Fri May 01 2026

Logo

પાકિસ્તાનનો મોટો ફજેતો: ઈરાને મધ્યસ્થતાના દાવાને ફગાવ્યા, કહ્યું- "આ બધો ખેલ માત્ર તેલની કિંમતોનો છે!"

islamabad   2026-04-06 10:11:00
Author: Devayat khatana
Article Image

ઇસ્લામાબાદ: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા યુદ્ધની પરિસ્થિતિની સમગ્ર વિશ્વમાં અસર વર્તાય રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવ વચ્ચે ઈરાને પાકિસ્તાન દ્વારા મધ્યસ્થતાના દાવાઓને સદંતર ફગાવી દીધા છે. ભારતમાં સ્થિત ઈરાનના સુપ્રીમ લીડર નેતાના પ્રતિનિધિ અબ્દુલ મજીદ હકીમ ઈલાહીએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાન અને અમેરિકા વચ્ચે પાકિસ્તાન મારફતે કોઈ પણ પ્રકારની વાતચીત થઈ રહી નથી અને આવા દાવાઓ માત્ર પાયાવિહોણી અફવા છે. ઈલાહીએ કટાક્ષ કરતા જણાવ્યું હતું કે, આ બધો ખેલ તેલની કિંમતોનો છે અને જે દેશો મધ્યસ્થતાનો દાવો કરી રહ્યા છે તેઓ માત્ર દેખાડો કરી રહ્યા છે, વાસ્તવમાં કોઈ ગંભીર ચર્ચા ચાલી રહી નથી.

બીજી તરફ, ટ્રમ્પની ધમકીઓ પર વળતો પ્રહાર કરતા ઈરાની અધિકારીઓએ ટ્રમ્પને હતાશ અને ગુસ્સાથી ભરેલા રાષ્ટ્રપતિ ગણાવ્યા છે. ઈરાને જણાવ્યું કે ટ્રમ્પ માત્ર ભ્રમ ફેલાવવા માટે જીતના દાવા કરી રહ્યા છે. અમેરિકાએ ત્રણ દિવસમાં ઈરાનને ખતમ કરવાની વાત કરી હતી, પરંતુ એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા જંગમાં ઈરાન મજબૂતીથી જવાબ આપી રહ્યું છે. ટ્રમ્પની હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની ધમકીના જવાબમાં ઈરાને આડકતરી રીતે આર્થિક યુદ્ધ છેડતા સંકેત આપ્યો છે કે જો આ માર્ગ ખોલવામાં આવશે, તો તેના ટોલ ટેક્સનો મોટો હિસ્સો યુદ્ધમાં થયેલા નુકસાનની ભરપાઈ માટે વસૂલવામાં આવશે.

આ આક્રમકતા વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે પણ વિરોધાભાસી નિવેદન આપતા જણાવ્યું છે કે ઈરાન સાથે સમજૂતી (ડીલ) થવાની સારી સંભાવનાઓ દેખાઈ રહી છે. ફોક્સ ન્યૂઝ સાથેની વાતચીતમાં ટ્રમ્પે દાવો કર્યો હતો કે અત્યારે વાટાઘાટો ચાલુ છે. જોકે, તેમણે પોતાની જૂની શૈલીમાં ધમકી આપતા એમ પણ ઉમેર્યું કે જો ઈરાન વહેલી તકે ડીલ નહીં કરે, તો અમેરિકા બધું જ તબાહ કરીને ઈરાનના તેલના ભંડારો પર કબજો કરી લેશે. ટ્રમ્પના આ નિવેદનથી પશ્ચિમ એશિયામાં અનિશ્ચિતતાનો માહોલ વધુ ઘેરો બન્યો છે.

આ પ્રાદેશિક અસ્થિરતા વચ્ચે ભારત પણ સતર્ક બન્યું છે અને રાજદ્વારી સ્તરે સક્રિયતા વધારી છે. ભારતના વિદેશ પ્રધાન એસ. જયશંકર અને ઈરાનના વિદેશ પ્રધાન અરાઘચી વચ્ચે ટેલિફોનિક વાતચીત થઈ છે. નવી દિલ્હી સ્થિત ઈરાની દૂતાવાસના જણાવ્યા અનુસાર, બંને નેતાઓએ વર્તમાન ગંભીર સ્થિતિ, દ્વિપક્ષીય સંબંધો અને પ્રાદેશિક તેમજ આંતરરાષ્ટ્રીય ઘટનાક્રમો પર વિગતવાર ચર્ચા કરી છે. ભારત આ વિવાદમાં શાંતિપૂર્ણ ઉકેલ ઈચ્છી રહ્યું છે કારણ કે આ વિસ્તારની અશાંતિ ભારતની ઉર્જા સુરક્ષા પર સીધી અસર કરી શકે છે.