Thu Mar 12 2026

Logo

ઇન્સ્પેક્ટર કરણ બક્ષી કેસ ફાઈલ્સઃ હત્યા

3 weeks ago
Author: Mumbaisamachar Team
Article Image

ટીના દોશી 

ચાંપ દાબતા બંધ થઈ જતી બત્તીની જેમ વહેલી સવારથી વરસી રહેલા વરસાદે સાયરન વગાડતી પોલીસ જીપ સુખશાંતિ સદને પહોંચી ત્યારે જ પોરો ખાધો. સુખશાંતિ સદન એટલે નગરને સીમાડે આવેલો બેઠા ઘાટનો બંગલો. ચારેકોર હરિયાળી ને લીલાંછમ વૃક્ષોથી ઘેરાયેલો રળિયામણો બંગલો. આજુબાજુમાં લગભગ અડધો કિલોમીટર સુધી ન કોઈ મકાન ન વસતી. માણસોની અવરજવર નહીંવત જેવી. ભીડભાડથી દૂર એકાંતમાં એકલુંઅટૂલું ઊભેલું સુખશાંતિ સદન. 

કદાચ એટલે જ આ નિર્જન એકાંતનો લાભ લઈને કો'કે વહેલી સવારે બંગલામાં લૂંટફાટનો પ્રયત્ન કરેલો. ને લૂંટારાનો પ્રતિકાર કરવામાં જાનની બાજી લગાવનાર લીલાવતીએ જીવ ગુમાવ્યો હશે...લીલાવતીનું અણધાર્યું મૃત્યુ... ના, હત્યા થઈ હશે!

સવારનો સાડા આઠનો સમય...વીસેક મિનિટ પહેલાં પોલીસ સ્ટેશને હત્યાના સમાચાર આપવા કો'ક મહિલાનો ફોન આવેલો. બીજી જ ક્ષણે ઇન્સ્પેક્ટર કરણ બક્ષી પોલીસ સ્ટેશનેથી નીકળી પડેલો. સાથે ડાબાજમણા હાથ સમા જુનિયરો જયરાજ જાડેજા અને ઝલકની બદલી થયા બાદ આવેલી દેવકી દીક્ષિત. આઠેક કિલોમીટરનું અંતર હોવા છતાં બને એટલા ઝડપથી ત્રણેય સુખશાંતિ સદન પહોંચી ગયા. 

પોલીસજીપને જોઈને બંગલાને ઝાંપે ઊભેલી એક યુવાન સ્ત્રી ઉતાવળે આગળ આવી. ગળામાં મંગળસૂત્ર. કાનમાં બુટ્ટી. વ્યવસ્થિત ગુજરાતી ઢબે પહેરેલી ઊગતા સૂરજના રંગની એક પણ સળ વગરની સફાઈબંધ સાડી. મુખ પર ગ્લાનિ. માંજરી આંખોની કીકીઓમાં ભીનાશ. વાળનો ઢીલો અંબોડો બાંધેલો. કપાળે કંકુનો ચાંદલો ને સેંથીમાં સિંદૂર. ત્રિપુટીને જોઈને હાથ જોડીને સામે આવીને ઊભી. નિ:શ્વાસ નાખીને કહી રહી: `આવો સાહેબ, મારૂં નામ મંજરી. હું આપની જ રાહ જોતી ઊભેલી.'

`હં...' ઈન્સ્પેક્ટર બક્ષીએ કહ્યું: `તમે જ પોલીસ સ્ટેશને ફોન કરેલો?'
`અં, હા...' મંજરી પડેલા અવાજે બોલી : `મેં જ ફોન કરેલો.'
`તમે કો'કનું ખૂન થયાનું કહી રહેલાં...' કરણે કહ્યું : `બોલો, કોનું ખૂન થયું છે?'
`મારાં જેઠાણીનું...' મંજરી પોલીસ ત્રિપુટીને બંગલાની ભીતર દોરી જતાં કહેવા લાગી : `એમનું નામ લીલાવતી. હું એમની દેરાણી.'

