Mon Sep 14 2026

Logo

હોર્મુઝની ખાડીમાં ભારે તણાવ છતાં ભારતની ઉર્જા સુરક્ષા અકબંધ: એલપીજી ભરેલું 'જગ વિક્રમ' આજે કંડલા બંદરે લાંગરશે

2026-04-14 13:40:00
Author: Mumbai Samachar Team
હોર્મુઝની ખાડીમાં ભારે તણાવ છતાં ભારતની ઉર્જા સુરક્ષા અકબંધ: એલપીજી ભરેલું 'જગ વિક્રમ' આજે કંડલા બંદરે લાંગરશે

ભુજ: અમેરિકા-ઇઝરાયલ અને ઈરાન વચ્ચે પ્રવર્તી રહેલા ભારે  તણાવ અને હોર્મુઝની ખાડીમાં સર્જાયેલી અસ્થિરતા વચ્ચે ભારતની ઉર્જા સુરક્ષા મજબૂત હોવાના શુભ સંકેતો મળી રહ્યા છે. આ વ્યૂહાત્મક સંકટ વચ્ચે ૨૦,૪૦૦ મેટ્રિક ટન લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ (એલપીજી)નો જથ્થો લઈને આવી રહેલું ભારતનું મહત્વનું જહાજ ‘જગ વિક્રમ’  ૧૪ એપ્રિલના રોજ કંડલા બંદરે લાંગરશે. દેશમાં ઇંધણનો પુરવઠો જળવાઈ રહે તે દિશામાં આ એક મોટી સફળતા માનવામાં આવી રહી છે.

હોર્મુઝની ખાડીમાં સુરક્ષાના જોખમો હોવા છતાં, છેલ્લા એક માસ દરમિયાન ગુજરાતના કંડલા, મુંદરા,વાડીનાર અને દહેજ બંદરો પર ઇંધણ ભરેલા જહાજો સુરક્ષિત રીતે પહોંચ્યા છે. પ્રાપ્ત  અહેવાલો મુજબ, કંડલા પોર્ટ પર ગત ૨૬ માર્ચે ‘MT જગ વસંત’ ૪૭,૬૦૦ મેટ્રિક ટન એલપીજી સાથે સુરક્ષિત રીતે અહીં પહોંચ્યું હતું, મુંદરા પોર્ટ પર ગત ૧૬ માર્ચે કતારથી રવાના થયેલું ‘MT શિવાલિક’ અંદાજે ૪૬,૦૦૦ મેટ્રિક ટન એલપીજી લઈને પહોંચ્યું હતું અને આ જહાજને ‘પ્રાયોરિટી બર્ધિંગ’ આપીને પ્રાથમિકતાના ધોરણે ખાલી કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત વાડીનાર પોર્ટ ખાતે ૧૭ માર્ચના રોજ ‘MT નંદા દેવી’ ૪૬,૫૦૦ મેટ્રિક ટન એલપીજી અને ‘MT જગ લાડકી’ ૮૧,૦૦૦ મેટ્રિક ટન ક્રૂડ ઓઇલનો વિશાળ જથ્થો લઈને યુદ્ધગ્રસ્ત હોર્મુઝની ખાડી પસાર કરી સફળતાપૂર્વક લાંગર્યા હતા.

બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલયના અધિક સચિવ મુકેશ મંગલે જણાવ્યું હતું કે, "હાલમાં ભારતનો ધ્વજ ધરાવતા ૧૫ જેટલા જહાજો હોર્મુઝની ખાડીમાં હોવાના અહેવાલ છે. આ તમામ જહાજો અને તેમાં સવાર ભારતીય ક્રૂ મેમ્બર્સની સુરક્ષા માટે વિદેશ મંત્રાલય સાથે સતત સંકલન સાધવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર તમામ જહાજોને સુરક્ષિત પરત લાવવા માટે કટિબદ્ધ છે."

અત્રે એ ઉલ્લેખનીય છે કે, ભારત પોતાની જરૂરિયાતનો ૯૦ ટકા એલપીજી  અખાતી દેશોમાંથી આયાત કરે છે, જે જોતાં હોર્મુઝની ખાડીનો ટ્રાન્ઝિટ રૂટ ભારત માટે કરોડરજ્જુ સમાન છે. હાલમાં કંડલા સહિતના તમામ બંદરો પર કામગીરી સામાન્ય છે અને ક્યાંય પણ ટ્રાફિક જામની સ્થિતિ નથી. દેશમાં ઇંધણની અછત ન સર્જાય તે માટે કેન્દ્ર સરકાર અને પોર્ટ ઓથોરિટી સતર્કતાપૂર્વક કામ કરી રહ્યા હોવાનું મુકેશ મંગલે ઉમેર્યું હતું. 

(ઉત્સવ વૈદ્ય)