીશું. બેલેસ્ટિક મિસાઈલ પણ ન બચવી જોઈએ. અમે ઈરાનની સરકારને નબળી પાડી દીધી છે. હવે દરેકે સમજવું જોઈએ કે આ વિસ્તારમાં ખરેખર શાંતિ અને સ્થિરતા કોણ લાવી રહ્યું છે. કોણ અશાંતિ ફેલાવી રહ્યું છે. ઈરાનના વરિષ્ઠ અધિકારીએ અમરિકાના રાજકીય પ્રયાસને માત્ર દેખાડો કહ્યો અને અમેરિકા પર ઠીકરૂ ફોડ્યું. અધિકારીએ દાવો કર્યો કે, એક સમયે અમેરિકાનો પ્રભાવ હતો જે હવે ધીમે ધીમે ઘટી રહ્યો છે. અમેરિકાની શક્તિ એમની જ રણનીતિની મોટી હાર બની ગઈ છે. મિડલ ઈસ્ટમાં અમેરિકાને સૌથી વધારે નુકસાન થયું છે.