ગુરુગ્રામ : ભારતની સૌથી મોટી એરલાઇન કંપની ઇન્ડિગોના સીઇઓ પીટર આલ્બર્સે તેમના પદ પરથી રાજીનામું આપી દીધું છે. ઉલ્લેખનીય છે કે ગત વર્ષે ડિસેમ્બરમાં ઇન્ડિગોએ હજારો ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી. ઇન્ડિગોની પેરેન્ટ કંપની ઇન્ટરગ્લોબ એવિએશને એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે 10 માર્ચે તેમની શિફ્ટ પૂર્ણ કર્યા પછી પીટર આલ્બર્સ તેમની સેવાઓમાંથી મુક્ત થશે. કંપનીએ કહ્યું કે પીટર આલ્બર્સે રાજીનામું આપ્યા બાદ
ઇન્ડિગોના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયાએ તેમના સ્થાને વચગાળાનો કાર્યભાર સંભાળ્યો છે.
એરલાઇન્સે 2 થી 10 ડિસેમ્બરમાં 5,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી
આ રાજીનામાં પાછળ ગત વર્ષે ડિસેમ્બરમાં ઇન્ડિગોએ હજારો ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી તે કારણ માનવામાં આવી રહ્યું છે. કારણ કે ડીજીસીએ નોટીસમાં સીઈઓ પીટર આલ્બર્સે ફરજ નિભાવવાના નિષ્ફળ ગયા હોવાનું જણાવ્યું હતું. આ અંગે નાગરિક ઉડ્ડયન રાજ્યમંત્રી મુરલીધર મોહલે જાન્યુઆરીમાં લોકસભામાં જણાવ્યું હતું કે ઇન્ડિગોએ ડિસેમ્બરમાં 5,689 ફ્લાઇટ્સ રદ કરી હતી, જેનાથી 902,384 મુસાફરો પ્રભાવિત થયા હતા. દેશની સૌથી મોટી એરલાઇન્સે 2 થી 10 ડિસેમ્બર વચ્ચે માત્ર નવ દિવસમાં 5,000 થી વધુ ફ્લાઇટ્સ રદ કરી હતી, અને અસંખ્ય ફ્લાઇટ્સ પણ મોડી પડી હતી. ફ્લાઇટ ડ્યુટી ટાઇમ લિમિટેશન (FDTL)નિયમોમાં ફેરફાર બાદ પાઇલટ અને ક્રૂ રોસ્ટરના નબળા આયોજનને કારણે આ બધી ફ્લાઇટ્સ રદ કરવામાં આવી હતી. જેના પરિણામે ઇન્ડિગોના મુસાફરોને નુકસાન થયું હતું.
રાહુલ ભાટિયાની વર્તમાન કુલ સંપત્તિ 6.5 બિલિયન ડોલર
જોકે, હાલ ઇન્ડિગોના મેનેજિંગ ડિરેક્ટર રાહુલ ભાટિયાએ તેમના સ્થાને વચગાળાનો કાર્યભાર સંભાળ્યો છે. રાહુલ ભાટિયા ઇન્ડિગોના સહ-સ્થાપક પણ છે. તેમણે વર્ષ 2006 માં અબજોપતિ રાકેશ ગંગવાલ સાથે ઇન્ડિગોની સહ-સ્થાપના કરી હતી. ફોર્બ્સ અનુસાર, રાહુલ ભાટિયાની વર્તમાન કુલ સંપત્તિ 6.5 બિલિયન ડોલર છે અને તેઓ વિશ્વના સૌથી ધનિક લોકોની યાદીમાં 602મા ક્રમે છે. ઇન્ડિગોના મેનેજિંગ ડિરેક્ટર હોવા ઉપરાંત રાહુલ ભાટિયા કંપનીના પ્રમોટર પણ છે.