Thu Sep 10 2026

Logo

પાકિસ્તાનની બેધારી નીતિ? સાઉદીમાં પાકિસ્તાની લડાયક વિમાનો અને સૈન્યની તૈનાતીથી દુનિયા ચોંકી

islamabad   2026-04-11 17:56:11
Author: Devayat Khatana
પાકિસ્તાનની બેધારી નીતિ? સાઉદીમાં પાકિસ્તાની લડાયક વિમાનો અને સૈન્યની તૈનાતીથી દુનિયા ચોંકી

AI Generated Images


ઇસ્લામાબાદ: પાડોશી દેશ પાકિસ્તાન અને ગલ્ફ દેશો વચ્ચે ભાઈબંધી વધુને વધુ ઘેરી બનતી જઈ રહી છે અને તેનો વધુ એક સંકેત સંરક્ષણ કરાર છે અને હવે તેના ભાગરૂપે જ પાકિસ્તાન અને સાઉદી અરબ વચ્ચે સૈન્ય સહયોગને વધુ મજબૂત બનાવવા માટે પાકિસ્તાને તેના સૈન્ય બળોને સાઉદીમાં તૈનાત કરવામાં આવ્યા છે. 

અહેવાલો અનુસાર, પાકિસ્તાન અને સાઉદી અરેબિયા વચ્ચે સંરક્ષણ સહયોગને વધુ મજબૂત બનાવતા પાકિસ્તાની સૈન્ય દળોની ટુકડી સાઉદી અરેબિયા પહોંચી ગઈ છે. સાઉદી સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની સેનાના જવાનો લડાયક અને સહાયક વિમાનો સાથે શનિવારે કિંગ અબ્દુલ અઝીઝ એરબેઝ પર ઉતર્યા હતા. ઉલ્લેખનીય છે કે, આ એરબેઝ ભૂતકાળમાં ઈરાન સાથેના તણાવ દરમિયાન અનેકવાર ડ્રોન અને મિસાઈલ હુમલાઓનું નિશાન બની ચૂક્યું છે. આ તૈનાતી એવા સમયે થઈ છે જ્યારે ઈરાન અને અમેરિકાનું પ્રતિનિધિમંડળ સીઝફાયર પર ચર્ચા કરવા માટે ઈસ્લામાબાદમાં જ હાજર છે.

સપ્ટેમ્બર મહિનામાં બંને દેશો વચ્ચે થયેલા સંરક્ષણ કરારના ભાગરૂપે આ સૈન્ય તૈનાતી કરવામાં આવી છે. આ કરાર હેઠળ જો કોઈપણ એક દેશ પર હુમલો થાય તો તેને બંને દેશો પરનો હુમલો માનવામાં આવશે. સાઉદી મંત્રાલયે સ્પષ્ટ કર્યું છે કે આ પગલાનો હેતુ બંને દેશો વચ્ચે સૈન્ય સમન્વય વધારવો અને પ્રાદેશિક તથા આંતરરાષ્ટ્રીય સ્તરે સુરક્ષા અને સ્થિરતાને મજબૂત કરવાનો છે. જોકે, એક તરફ શાંતિ વાટાઘાટો અને બીજી તરફ સૈન્ય તૈનાતીને કારણે પાકિસ્તાનની નીતિઓ પર અનેક પ્રશ્નાર્થો ઊભા થઈ રહ્યા છે.

બીજી તરફ, ઈસ્લામાબાદમાં ઈરાન અને અમેરિકા વચ્ચે ચાલી રહેલી મહત્વપૂર્ણ વાટાઘાટોને લઈને રાજકીય ગરમાવો તેજ થયો છે. આ મધ્યસ્થી પ્રક્રિયામાં ઇજિપ્ત, સાઉદી અરેબિયા, ચીન અને કતારના અધિકારીઓ પણ પરોક્ષ રીતે સામેલ છે. મોહમ્મદ બાગેર ગાલિબાફના નેતૃત્વમાં ઈરાની પ્રતિનિધિમંડળે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ સાથે મુલાકાત કરી હતી. જોકે, આ બેઠક અંગે ઈરાન અથવા પાકિસ્તાન દ્વારા હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરવામાં આવ્યું નથી.