Sun Jun 21 2026

Logo

ઇંગ્લેંડમાં રમાનારી વનડે સીરીઝ માટે ટીમ ઇન્ડિયાની જાહેરાત, બુમરાહ, વિરાટ ટીમમાં, અફઘાનિસ્તાન સામે શતક ફટકારનાર બહાર

2026-06-21 14:56:00
Author: Mumbai Samachar Team
Article Image

નવી દિલ્હી: ઇંગ્લેન્ડ પ્રવાસમાં વનડે સિરીઝ માટે બીસીસીઆઈ (BCCI) તરફથી ટીમ ઇન્ડિયાની જાહેરાત કરી દેવામાં આવી છે. વિરાટ કોહલી અને જસપ્રિત બુમરાહની વાપસી થઈ છે. પરંતુ, 20 જૂનના રોજ અફઘાનિસ્તાન સામેની વનડે મેચમાં સદી ફટકારનાર યશસ્વી જયસ્વાલને ટીમમાંથી બહાર કરી દેવામાં આવ્યા છે. 14 જુલાઈથી ઇંગ્લેન્ડ સામે વનડે સિરીઝની શરૂઆત થવાની છે.
 
વિરાટ કોહલીની થઈ વાપસી

સૌની નજર આ વાત પર ટકેલી હતી કે વિરાટ કોહલી ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝમાં રમશે કે નહીં. બીસીસીઆઈ (BCCI) એ તેમને ટીમમાં સ્થાન તો આપી દીધું છે, પરંતુ તેમનું રમવું ફિટનેસ પર નિર્ભર રહેશે. રિપોર્ટ અનુસાર, વિરાટે 22 જૂને 'સેન્ટર ઓફ એક્સેલન્સ'માં જઈને ફિટનેસ ટેસ્ટ આપવો પડશે. આઈપીએલ (IPL) 2026ની ફાઇનલમાં તેમને હેમસ્ટ્રિંગ (સ્નાયુ ખેંચાવાની) તકલીફ થઈ હતી, જેના કારણે તેમને અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાંથી બહાર રહેવું પડ્યું હતું.

ટીમ સિલેક્શનની સૌથી મોટી વાત એ છે કે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહ પણ હવે વનડે ટીમમાં પાછા ફર્યા છે. બુમરાહ છેલ્લી વાર 2023ના ક્રિકેટ વર્લ્ડ કપની ફાઇનલમાં ભારતીય ટીમ માટે 50 ઓવરની ક્રિકેટ રમ્યા હતા. ઓલરાઉન્ડર અક્ષર પટેલ પણ વનડે ટીમમાં પાછા ફર્યા છે. અક્ષર અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝમાં ટીમનો ભાગ નહોતા.

યશસ્વી જયસ્વાલ, પ્રિન્સ યાદવ અને હર્ષ દુબે પણ વનડે ટીમનો ભાગ નથી. ઓપનિંગ બેટ્સમેન યશસ્વી જયસ્વાલે શનિવારે (20 જૂન) ચેન્નાઈમાં અફઘાનિસ્તાન સામે શાનદાર 110 રન બનાવ્યા હતા. હવે વિરાટ કોહલી પાછા ફરતા જ તેમની ટીમમાંથી વિદાય થઈ ગઈ છે. યશસ્વીને કોહલી ઈજાગ્રસ્ત થવાના કારણે જ અફઘાનિસ્તાન સામેની વનડે સિરીઝ માટે ટીમમાં પસંદ કરવામાં આવ્યા હતા.

ઇંગ્લેન્ડ સામેની વનડે સિરીઝ માટે ભારતીય ટીમ

શુભમન ગિલ (કેપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ-કેપ્ટન), કે.એલ. રાહુલ (વિકેટકીપર), ઇશાન કિશન (વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, નીતિશ કુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રિત બુમરાહ, પ્રસિદ્ધ ક્રિષ્ના, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને ગુરનૂર બ્રાર

ભારતનો ઇંગ્લેંડ પ્રવાસ

  • 1 જુલાઈ: પહેલી ટી20, ચેસ્ટર લે સ્ટ્રીટ
  • 4 જુલાઈ: બીજી ટી20, માન્ચેસ્ટર
  • 7 જુલાઈ: ત્રીજી ટી20, નોટિંગહામ
  • 9 જુલાઈ: ચોથી ટી20, બ્રિસ્ટલ
  • 11 જુલાઈ: પાંચમી ટી20, સાઉથમ્પટન
  • 14 જુલાઈ: પહેલી વનડે, બર્મિંગહામ
  • 16 જુલાઈ: બીજી વનડે, કાર્ડિફ
  • 19 જુલાઈ: ત્રીજી વનડે, લોર્ડ્સ

બીજી તરફ વરૂણ ચક્રવર્તી આયર્લેન્ડ સામેની ટી20 સિરીઝમાંથી બહાર થઈ ગયા છે. વરૂણ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) ના સેન્ટર ઓફ એક્સેલન્સ (CoE) માં પોતાનું રિહેબ પૂરું કરી શક્યા નથી. ભારતીય ટીમ 26 અને 28 જૂનના રોજ આયર્લેન્ડ સામે ટી20 મેચ રમવાની છે.