Sat Sep 05 2026

Logo

IPLમાં પ્લેઓફ્સનો જંગ રસપ્રદ બન્યો, જાણો કઈ કઈ ટીમો સર્જી શકે છે આશ્ચર્ય ?

2026-05-07 11:27:00
Author: Mayur Patel
IPLમાં પ્લેઓફ્સનો જંગ રસપ્રદ બન્યો, જાણો કઈ કઈ ટીમો સર્જી શકે છે આશ્ચર્ય ?

નવી દિલ્હીઃ આઈપીએલ 2026નો 49મો મુકાબલો પંજાબ કિંગ્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાયો હતો. મેચમાં હૈદરાબાદે પંજાબને 33 રનથી હરાવ્યું હતું. પંજાબ સતત ત્રીજી મેચ હાર્યું હતું. જેની સાથે પોઈન્ટ ટેબલમાં મોટો ઉલટફેર થયો હતો અને પ્લેઓફ્સની રેસ રોચક બની હતી. હૈદરાબાદની ટીમ પોઈન્ટ ટેબલ પર પહોંચી હતી. જ્યારે પંજાબ બીજા ક્રમે સરક્યું હતું. હાલ જે રીતે સીએસકે રમી રહ્યું છે તે જોતાં તે પણ પ્લેઓફ્સમાં પહોંચીને આશ્ચર્ય સર્જી શકે છે. 

IPL 2026 પોઈન્ટ ટેબલની વાત કરીએ તો હૈદરાબાદ સૌથી વધુ 14 પોઈન્ટ સાથે ટેબલમાં ટોચના સ્થાને છે. હૈદરાબાદ અત્યાર સુધીમાં કુલ 11 મેચ રમ્યું છે, જેમાંથી ટીમે 7 મેચમાં જીત મેળવી છે, જ્યારે 4 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આ દરમિયાન ટીમનો નેટ રન રેટ +0.737 રહ્યો છે.

પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પંજાબ છે, જેના 13 પોઈન્ટ છે. પંજાબે અત્યાર સુધીમાં કુલ 10 મેચ રમી છે, જેમાં તેને 6 મેચમાં જીત અને 3 મેચમાં હાર મળી છે. ત્યારબાદ, પોઈન્ટ ટેબલમાં અનુક્રમે બેંગ્લૂરુ, રાજસ્થાન અને ગુજરાત છે. આ ત્રણેયના 12-12 પોઈન્ટ છે. પરંતુ નેટ રન રેટના હિસાબે બેંગ્લૂરુ ત્રીજા ક્રમે છે. તેનો નેટ રન રેટ +1.420 છે, રાજસ્થાન રોયલ્સ +0.510 નેટ રન રેટ સાથે ચોથા અને ગુજરાત ટાઈટન્સ +0.147 નેટ રન રેટ સાથે પાંચમા ક્રમે છે.

ચેન્નઈ 10 પોઈન્ટ અને +0.151 નેટ રન રેટ સાથે છઠ્ઠા, દિલ્હી કેપિટલ્સ 8 પોઈન્ટ અને -0.949 નેટ રન રેટ સાથે સાતમા, કોલકાતા નાઈટ રાઈડર્સ 7 પોઈન્ટ અને -0.539 નેટ રન રેટ સાથે આઠમા, મુંબઈ ઈન્ડિયન્સ 6 પોઈન્ટ અને -0.649 નેટ રન રેટ સાથે નવમા અને લખનઊ -1.076 નેટ રન રેટ સાથે 10મા ક્રમે છે.