પ્રફુલ શાહ
માનવું જ પડે કે અબ્દુલ કરીમ તેલગી પાસે સપનું, મહત્ત્વાકાંક્ષા, કુનેહ અને આયોજન-શક્તિ ભારોભાર હતા. કમનસીબે એ બધાનો ઉપયોગ ખોટી જગ્યાએ અને ગેરકાયદે પ્રવૃત્તિમાં થયો.
વિચાર કરો કે આ તેલગીએ માત્ર બે-પાંચ હજાર નકલી સ્ટેમ્પ પેપર જ બનાવીને વેચ્યાનો સંતોષ નહોતો માન્યો. તેણે 300 માણસોને એજન્ટ તરીકે કામે લગાડ્યા હતા. આ બધા એજન્ટ બૅંકો, વીમા કંપનીઓ અને શેર દલાલી સંસ્થાઓ સહિતના મોટા ખરીદદારોને આ ‘તેલગી બ્રાંડ’ નકલી સ્ટેમ્પ પેપર વેચતા હતા.
તેલગીએ પોતાની આ ગેરકાયદે કામગીરી માત્ર મુંબઈ, મહારાષ્ટ્ર કે કર્ણાટક પૂરતી સીમિત ન રાખી. સરકારી સ્ટેમ્પ પેપર જેવી જ પ્રિન્ટિંગ અને વિતરણ વ્યવસ્થા ઊભી કરીને દેશના અનેક રાજ્યોમાં નકલી સ્ટેમ્પ પેપર વેચવામાં આવ્યા હતા. આ માટે તેણે સરકાર દ્વારા કરાયેલી હરાજીમાં જૂના પ્રિન્ટિંગ મશીનો અને કેટલાક કાયદેસર પરવાના પણ મેળવ્યા હતા. આને પ્રતાપે તેના નકલી સ્ટેમ્પ પેપર એટલા બધા અસલી જેવા લાગતા હતા કે કોઈને લેશમાત્ર શંકા ન ગઇ.
અલબત્ત, અંદાજે ₹200 અબજ (ચોક્કસ રકમની કોઇને ખબર નથી) જેટલું તોતિંગ કૌભાંડ ચલાવવા માટે મોટા માથાના સાથ, સહકાર, આશીર્વાદ અને આંખ મિચામણા વગર ન જ ચાલે. અને તેણે રાજકીય નેતાઓ, પોલીસ અમલદારો, સરકારી અધિકારીઓ અને નીચેના કર્મચારીઓને બરાબર સાધી લીધા હતા. કેવી રીતે આ સંડોવણી શક્ય બની એ કહેવાની જરૂર લાગતી નથી.
સતત, બેફામ અને ઢગલાબંધ રૂપિયા આવવાથી સ્વાભાવિકપણે તેલગી સદંતર બદલાઇ ગયો. રાતોરાત જીવનશૈલી એકદમ વૈભવી બની ગઇ. અનેક મોંઘી કારો, ફ્લેટ્સ અને સંપત્તિઓનો માલિક બની ગયો. માત્ર પાર્ટીઓ અને મહેફિલો પાછળ જ કરોડો રૂપિયા ખર્ચાતા હોવાની પણ ચર્ચાઓ શરૂ થઇ ગઇ હતી.
તેલગી વિશેના એક દાવાએ સૌને સ્તબ્ધ કરી મૂક્યા હતા. સમર્થનવિહોણા મીડિયા રીપોર્ટસ મુજબ તેણે મુંબઈની બારબાળાઓ પર કરોડો રૂપિયા ઉડાડ્યા હતા. જોકે, આ આંકડા મીડિયા અહેવાલો પર આધારિત છે અને તમામ વિગતો સત્તાવાર રીતે સાબિત થયેલી નથી. તેલગી નિયમિત રીતે મુંબઈના અનેક ડાન્સ બારમાં જતો હતો અને નોટોના બંડલો ઉડાડતો હતો એવું પછીથી પોલીસ તપાસમાં બહાર આવ્યું હતું. પોલીસે કેટલાક બાર માલિકો, કર્મચારીઓ અને બારબાળાઓનાં નિવેદનો પણ નોંધ્યા હતા.
અબ્દુલ કરીમ તેલગી વિશેની એક સૌથી વધુ ચર્ચિત વિગતો મુજબ તેણે વર્ષ 2001માં મુંબઈના એક જ ડાન્સ બારમાં એક જ રાતે અંદાજે ₹93 લાખ ઉડાડ્યા હતા. નોંધનીય છે કે ₹93 લાખ એક જ રાત્રે ઉડાડવાનો દાવો ભારતીય અંડરવર્લ્ડ અને આર્થિક ગુનાના ઇતિહાસમાં સૌથી ચર્ચિત ઘટનાઓમાંનો એક છે.
કહેવાય છે કે તેણે બારબાળાઓ પાછળ કુલ ₹20 કરોડથી વધુ ફૂંકી નાખ્યા હતા. ફરી કહેવું પડે કે આ આંકડાને સત્તાવાર પુષ્ટિ મળી નહોતી પણ એ સમજી શકાય તેમ છે. અરે એ સમયની જાણીતી બારબાળા તરન્નુમ ખાન સાથે તેનું નામ ખૂબ ચગ્યું હતું. આ સાંભળી-વાંચીને ભલભલા પીઢ બે નંબરિયાઓની આંખ પણ છાલિયા જેટલી પહોળી થઇ ગઇ હતી. (ક્રમશ:)