આટલી વાતચીત થઈ એટલામાં તો આંગણું વટાવીને સહુ બંગલાની ભીતર પ્રવેશી ચૂકેલા. દેવકીએ મનમાં નોંધ્યું કે બંગલો દેખાવમાં ભલે ભપકાદાર નથી, પણ પહેલી નજરે ગમી જાય એવો તો છે જ. બંગલામાં દાખલ થયા પછી પોલીસ ત્રિપુટી રંગરંગી મોતીના તોરણથી શણગારેલા નાનકડા પરસાળમાં પ્રવેશી. અહીં બ્રહ્મા, વિષ્ણુ ને મહેશની વિશાળ મૂર્તિ સજાવેલી. મૂર્તિની સામે પ્રજ્વલિત દીવો. મોગરાની પ્રજ્વલિત ધૂપ ને ચમેલીની પ્રજ્વલિત અગરબત્તીની મિશ્ર મહેકથી પરસાળ સુવાસિત થઈ ગયેલી. 

`કહેવું પડે હોં...' દેવકીએ મંજરીને વખાણી : `ધૂપ ને અગરબત્તીની સુગંધથી તમારી પરસાળ જ નહીં, સંપૂર્ણ બંગલો મહેકી ઊઠ્યો છે...'

`આભાર... હું રોજ સવારે ધૂપ ને અગરબત્તી કરૂં છું...' મંજરીએ પરાણે મુસ્કાન કરીને કહ્યું, એવામાં પોલીસ ત્રિપુટીએ સુગંધિત પરસાળમાં ત્રણ ફાંટા પડતા જોયા. ત્રણેય ફાંટા ત્રણ કમરા ભણી લઈ જતા. મંજરીએ ઈન્સ્પેક્ટર કરણ બક્ષીને સંબોધતાં કહ્યું : `સાહેબ, અહીંથી ડાબી બાજુ રસોઈઘર ને કોઠાર છે. જમણી બાજુ સૂવાબેસવાના ખંડ છે. અને બરાબર સામે જે કમરો દેખાય છે તે દીવાનખંડ છે. મારાં જેઠાણી લીલાવતી ત્યાં જ છે.'

જેઠાણીનું નામ લેતાં જ મંજરી ગળગળી થઈ ગઈ. એની આંખો ચૂઈ પડી. સાડીના પાલવથી આંખો લૂછીને મંજરી આગળ થઈ. પોલીસ ત્રિપુટી એને અનુસરીને દીવાનખંડમાં દાખલ થઈ. કરણ, જયરાજ અને દેવકીએ જોયું કે દીવાનખંડ નાનો નહોતો. વધુ પડતો મોટો પણ ન જ કહી શકાય. પ્રમાણસર કહી શકાય એવો દીવાનખંડ સુશોભિત હતો. ફર્શ પર બિસ્કીટ કલરનો ડાઘાડૂઘી વિનાનો અત્યંત સ્વચ્છ મુલાયમ ગાલીચો પથરાયેલો. 

ઓફ વ્હાઈટ કલરથી રંગેલી દીવાલો સાથે મેળ ખાય એવા બદામી રંગના સોફાસેટ. એલ આકારે ગોઠવેલા સોફાની વચ્ચેના ત્રિકોણમાં ચોકલેટી રંગનો ફોન. બાજુમાં નકશી કરેલી સિરામિકની ફૂલદાની. રંગબેરંગી પુષ્પો ફૂલદાનીમાં સજાવેલાં.સોફાની સામે કાચની લંબચોરસ ટિપાઈ. એક ખૂણામાં નાનીમોટી આકર્ષક કલાકૃતિઓથી સજાવેલું કાચનું કેબિનેટ. ત્રણ દીવાલ પર કુદરતી દૃશ્યોના સુંદર મજાનાં પેન્ટિંગ.એકંદરે બધું સુઘડ ને વ્યવસ્થિત. દીવાનખંડનું દૃશ્ય જોઈને તો એવું લાગતું હતું કે સુખશાંતિ સદનમાં સુખ પણ જણાતું હતું ને શાંતિ પણ. 

