તેહરાન: અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષમાં હવે એક નવો વળાંક આવ્યો છે. ઈરાની સરહદમાં ઘૂસીને અમેરિકી દળોએ કરેલા 'સર્ચ એન્ડ રેસ્ક્યૂ' ઓપરેશનની જ્યાં એકતરફ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ભારોભાર પ્રશંસા કરી છે, ત્યાં બીજી તરફ ઈરાને આ મિશન પાછળ કોઈ ઊંડો ષડયંત્ર હોવાનો દાવો કર્યો છે. ઈરાનના વિદેશ મંત્રાલયે આશંકા વ્યક્ત કરી છે કે અમેરિકાએ પાયલોટને બચાવવાના બહાને ઈરાનના અત્યંત સંવેદનશીલ પરમાણુ કેન્દ્રમાંથી સંવર્ધિત યુરેનિયમ (Enriched Uranium) કબજે કરવાનો પ્રયાસ કર્યો હોઈ શકે છે.
શું હતો ઈરાનનો ગંભીર આરોપ?
સોમવારે યોજાયેલી પ્રેસ કોન્ફરન્સમાં ઈરાની પ્રવક્તા ઈસ્માઈલ બગાઈએ ચોંકાવનારો દાવો કર્યો હતો કે જે વિસ્તારમાં અમેરિકી વિમાન ક્રેશ થયું હતું અને જ્યાં રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું, તે બંને વચ્ચે ઘણું અંતર છે. ઈરાન મુજબ, અમેરિકાએ દક્ષિણ ઈસ્ફહાન પ્રાંતમાં ઓપરેશન હાથ ધર્યું હતું, જ્યાં તેમનું મુખ્ય ન્યુક્લિયર એનરિચમેન્ટ સેન્ટર આવેલું છે. બગાઈએ ઉમેર્યું કે, "પાયલોટ બચાવવાની આડમાં યુરેનિયમ ચોરવા માટે કરાયેલા આ ધોખેબાજ ઓપરેશનની શક્યતાને નકારી શકાય તેમ નથી." ઈરાની તંત્રનું માનવું છે કે આ મિશન વાસ્તવમાં અમેરિકાની એક નિષ્ફળતા છે.
અહેવાલો અનુસાર, અમેરિકાનું F-15E સ્ટ્રાઈક ઈગલ વિમાન 3 એપ્રિલ 2026ના રોજ દક્ષિણ-પશ્ચિમ ઈરાનના કોહગિલુયેહ પ્રાંતમાં તોડી પડાયું હતું. વિમાનના બે ક્રૂ મેમ્બર્સ પેરાશૂટથી કૂદી પડ્યા હતા, જેમાં પાયલોટ તો તુરંત મળી આવ્યો હતો, પરંતુ વેપન્સ સિસ્ટમ ઓફિસર (WSO) આશરે 48 કલાક સુધી ગૂમ રહ્યો હતો. નવાઈની વાત એ છે કે, આ અધિકારીને બચાવવા માટે અમેરિકાએ ઈસ્ફહાન પ્રાંતની એક જૂની હવાઈ પટ્ટીનો ઉપયોગ કર્યો હતો, જે ક્રેશ સાઈટથી આશરે 70 થી 150 કિલોમીટર દૂર છે. આ ભૌગોલિક વિસંગતતાને કારણે જ ઈરાનની શંકા પ્રબળ બની છે.
આ રેસ્ક્યૂ ઓપરેશન અત્યંત જટિલ હતું, જેમાં 200થી વધુ અમેરિકી કમાન્ડો, ડ્રોન અને હેલિકોપ્ટરો સામેલ હતા. ઈરાની સેનાને ગુમરાહ કરવા માટે સીઆઈએ (CIA) એ નકલી બીકન અને ખોટી માહિતી ફેલાવવાની યુક્તિઓ અજમાવી હતી. એક તરફ અમેરિકા તેને ઈતિહાસનું સૌથી સાહસિક મિશન ગણાવી રહ્યું છે, ત્યારે બીજી તરફ ઈરાન તેને પરમાણુ સંપત્તિ ચોરવાની નિષ્ફળ કોશિશ ગણાવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ઈસ્ફહાનમાં અગાઉ પણ અમેરિકાએ હુમલો કર્યો હોવાના અહેવાલો છે, જેનાથી આ વિસ્તાર વધુ વિવાદાસ્પદ બન્યો છે.