Wed Jun 24 2026

Logo

ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામ હોવા છતાં ભારતીય નૌસેના માર્કોસ કમાન્ડો અને હેલિકોપ્ટર સાથે અખાતી દેશોમાં પેટ્રોલિંગ ચાલુ રાખશે

2026-06-24 16:06:00
Author: Mumbai Samachar Team
Article Image

તેહરાનઃ ઈરાન-અમેરિકા વચ્ચે યુદ્ધવિરામનું એલાન થયા બાદ પણ વાતાવરણ તણાવગ્રસ્ત છે. સમગ્ર મિડલઈસ્ટ પર આની એક અસર દેખાઈ રહી છે. ઈરાન-અમેરિકા વચ્ચે સંઘર્ષ વિરામ હોવા છતાં પણ ભારતીય નૌસેના અખાતી વિસ્તારમાં પોતાની હાજરીને ઓછી નહીં કરે. ભારતીય નૌસેના પોતાની ટુકડી સાથે આ જ વિસ્તારમાં લાંબા સમય સુધી યથાવત રહેશે, આ ટુકડી યુદ્ધ સામગ્રી, હેલિકોપ્ટર તથા માર્કોસ કમાન્ડોથી સજ્જ છે. આ ટુકડીનો મુખ્ય હેતું અને અહીંયા લાંબા સમય સુધી ટકી રહેવા પાછળનું લક્ષ્યાંક ભારતીય વ્યાપારી જહાજોને સુરક્ષા પૂરી પાડવાનું છે. 

હુમલો ન થાય એ જોવાનું કામ
ખાસ કરીને તેલ, ગેસ, ક્રૂડ અને LPG જેવા મહત્ત્વના સ્ત્રોત લઈને જ્યારે જહાંજ અહીંયાથી પસાર થાય છે એ સમયે જોખમ તોળાતું રહે છે. એમના પર કોઈ પ્રકારે હુમલો ન થાય એ જોવાનું કામ ભારતીય નૌસેનાને આપવામાં આવ્યું છે, જેથી પરિવહનને વધારે સુરક્ષિત બનાવી શકાય. માત્ર અત્યારની જ વાત નથી, આવનારા સમયમાં પણ ભારતીય નૌસેના જે તે પરિસ્થિતિની સમીક્ષા કરતી રહેશે.હાલમાં સુરક્ષાના સ્તરમાં વધારો કરીને ભારતીય જહાજોને સુરક્ષા પૂરી પાડવામાં આવશે. આ પગલું ભારતીય સમુદ્રી શક્તિ તથા વૈશ્વિક જવાબદારી બન્નેને મજબૂત કરી રહ્યું છે. આ નિર્ણય ભારતની સ્વતંત્ર વિદેશનીતિ અને ઊર્જા સુરક્ષાને દર્શાવે છે. અખાતી વિસ્તારમાં વ્યાપાર ભારત માટે અતિ મહત્ત્વનો છે. આ જ રૂટ પરથી ભારતને 60 ટકાથી વધારે ક્રૂડ ઓઈલ અને ગેસનો સ્ટોક મળે છે. 