પરંતુ આ જ દીવાનખંડમાં આંખો ફેરવી રહેલી પોલીસ ત્રિપુટીની નજરે એક એવું દૃશ્ય ઝીલાયું જે જોઈને સ્પષ્ટ થતું હતું કે બંગલાનું સુખ હણાઈ ગયેલું ને શાંતિ પણ. ત્રણેયની નજર બદામી રંગના સોફા પર સ્થિર થઈ ગઈ. સોફા પર ઢળી પડેલી મહિલા ભણી આંગળી ચીંધીને મંજરી બોલી : `આ છે મારાં જેઠાણી લીલાવતી...'

માંડ પાંત્રીસેકની જણાતી લીલાવતી રંગેરૂપે આકર્ષક હતી. નમણો નાકનકશો. ઘટાદાર કાળા વાળ. હજુ થોડી વાર પહેલાંની ચેતનવંતી લીલાવતી અત્યારે નિશ્ચેતન થઈને પડેલી. રૂપાળા લંબગોળ ચહેરા પર મૃત્યુની પીડા અંકાયેલી. જમણો હાથ છાતીમાં હુલાવેલી છરી પર હતો. ફળ કાપવાની છરી હોવી જોઈએ. શરીરમાંથી વછૂટેલી લોહીની ધાર. એ લોહીથી લીલાવતીની આસમાની રંગની સાડી રંગાયેલી અને સોફો પણ. બદામી સોફા પર લોહીનું લાલ કુંડાળું પડી ગયેલું. બંને હાથમાં ગારમાટી લાગેલી. એ જોઈને અચંબિત થયેલા કરણ બક્ષીએ મંજરી સામે પ્રશ્નાર્થ નજરે જોયું. એ નજર જાણે પૂછી રહેલી : `લીલાવતીના હાથ કાદવથી કેમ ખરડાયેલા છે?' 

`મારાં જેઠાણીને બાગબાનીનો શોખ હતો...' કરણની નજરનો સંકેત સમજીને મંજરી કહેવા લાગી : `એમણે જ અમારા બંગલામાં બગીચો બનાવેલો. એની ખૂબ માવજત પણ કરતાં. મહેંદીની વાડ પણ એમણે ખુદ બનાવેલી. જાતજાતનાં ફૂલછોડ ને શાકભાજી વાવેલાં. એનું જીવની જેમ જતન કરતાં. એક મા બાળકને પ્રેમ કરે એવી જ રીતે એ બગીચાને સ્નેહથી સીંચતાં. રોજ સવારે ફૂલછોડને પાણી પાતાં. નવા રોપા ને છોડ વાવતાં.' પૂર્વભૂમિકા બાંધીને મંજરી સહેજ અટકી. પછી મ્લાન વદને કહી રહી : `એ ગઈ કાલે જ કેટલાક રોપા લાવેલાં. બની શકે કે એ રોપા વાવીને ભીતર આવી રહ્યાં હોય ને ગારાવાળા હાથ ધોવાનો સમય મળે એ પહેલાં કોઈ ચોરલૂંટારો બંગલામાં ઘૂસી આવ્યો હશે ને....' મંજરીએ ડૂસકું ભર્યું. 

ઈન્સ્પેક્ટર બક્ષીએ મંજરીને સ્વસ્થ થવાનો સમય આપ્યો. જયરાજ ચારેકોર આંખો ફેરવીને નિરીક્ષણ કરી રહ્યો. દરમિયાન દેવકીએ ટિપાઈ પર પડેલા જગમાંથી પાણી ભરીને પ્યાલો આપ્યો. મંજરીએ બે ઘૂંટડા પાણી પીધું. પછી ગળું ખંખેરીને બોલી : `મારાં જેઠાણી પેલા લૂંટારાનો સામનો નહીં કરી શક્યાં હોય ને એમણે જીવ ગુમાવવો પડ્યો.'

`એક તો તમારો બંગલો આટલે દૂર આવેલો છે. એ ય પાછો વેરાન જગ્યાએ...' જયરાજના અવાજમાં આછી કરડાકી ભળી ગઈ : `એટલું ઓછું હતું કે તમે તમારા બંગલાનું મુખ્ય દ્વાર પણ ખુલ્લું રાખો છો. પછી તો કોઈ પણ ઘૂસી જ આવે ને?' 

