Mon May 25 2026

Logo
IPL 2026:

મંગળવારે ગુજરાત-બેંગ્લૂરુની ક્વૉલિફાયર-વન વરસાદને લીધે ધોવાઈ જશે તો કઈ ટીમ ફાઇનલમાં જશે? પૂરું ગણિત જાણી લો...

2026-05-25 21:14:40
Author: Ajay Motiwala
Article Image

ધરમશાલાઃ આઇપીએલ-2026માં હવે માત્ર ચાર મૅચ બાકી છે અને વરસાદના દિવસો નજીક આવી ગયા છે ત્યારે ક્રિકેટપ્રેમીઓના મનમાં સવાલ થતો હશે કે મંગળવારે (26મી મેએ) ધરમશાલામાં ગુજરાત ટાઇટન્સ (GT) અને રૉયલ ચૅલેન્જર્સ બેંગ્લૂરુ (RCB) વચ્ચે રમાનારી ક્વૉલિફાયર-વન મૅચ જો વરસાદ (RAIN)ને કારણે ધોવાઈ જશે તો શું?

મંગળવારની ક્વૉલિફાયર-વન હિમાચલ પ્રદેશના ધરમશાલામાં રમાશે, જ્યારે બુધવારની સનરાઇઝર્સ હૈદરાબાદ તથા રાજસ્થાન રૉયલ્સ વચ્ચેની એલિમિનેટર તથા શુક્રવારની ક્વૉલિફાયર-ટૂ મૅચ ન્યૂ ચંડીગઢમાં રમાશે. 31મી મે (રવિવાર)ની ફાઇનલ અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. આ ચારેય મૅચ સાંજે 7.30 વાગ્યે શરૂ થશે.

મંગળવારની જ મૅચની વાત કરીએ તો ધરમશાલામાં વાતાવરણ ખુશનુમા છે, મંગળવારે પણ એવું જ રહેવાની સંભાવના છે અને વરસાદની સંભાવના નહીં જેવી છે. જોકે વાતાવરણ ક્યારે બદલાઈ જાય એ ન કહેવાય એટલે અનુમાન કરવું મુશ્કેલ થઈ જાય. સૌથી મોટો સવાલ એ છે કે જો હવામાન બદલાશે અને વરસાદને લીધે આ મૅચ ધોવાઈ જશે તો કઈ રીતે પરિણામ લાવવામાં આવશે?

આઇપીએલની પ્લેઇંગ-ઇલેવનને લગતી કન્ડિશન્સ મુજબ જો ક્વૉલિફાયર-વન, ક્વૉલિફાયર-ટૂ, એલિમિનેટર કે ફાઇનલ ટાઇ થાય કે વરસાદને લીધે ધોવાઈ જાય તો વિજેતા નક્કી કરવા માટે સુપર ઓવર રાખવામાં આવશે. જો પહેલી સુપર ઓવરથી પણ પૂરી રીતે ખતમ ન થાય તો વધુ એક સુપર ઓવર કરવામાં આવશે. એ પણ જો ન થઈ શકે તો પરિણામ ન આવે ત્યાં સુધી એક પછી એક સુપર ઓવર કરવામાં આવશે. જો સુપર ઓવરથી પણ પરિણામ સંભવ ન બને તો લીગ સ્ટેજને અંતે પ્રથમ સ્થાન ધરાવતી ટીમ ફાઇનલમાં જશે. મંગળવારની મૅચના સંદર્ભમાં જોઈએ તો બેંગ્લૂરુ ફાઇનલમાં જશે અને ગુજરાતે ક્વૉલિફાયર-ટૂમાં રમવું પડશે. ફાઇનલ માટે રિઝર્વ ડે ઉપલબ્ધ હોય છે, પરંતુ 2025ની સીઝનમાં પણ પ્લે-ઑફમાં ફાઇનલ પહેલાંની ત્રણેય મૅચ માટે રિઝર્વ ડે નહોતો.