Sat Aug 29 2026

Logo

ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અબુ ધાબીમાં ફસાયેલા 43 ભારતીય પર્યટકોની શું છે સ્થિતિ? જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ...

2026-03-04 14:57:39
Author: Mumbai Samachar Team
ઈરાન-ઈઝરાયલ યુદ્ધ: અબુ ધાબીમાં ફસાયેલા 43 ભારતીય પર્યટકોની શું છે સ્થિતિ? જાણો ગ્રાઉન્ડ રિપોર્ટ...

મુંબઈ/અબુ ધાબીઃ અમેરિકા-ઈઝરાયલના ઈરાન પરના સંયુક્ત યુદ્ધને કારણે ઈરાને યુનાઈટેડ આરબ આમિરાત (યુએઈ) સહિતના ખાડી દેશોને ટાર્ગેટ કરવામાં આવી રહ્યા છે, જેથી ત્યાં રહેલા ભારતીય નાગરિકોની સાથે પર્યટકોના જીવ અદ્ધર થઈ ગયા છે. તેમાંય વળી તાજેતરમાં 43 પ્રવાસીનું ટૂરિસ્ટ ગ્રુપ અબુ ધાબી પહોંચ્યા પછી રિટર્ન થવાનું હતું યુદ્ધને કારણે ફસાઈ પડ્યું હતું. ભારતીય પર્યટકોની વાસ્તવિકતા કેવી છે એના અંગે મુંબઈ સમાચારે જાણવાનો પ્રયાસ કર્યો હતો ત્યારે ત્યાં ફસાયેલા પર્યટકોએ અને ટૂરિસ્ટ ઓપરેટરે વર્તમાન હાલત અંગે મહત્ત્વની વાત કરતા કહ્યું હતું કે અમે સૌ સલામત છીએ, પરંતુ વહેલા ભારત પરત ફરીએ એવી અપેક્ષા રાખીએ છીએ.

અબુ ધાબીમાં ફસાયેલા પ્રવાસી પૈકી મનવીર નામના પ્રવાસીએ અહીં તમામ લોકો સુરક્ષિત હોવાની વાત કરતા જણાવ્યું કે, “અમે અહીં સુરક્ષિત છીએ, ટ્રાવેલ કંપની દ્વારા અમારું ઈમિગ્રેશન પૂર્ણ કરવામાં આવ્યું. અમને અહીં ખાણીપીણીથી લઈ રહેવા સુધીની સુવિધામાં ટૂર મેનેજમેન્ટ દ્વારા વ્યવસ્થા કરી આપવામાં આવી છે, પણ અમે હાલના સંજોગોમાં પેનિક થયા વિના સુરક્ષિત પરત ફરવાની આશા રાખીએ છીએ.

દરમિયાન અન્ય એક યુવા પર્યટકે કહ્યું હતું કે મુશ્કેલીના સંજોગોમાં અમને ઓપરેટરે તો સાચવી લીધા હતા, પરંતુ એર ઈન્ડિયા પર વિશ્વાસ કરી શકાય નહીં. અમે તો માંગ કરી છે કે અન્ય કોઈ એરલાઈન્સની ફ્લાઈટ દ્વારા પણ ભારત પરત ફરવાની સુવિધા પૂરી પાડવામાં આવે, કેમ કે આ ઘટના બાદ એર ઈન્ડિયા દ્વારા રહેવા માટે સુવિધા કરી દેવામાં આવી ન હતી. 

દરમિયાન ટૂર ઓપરેટરે સમગ્ર ઘટનાક્રમ અંગે કહ્યું કે 43 જણનું એક ગ્રુપ અબુ ધાબી પહોંચ્યું હતું. ટૂર દરમિયાન કોઈ મુશ્કેલી પડી નહોતી અને આખી ટૂર પૂરી થવાની જ હતી ત્યાં યુદ્ધ ફાટી નીકળતા દુબઈની એર સ્પેસ બંધ થઈ ગઈ હતી. એર સ્પેસ બંધ થયા મુસાફરોમાં ચિંતાનો માહોલ છવાયો હતો. પણ આવી ગંભીર પરિસ્થિતિમાં પણ મુસાફરોને સુરક્ષિત હોટેલ ખસેડ્યા હતા. અત્યારે પરિસ્થિત વિપરીત છે, પરંતુ ધીરજ રાખીને સૌને સુરક્ષિત પરત લાવીશું. 


અમે સૌને જાણ કરવા માગીએ છીએ કે તમામ 43 મહેમાન સંપૂર્ણપણે સુરક્ષિત છે અને હાલ દુબઈની હોટેલમાં રોકાયા છે. એરપોર્ટ ખાતે એરસ્પેસ હંગામી ધોરણે બંધ થવાને કારણે અમારી પરત ફરવાની ફ્લાઇટમાં વિલંબ થયો હતો તેમ છતાં, તમામ મુસાફરો સુરક્ષિત, શાંત અને એકસાથે અને સુરક્ષિત પાછા ફરીશું, એમ તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.