`સાહેબ, તમને ગેરસમજ થાય છે.' મંજરી કહી રહી : `અમારા બંગલાનું મુખ્ય દ્વાર હંમેશાં ભીતરથી બંધ જ હોય છે. આવવાજવા માટે બીજો એક રસ્તો પણ છે. બગીચામાંથી એ રસ્તે થઈને સીધા દીવાનખંડમાં આવી શકાય છે. ચોર એ જ પાછલા દરવાજેથી આવ્યો હશે ને એ જ રસ્તે નીકળી ગયો હશે.' 

`બંગલાનો બગીચો ક્યાં છે ?' જયરાજ જાડેજાએ પૂછ્યું.
`બગીચો બંગલાની પાછળના ભાગમાં આવેલો છે. આ દીવાનખંડમાં થઈને જ બગીચામાં જવાય છે...' મંજરી કરણ બક્ષી, જયરાજ જાડેજા અને દેવકી દીક્ષિતને બગીચા ભણી દોરી રહી. દીવાનખંડ જ્યાં પૂરો થતો હતો ત્યાંથી જમણી બાજુએ બહારની તરફ લઈ જતી પરસાળ આવેલી. પરસાળ પૂરી થઈ ત્યાં બારણું હતું. અત્યારે એ બારણું ખુલ્લું હતું. બારણાની બહાર પગથિયાં. ચાર પગથિયાં ઊતરીને સહુ કમ્પાઉન્ડના બગીચામાં પહોંચ્યાં. બગીચાના કાદવમાં કેટલાંક પગલાં પડેલાં. બીજે ક્યાંય પગલાં તો દેખાતાં નહોતાં, પણ માટી ભીની ને અતિશય ચીકણી હતી. સાવધ રહીને ન ચાલીએ તો લપસી જવાય એવી સુંવાળી થઈ ગયેલી કમ્પાઉન્ડની માટી. 

પોલીસ ત્રિપુટીએ સાવધાનીથી કમ્પાઉન્ડમાં ડગલાં માંડ્યાં. વચ્ચે હરિયાળા ઘાસની સુંદર લોન ને ચારેય છેવાડે ભાતભાતના ફૂલછોડ રહેલા. ગુલાબ, ચમેલી, જાસૂદ, પારિજાત, ગલગોટા, રાતરાણી ને સૂરજમુખી જેવાં રંગબેરંગી પુષ્પો લહેરાઈ રહેલાં. એક કતારમાં મેથી, પાલક ને કોથમીર ઊગી નીકળેલાં. ટામેટાં, વટાણા, લીલી ડુંગળી ને એક ખૂણામાં વેલા પર ઊગેલી કુમળી દૂધીઓ... વીસ બાય વીસ ફૂટમાં પથરાયેલો જણાતો બગીચો પાંચ ફૂટની કમ્પાઉન્ડ વોલથી આરક્ષિત હતો. પોલીસ ત્રિપુટીએ વિચાર્યું કે આ દીવાલ કૂદીને કોઈ પણ અંદર આવી શકે. ત્રણેયના મનમાં ઊઠેલા વિચારોનો પડઘો પાડતી હોય એમ મંજરી બોલી : `સાહેબ, આ દીવાલ પરથી કૂદીને જ પેલો લૂંટારો અંદર આવ્યો હશે..' 

`હં, શક્ય છે...' કરણ બક્ષી બોલ્યો તો ખરો, પણ એને મનમાં કંઈક ખટકી રહેલું. કશુંક તો જરૂર અજુગતું હતું. રંગબેરંગી હોવા છતાં ચિત્ર બેરંગ બની ગયેલું જાણે. પરંતુ એ ક્ષણે બીજું કાંઈ બોલ્યા વિના કરણ કહી રહ્યો : `કોઈ ચોરલૂંટારો દીવાલ કૂદીને સરળતાથી આવી શકે. એવું બન્યું હોય એ અશક્ય નથી.'

`હા સાહેબ, એ લૂંટારો મોકો જોઈને લૂંટફાટ કરવા બંગલામાં ઘૂસી આવ્યો હશે. પણ મારાં જેઠાણીએ એનો સામનો કરવા જતાં જીવ ગુમાવવો પડ્યો...' મંજરીએ આંખમાં ધસી આવેલાં અશ્રુ ખાળતાં કહ્યું.
`પણ એ વખતે તમે ક્યાં હતાં?' પોલીસ ત્રિપુટી ફરી દીવાનખંડ ભણી ડગ માંડી રહેલી ત્યારે દેવકી બોલી : `તમે ઘરમાં નહોતા?'

