Thu Jun 18 2026

Logo

ઈરાન-ઈઝરાયેલ યુદ્ધની ભારત પર અસર: ખાદ્યતેલ અને ડ્રાયફ્રૂટ્સના ભાવમાં ઉછાળો

2026-03-05 16:34:19
Author: Mumbai Samachar Team
Article Image

મોરબીની સિરામિક ઈન્ડસ્ટ્રીથી લઈને સામાન્ય માણસના રસોડા સુધી યુદ્ધની માઠી અસર

તહેરાન/નવી દિલ્હીઃ ઈઝરાયલ-અમેરિકાએ ઈરાન પર કરેલા હુમલાને કારણે સમગ્ર અખાતી રાષ્ટ્રોમાં ભયનો માહોલ છે. દુબઈથી લઈને દોહા સુધીના મલ્ટિનેશનલ સિટીમાં આકાશી હુમલાથી સ્થિતિ ભારેલા અગ્નિ જેવી થઈ ચૂકી છે. માત્ર ગલ્ફના દેશ જ નહીં, સમગ્ર દુનિયામાં આ યુદ્ધની માઠી અસર ઊભી થઈ છે. આ અસરમાંથી ભારત પણ બાકાત રહ્યું નથી. ઈન્ટનેટના સહારે સતત અને સખત ક્નેક્ટ રહેતા રાષ્ટ્રમાં યુદ્ધ કે કોલ્ડવોરની અસર વર્તાય છે. ઈરાનમાં થયેલા હુમલાને કારણે ભારતમાં જીવનજરુરી ચીજ-વસ્તુઓના ભાવ વધ્યા છે, જેની અસર સામાન્ય માણસના ખિસ્સા પર થવાની છે. 

ખાદ્યતેલમાં ભાવ વધારો 

ભારત ઈરાન પાસેથી કોઈ જ પ્રકારનું ખાદ્ય તેલ મંગાવતો નથી, પરંતુ ભારતની જરૂરિયાતનું 60 ટકા ખાદ્ય તેલ બીજા દેશમાંથી આવે છે. ઈન્ડોનેશિયા અને મલેશિયામાંથી પામ ઓઈલ, આર્જેન્ટિના-બ્રાઝિલમાંથી સોયાબિન ઓઈલ, રશિયા-યુક્રેનમાંથી સૂર્યમુખીનું તેલ. ઈરાન-ઈઝરાયેલ વચ્ચે થયેલા યુદ્ધના કારણે ક્રુડ મોંઘુ થયું છે. 

પામ ઓઈલ અને સોયાબિનનો ઉપયોગ બાયોફ્લૂય તૈયાર કરવામાં થાય છે, જેની સીધી અસર કુકિંગ ઓઈલ પર થાય છે. આવી સ્થિતિ ઊભી થાય ત્યારે સોયાબિન અને પામ ઓઈલની કિંમતમાં રાતોરાત વધારો થાય છે. યુદ્ધની આવી સ્થિતિમાં શિપિંગ અને કોમોડિટી માર્કેટમાં અસ્થિરતાની માઠી અસર અંતર્ગત આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં બ્રેક લાગી જાય છે. 

ડ્રાયફ્રૂટ્સના ભાવ આસમાને

5મી માર્ચથી શરૂ થયેલા ઈરાન ઈઝરાયેલ યુદ્ધના કારણે અફઘાનિસ્તાનથી આવતા પિસ્તા, કેસર, અંજીર જેવા સુકામેવાના ભાવ એકાએક આસમાને પહોંચે એવા એંધાણ છે. હોર્મુઝની ખાડીમાંથી ડ્રાયફ્રૂટ્સને લઈને આવતા જહાંજો ફસાયા છે. અનેક એવી શિપિંગ કંપનીઓએ વોર રીસ્ક કવરેજ આપવાનું બંધ કરી દેતા જે સ્ટોક પડ્યો છે એમાં ભાવ વધારો થવાની પૂરી શક્યતાઓ સેવાઈ રહી છે. 

ભારત મ્યાનમાર, કેનેડા અને ઓસ્ટ્રેલિયા જેવા દેશમાંથી અડદ અને મસુરદાળની આયાત કરે છે. હોર્મુઝની ખાડીનો રસ્તો બંધ થઈ જતા પશ્ચિમ એશિયાના દરિયામાં અટવાયેલા કંટેનર્સે બીજો રૂટ ફરજિયાત પસંદ કરવો પડે છે, જે પ્રમાણમાં લાંબો અને વધારે સમય માંગી લે એવો છે. 

શું છે વોર રિસ્ક ચાર્જ?

યુદ્ધ જેવી પરિસ્થિતિમાં ઘણી આંતરરાષ્ટ્રીય શિપિંગ કંપનીઓ જે તે કંટેનર્સ અને સામગ્રીને ધ્યાનમાં લઈને પાર્સલ રવાના થાય એ સમયે ચાર્જ લાગુ કરે છે. બીજી તરફ જ્યારે કોઈ સામગ્રી આવી યુદ્ધ જેવી સ્થિતિમાં આયાત કરવાની થાય એવા સમયે સામગ્રીને ઘ્યાને લઈને ચાર્જ લગાવીને જોખમ ખેડે છે. આવા ચાર્જને વોર રીસ્ક ચાર્જ તરીકે ઓળખવામાં આવે છે. દાળ જેવી મૂળભૂત જરૂરિયાત માટે જ્યારે આવી વસ્તુઓ ગ્રાહક સુધી પહોંચે છે ત્યારે એ મોંઘી બની જાય છે, જેની પાછળ વોર રીસ્ક જવાબદાર હોય છે. 5મી માર્ચથી શરૂ થયેલી આંતરરાષ્ટ્રીય હોળીમાં અનેક દેશને અગ્નિજ્વાળાના ડામ લાગ્યા છે. 

ગુજરાતની સિરામિક ઈન્ડસ્ટ્રી પર અસર

ગુજરાતના મોરબીમાં ધમધમતી અનેક સિરામિક ઈન્ડસ્ટ્રીને ઈરાન-ઈઝરાયેલ પર થયેલા યુદ્ધને કારણે તાળું લાગે એવી સ્થિતિ છે. સિરામિક ઈન્ડસ્ટ્રીમાં વિપુલ માત્રામાં ગેસનો ઉપયોગ થાય છે. યુદ્ધના કારણે ગેસ સપ્લાય અટકી છે. ભઠ્ઠીઓમાં સામગ્રીને પકવવા અને માટીને સુકાવવા માટે નેચરલ ગેસનો ઉપયોગ થાય છે. હોર્મુઝ ખાડીનો રસ્તો બંધ થઈ જતા ગેસની સપ્લાયમાં પણ મોટી બ્રેક વાગી ચૂકી છે. આ કારણે મોરબીની સિરામિક ઈન્ડસ્ટ્રીના શ્વાસ રૂંધાયા છે.

સોના-ચાંદીની કિંમતમાં ઊતાર-ચડાવ

યુદ્ધના કારણે સોના-ચાંદીની કિંમતમાં વધારો જોવા મળ્યો છે. ગત 1 માર્ચ 2026થી ડોમેસ્ટિક માર્કેટમાં સોનું 10 ગ્રામે ₹ 1.73 લાખ સુધી પહોંચ્યું હતું. રેકોર્ડબ્રેક સપાટી પર પહોંચેલું સોનું યુદ્ધના કારણે હજું વધારે મોંઘુ થાય એવી શક્યતાઓ છે. ચાંદીની કિંમતમાં ₹ 2.90 લાખ સુધી પહોંચતા લગ્નસિઝનને સીધી પહોંચી રહી છે.