સકારાત્મક પગલું લેવાયું
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ વિરામ થતા ભારતે સુરક્ષાની દ્રષ્ટિએ એક સકારાત્મક પગલું લીધું છે, જેની જવાબદારી ભારતીય નૌસેનાને સોંપવામાં આવી છે. સતત મોનિટરિંગ અને પેટ્રોલિંગ વચ્ચેથી ભારતીય જહાજ પસાર થશે અને જોમખમુક્ત પરિવહન બનશે. સતત ડ્રોન હુમલા, સમુદ્રી લૂંટફાટ અને રાજકીય અસ્થિરતાને લઈને ભારતે આ પ્રકારની વ્યવસ્થા ઊભી કરી છે. સતત પેટ્રોલિંગથી ભારતીય નૌસેના જહાજની સ્થિતિ ઉપર પણ વૉચ રાખશે, સમગ્ર વિસ્તારમાં સ્થિરતા બનાવી રાખવા માટે પણ પ્રયાસ કરશે. ભારતીયને ઓમાનના દુક્મ અને સલાલાહ પોર્ટ પરથી લોજીસ્ટિક સપોર્ટ મળી રહેશે. આ સાથે સમુદ્રમાં ફ્લિટ ટેન્કરમાંથી ફ્યૂઅલ અને અન્ય જરૂરી સામગ્રી પણ મળી રહેશે. આમ ઓમાન પણ ભારતીય નૌસેનાને મદદરૂપ થશે. આ વ્યવસ્થા લાંબા સમય સુધી અખાતી વિસ્તારમાં પેટ્રોલિંગ યથાવત રાખવા માટે મદદરૂપ થઈ રહે છે.

નિયમિતપણે થશે પેટ્રોલિંગ
ભારત દુનિયાનો ત્રીજા નંબરનો દેશ છે જે ક્રૂડ ઓઈલની મોટી માત્રામાં આયાત કરે છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ જળમાર્ગમાંથી મોટી માત્રમાં ફ્યૂઅલ, ક્રૂડ , ગેસ અને તેલનું પરિવહન જહાજ મારફતે થાય છે.આ જળમાર્ગ પર જ્યારે પણ જોખમ ઊભું થાય છે એ સમયે સમગ્ર દેશની ફ્યૂઅસ સપ્લાયને માઠી અસર થાય છે. સપ્લાય ચેઈન ખોરવાય જાય છે. આ માટે ભારતીય નૌસેનાએ 2019થી સ્થાયી રૂપે પોતાના યુદ્ધ જહાજ તૈયાર રાખ્યા છે. અત્યારે સંકટના સમયે આ જહાજ ખૂબ જ ઉપયોગી સાબિત થઈ રહ્યા છ. ભારતીય નૌસેનાનું ઑપરેશન સંકલ્પ સમુદ્રી સુરક્ષા માટે અતિ મહત્ત્વનું ઑપરેશન છે. ઓમાનની ખાડી તથા અદનની ખાડી વિસ્તારમાં તે નિયમિત પણે પેટ્રોલિંગ કરી છે. જરૂર પડ્યે ભારતીય રજીસ્ટ્રેશન ધરાવતા અને ભારતીય ધ્વજ ધરાવતા જહાજને ભારતીય નૌસેના સપોર્ટ કરે છે,જ્યારે માર્કોસ કમાન્ડો સતત કોઈને કોઈ ઝુંબેશ માટે અને મેગા ઑપરેશન માટે તૈયાર હોય છે. 

2019થી ચાલતું મિશન
ઑપરેશન સંકલ્પ 2019થી સતત ચાલતું આવતું મિશન છે. જે સ્ટ્રેટ ઓફ હોર્મુઝ અને અરબ સાગરના ઉત્તરીય વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા સંભાળે છે. પેટ્રોલિંગ કરે છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધના કારણે ભારતીય નૌસેનાએ પોતાની ઉપસ્થિતિ ત્યાં વધારી દીધી હતી, નૌસેનાએ પોતાની ટીમમાં પણ વધારો કર્યો હતો. હાલ યુદ્ધ ચાલું નથી છતાં પણ સ્થિતિ સંપૂર્ણ રીતે કાબુમાં નથી. સતત જોખમ તોળાઈ રહ્યું છે. આ માટે ભારતીય નૌસેનાને વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે. આ યુદ્ધ જહાજ તમામ યુદ્ધ સામગ્રી અને વિમાનને લેન્ડ કરાવી શકાય એવી તૈયારીઓ સાથે સજ્જ છે. ખાસ કરીને રાત્રીના સમયે પેટ્રોલિંગ કરવા માટે જહાંજ સંપૂર્ણ રીતે સજ્જ છે.