`ના, ઈન્સ્પેક્ટર...' મંજરીએ ઊંડો નિ:સાસો નાખ્યો : `હું રોજ સવારે પૂજાપાઠ કરીને, દીપ પ્રગટાવીને, ધૂપઅગરબત્તી કરીને મંદિરે દર્શન કરવા જાઉં છું. પ્રભુભક્તિ કરીને અડધોપોણો કલાકમાં તો હું ઘેર પાછી ફરું. પણ જો મને ખબર હોત કે આવું અમંગળ બનવાનું છે, તો હું મંદિરે જાત જ નહીં ને?' 

પગથિયાં ચડીને પરસાળમાં આવી ગયેલા કરણ બક્ષીએ જુનિયરોને કહ્યું : `આપણાં જૂતાં માટી ને કાદવવાળાં થઈ ગયાં છે. એનાથી દીવાનખંડમાં ડાઘા પડશે. જૂતાં કાઢીને હાથમાં લઈ લ્યો.' ત્રણેયે જૂતાં હાથમાં પકડી લીધાં ને દીવાનખંડ તરફ ચાલ્યાં.  
`હવે એક સવાલનો જવાબ આપો...' કરણ બક્ષીએ મંજરીની માંજરી આંખમાં આંખ પરોવીને પૂછ્યું : `તમારા ઘરમાં તમે બે જ જણાં રહો છો? આઈ મીન, બીજું કોઈ જ નથી.. તમારા પતિઓ?'

`અમારા બેયના પતિઓ બે દિવસ માટે ઓફિસના કામે બહારગામ ગયા છે. મેં એમને ફોન કરી દીધો છે. એટલે આજે સાંજ સુધીમાં બેય આવી જશે.' મંજરી બોલી : `અમારો સ્ટેશનરીનો ધંધો છે. એની બેત્રણ મીટિગ ગોઠવાયેલી. મારા જેઠ ગોપાલભાઈ એકલા પહોંચી વળે એમ નહોતા. બંને ભાઈઓએ સાથે જવું જ પડે એમ હતું. એ ગયા ને પાછળ અચાનક આવું...મને ખબર હોત તો હું મંદિરે જાત જ નહીં ને. પેલા લૂંટારાને મેં પકડી લીધો હોત.' મંજરીને ગળે ડૂમો ભરાણો. 

પછી એકદમ ચમકીને બોલી : `અરે સાહેબ, હું તો તમને કહેવાનું ભૂલી જ ગઈ કે મંદિરેથી પાછા ફરીને, મારી પાસેની ચાવીથી દરવાજો ખોલીને હું બંગલામાં પેઠી ત્યારે મેં દીવાનખંડને રસ્તે થઈને કો'ક માણસને નાસી જતાં જોયેલો. નક્કી...નક્કી એ જ લૂંટારો હશે. પણ મેં એની પીઠ જ જોયેલી. એટલે એનું વર્ણન તો નહીં કરી શકું. પણ હા, મને એટલું યાદ છે કે એણે સફેદ ચોકડીવાળું કાળું શર્ટ ને કાળું પેન્ટ પહેરેલું. બીજું તો કંઈ યાદ નથી.'

`કાંઈ વાંધો નહીં...' કરણ બક્ષીએ કહ્યું : `હવે એ જણાવો કે તમારા ઘરમાંથી શું ચોરાયું છે? ઘરેણાં, સોનું, ચાંદી કે રૂપિયા કે પછી બીજું કંઈ...'
`એ તો મેં જોયું જ નથી..' મંજરી બોલી અને બેબાકળી થઈને દીવાનખંડને અડીને આવેલા ઓરડામાં ગઈ. ઓરડાનો નકૂચો ખોલ્યો. તિજોરી ખોલી. ઉતાવળે તપાસ કરીને બહાર આવી. પછી બોલી : `કાંઈ ચોરાયું હોય એવું તો લાગતું નથી. હું ઘેર આવી ગઈ એટલે ચોરને ચોરી કરવાની તક નહીં મળી હોય ને એ ઉતાવળે નાસી છૂટ્યો હશે.'

`હા, એવું બની શકે..'દેવકી અને જયરાજના આશ્ચર્ય વચ્ચે કરણ બક્ષીએ મંજરીની દલીલ સ્વીકારી લીધી.પછી ગંભીર સ્વરે પૂછ્યું : `તમારાં જેઠાણી સાથે તમારા સંબંધો કેવા હતા. સાચું બોલજો.' 

`મારાં સંબંધો..' મંજરી સહેજ અચકાઈ. પછી મુખ પર ચડાવેલો મુખવટો ઉતારીને બોલી : `સાહેબ, હું સાચું જ કહીશ. મને ખબર છે કે હું જે કંઈ કહીશ તેની તમે ખરાનકરી કરશો. ખોટું બોલીને ફાયદો નથી. એટલે સાચું જ બોલીશ. અમારાં સંબંધો દેરાણીજેઠાણી જેવા જ હતા. મીઠા નહીં, કડવા. કડવા વખ જેવા. અમારી વચ્ચે રોજેરોજ કંકાસ થતો. એ લીલાડી મને ગુલામડી બનાવીને રાખવા માગતી. મને નીચાજોણું કરાવવાની એક પણ તક એ ચૂકતી નહીં. એટલે મને ખૂબ ગુસ્સો ચડતો. એનું ગળું દબાવવાનું મન થઈ જતું. પણ મારે એવું કરવાનો વખત આવે એ પહેલાં જ પેલા લૂંટારાએ એને પતાવી દીધી.'

`લૂંટારાએ પતાવી કે પછી લૂંટારાને નામે તમે જ લાગ જોઈને લીલાવતીને પતાવી દીધી?' કરણ બક્ષીની આંખો ફરી ગઈ. 
`આ શું કહો છો ?' મંજરીએ જાણે બીવડાવતી હોય એમ કરણ સામે ડોળા ગગડાવ્યા. ફૂંફાડો મારતાં બોલી : `મેં મારા સંબંધોની સચ્ચાઈ કહી દીધી એટલે તમે મારા પર ખૂનનું આળ ચડાવો છો... આળ ચડાવો છો તો પુરાવો પણ આપવો પડશે. નહીંતર હું તમારી સામે ફરિયાદ કરીશ.'

`પુરાવા તો એક નહીં, ચાર છે...' કરણ બક્ષી તલવારની ધાર જેવા તીક્ષ્ણ અવાજે બોલ્યો : `તમે હત્યાની વાર્તા ઉપજાવી કાઢી ત્યારે એ ભૂલી ગયા કે આજે વહેલી સવારથી ધોધમાર વરસાદ વરસી રહેલો.'
`વરસાદ..વરસાદને હત્યા સાથે શું સંબંધ?' મંજરી ઝંખવાઈ ગયેલી, છતાં નમતું મૂકવા તૈયાર નહોતી. 

`અરે, તમારી વાર્તામાં તો વરસાદ જ મુખ્ય ખલનાયક બની ગયો.' કરણ બક્ષીએ વરસાદનો હત્યા સાથેનો સંબંધ જોડી બતાડ્યો : `તમે કહ્યું કે તમે સવારે મંદિરે ગયેલાં. પણ એ જ તો તમારી વિરુદ્ધનો પહેલો પુરાવો છે. કારણ સવારે વરસાદ વરસી રહેલો. વરસતા વરસાદમાં તમે છત્રી લઈને પણ મંદિરે ગયાં હોત તો તમારી સાડી પલળ્યા વિના ન રહી હોત. તમારા વાળ પણ વરસાદના પાણીથી થોડાઘણા તો વિખરાયા જ હોત. પણ તમે જ કહ્યું એમ તમે ઘેર આવ્યાં ત્યારે લીલાવતીનું ખૂન થયેલું જોયું. ને તમે પોલીસને ફોન કર્યો. એવા સંજોગોમાં તમે સાડી બદલવાનો ને વાળ હોળવામાં સમય ન જ બગાડો...

`હવે  બીજો પુરાવો...તમે કહ્યું કે બહારથી આવેલા કોઈ લૂંટારાએ લીલાવતીનું ખૂન કર્યું ને તમે એને નાસી જતાં જોયો. પરંતુ એ નિવેદન પણ તમારી વિરુદ્ધમાં જાય છે. કારણમાં ફરી એક વાર વરસાદ. અનરાધાર વરસાદમાં કોઈ બહારથી પાછલે રસ્તે આવ્યું હોય ને ગયું હોય તો આખા કમ્પાઉન્ડમાં પગલાં પડ્યાં હોત. પણ એવું જોવા ન મળ્યું. પગથિયાં ઊતરીએ ત્યાં જ કમ્પાઉન્ડમાં પગલાં જોવા મળે છે. બીજે ક્યાંય નહીં. એ પગલાં તમારાં જ હોઈ શકે. 

કમ્પાઉન્ડનાં પગલાંની છાપ સાથે તમારાં પગલાંની છાપ સરખાવીશું એટલે એ બાબત સિદ્ધ થઈ જશે. છતાં માની લઈએ કે કોઈ ચોર બગીચાના રસ્તે દીવાનખંડમાં આવ્યો હોય તો ગાલીચો એના કાદવવાળા પગલાંથી ખરડાઈ ગયો હોત. પણ ગાલીચો તો એકદમ સ્વચ્છ છે. કાદવનો કે માટીનો એક ડાઘ સુધ્ધાં એના પર પડ્યો નથી. એનો અર્થ એમ થયો કે પાછલે રસ્તેથી કોઈ આવ્યું નથી. 

વળી લીલાવતીની કોઈ સાથે ઝપાઝપી થયાનાં નિશાન મળ્યાં નથી. એવું કાંઈ થયું હોત તો એના શરીર પર ક્યાંક તો ઉઝરડો પડેલો જોવા મળત. કોઈ ચોરી કરવાને બહાને ઘૂસ્યું હોત તો દીવાનખંડ વેરવિખેર થઈ ગયો હોત, પરંતુ દીવાનખંડમાં બધું વ્યવસ્થિત ગોઠવાયેલું છે. એનો અર્થ એમ થાય કે કોઈ બહારનું દીવાનખંડમાં આવ્યું નથી. 

ત્રીજો પુરાવો... તમે કહ્યું કે કોઈ ચોરી કરવા ઘરમાં ઘૂસેલું. પણ તિજોરીવાળો ખંડ તો બહારથી બંધ હતો. તમે જ એનો આગળો ખોલીને અંદર ગયાં. જો ચોર ચોરી કરવા આવ્યો હોત તો તિજોરીવાળા કમરામાં જરૂર ગયો  હોત. અને ચોરી કરીને નાસી છૂટ્યો હોત. આગળો બંધ કરવા ઊભો ન રહેત. ચોર પાસે એવો સમય હોતો નથી. 

ચોથો પુરાવો... તમે કહ્યું કે લીલાવતી બગીચામાં રોપાઓ રોપવા ગઈ હશે. એથી એના હાથ પર ગારો ને માટી લાગેલાં. પણ વરસતા વરસાદમાં કોઈ બગીચામાં છોડવા કે રોપા રોપવા જાય નહીં. ન તો ફૂલછોડને પાણી પાવા જાય. એનો અર્થ તો એક જ થાય કે લીલાવતી છોડવા રોપવા બાગમાં ગયેલી એવું સાબિત કરવા તમે જ એના હાથમાં ગારો લગાડ્યો છે. પણ હકીકત એ છે કે તમારો બદલો વાળવા તમે જ તમારા બેયના પતિઓની ગેરહાજરીમાં લીલાવતીની હત્યા કરી છે. ફળ કાપવાની છરી પરથી તમારાં આંગળાંની છાપ મળી આવશે. એનાથી પુરવાર થઇ જશે કે તમે જ ખૂન કર્યું છે. બોલો, ખરૂં કે ખોટું ?'

મંજરી ચૂપ. એ શું બોલે? પોતાના તીરથી એ પોતે જ વીંધાઈ ગયેલી. લીલાવતીનો શિકાર કરવા જતાં એનો પોતાનો જ શિકાર થઈ ગયેલો !

આવતા અઠવાડિયે નવી કથા