`લેડી ઓફ જસ્ટિસ' - ન્યાય દેવીની મૂર્તિની આપણે `કાયાકલ્પ' કરી અને વધુ બળુકી બનાવી છે, પણ ન્યાયની ક-સુવાવડને લીધે આરોપી ઠરેલી કોઈ વ્યક્તિ પાછળથી નિર્દોષ પુરવાર થાય તો કારાવાસમાં એણે વ્યર્થ જે સમય ગુમાવ્યો અને બદનામી સાથે જે આર્થિક ખુવારી વેઠી એનું વળતર મળે ખરું...? કાયદાશાસ્ત્રીઓ શું કહે છે...
ક્લોઝ અપ - ભરત ઘેલાણી
આપણે બધા જેને `ન્યાયની દેવી' તરીકે ઓળખીએ છીએ એની પ્રતિમાના એક હાથમાં ત્રાજવું છે, જેનાંથી એ કોણ સાચું-ખોટું એનો ન્યાય તોળે છે. બીજા હાથમાં ધારદાર તલવાર છે, જે ન્યાય કેવો શક્તિશાળી છે એ દર્શાવે છે. એ ન્યાયની નારીની આંખો પર પાટો બાંધ્યો છે, જે સમજાવે છે કે એની નજરે રાજા-રંક બધા એકસરખા છે.
જગત આખામાં ન્યાયની મૂર્તિ આવી છે, પણ આપણા ન્યાયતંત્રે એમાં નોંધનીય ફેરફાર કર્યા છે. આપણી સ્વદેશી ન્યાયમૂર્તિની આંખે પાટા નથી, જે દર્શાવે છે કે આપણો ન્યાય આંધળો નથી. એ જ રીતે એના હાથની તલવાર દૂર કરી ત્યાં આપણું સંવિધાન-બધારણનો ગ્રંથ ગોઠવવામાં આવ્યો છે, જે દર્શાવે છે કે ન્યાય માટે આ દેશમાં બધાને સમાન હક્ક આપવામાં આવ્યા છે.
ન્યાયમૂર્તિની આ કાયાપલટ આજના સમયમાં યર્થાથ છે. આપણું ન્યાયશાસ્ત્ર કહે છે કે સાત ગુનેગાર ભલે છૂટી જાય, પણ એક નિર્દોષને ખોટી રીતે સજા ન થવી જોઈએ, પણ વાસ્તવિકતા શું છે ?
વાસ્તવિકતા વરવી-કડવી છે. કોવિડ લોકડાઉનને લીધે આપણી અદાલતોમાં આજે અધધધ પાંચ કરોડથી વધુ પડતર કેસ છે! હા, આજે અગત્યના કેસોનું ઓનલાઈન હિયરિગ પણ શરૂ થયું છે, પણ આજે માર્ચ-2026માં,ખુદ સુપ્રીમ કોર્ટ પાસે 90 હજારથી વધુ કેસ પેન્ડિંગ છે. આ કેસના આવા ભરાવાને અંકુશમાં લેવા હમણા ખુદ સર્વોચ્ચ અદાલતે જાહેર કરવું પડયું કે અમારા પર કેસોનું ભારણ ખૂબ વધી ગયું છે એટલે બીજાં નવા કેસ અમે લઈ શકીએ તેમ નથી..!
બીજી તરફ, દેશભરની ન્યાયાલયોના આશરે 23 લાખ કેસમાં તો છેલ્લાં 13-14 વર્ષથી `તારીખ પે તારીખ' પડયા કરે છે. દહેરાદૂનના એક છેતરપિંડીના કિસ્સામાં નવ વર્ષથી કેસ ચાલી રહ્યો છે. એમાં 83 વાર તો કોર્ટની મુદત પડી છે તો અહી એક કેસ 38 વર્ષથી પેન્ડિંગ છે અને 24થી વધુ એક કેસ તો છેલ્લાં 30 વર્ષથી પડતરમાં છે !
`જસ્ટિસ ડિલેડ ઇસ જસ્ટિસ ડિનાઈડ' - મોડો ચૂકાદો મળે એ અન્યાય થવા બરાબર છે જેવી વાત આપણે ત્યાં બહુ ગંભીરતાથી લેવાતી નથી. કેટલીક વાર એવી પણ કરુણતા સર્જાય છે કે લાંબી સુનાવણી પછી ચુકાદો આવે-અપરાધીને જેલ થાય. પાછળથી કોઈક કારણસર એનો કેસ ફરી ચાલે ત્યારે ખ્યાલ આવે કે અગાઉ કશુ કાચું કપાઈ ગયું હતું એટલે એને `બા-ઈજ્જત રિહા કિયા જાય...' જેવું ફરમાન કોર્ટ આપે ત્યાં સુધીમાં તો પેલો `કેદી' ઊર્ફે નિર્દોષે તો કેટલાંય વર્ષ જેલમાં વીતાવી દીધા હોય!
આ 2025 -2026 ના માર્ચ મહિના સુધીમાં આવા અનેક કેસ બહાર આવ્યા છે. એમાંથી કેટલાકની વિગતો તો આપણને આંચકા આશ્ચર્ય સાથે દિગ્મૂઢ કરી દે એવી છે, જેમકે...
ગયા અઠવાડિયે જ જેનો ચુકાદો આવ્યો એ કેસથી શરૂઆત કરીએ તો પુત્રીના પ્રેમીની હત્યા કરી એની લાશ ટે્રનમાંથી ફગાવી દેવાના આરોપસર એક પરિવારના પાંચ લોકોની ધરપકડ થઈ હતી. થાણે મહારાષ્ટ્રનો આ કેસ 2018થી ચાલતો હતો. હવે પૂરતા પૂરાવાના અભાવે કોર્ટે એ પાંચેય આરોપીને નિર્દોષ છોડી દીધા છે...
કૂચબિહાર (પશ્ચિમ બંગાળ)માં જીવતાં સળગાવી મૂકવાના આરોપ પછી પત્નીએ મરણોત્તર આપેલા પોલીસ નિવેદન મુજબ એના પતિને આજન્મ કેદની સજા થઈ હતી. 10 વર્ષથી એ કેદ ભોગવી રહ્યો હતો.
પત્નીનું મરણોત્તર નિવેદન શંકાસ્પદ જણાતા ગયા અઠવાડિયે કલકત્તા હાઈ કોર્ટે કેદ ભોગવી રહેલા પતિને નિર્દોષ જાહેર કર્યો છે...
આ બધા તાજા કેસોની એક ઝલક માત્ર છે... આવા જ એક અગત્યના ચુકાદામાં મુંબઈ હાઈ કોર્ટે પાકિસ્તાન માટે જાસૂસી કરવાના આરોપસર 7 વર્ષથી જેદ ભોગવી રહેલા બ્રહ્મોસ કેન્દ્રના એક યુવાન વિજ્ઞાની નિશાંત અગ્રવાલને નિર્દોષ મુકત કર્યો છે. સેજલ નામધારી એક પાકિસ્તાની સુંદરીએ આ વિજ્ઞાનીને હનીટે્રપ દ્વારા ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.
ગયા ડિસેમ્બરમાં એક વધુ કેસમાં એક આરોપીને 33 વર્ષ બાદ મુક્તિ મળી છે. છેક 1992માં મુંબઈની એક લૂંટ કેસમાં રજનીકાન્તને આરોપી ઠેરવીને કેસ ચાલી રહ્યો હતો, પણ પોલીસ અને સરકારી પક્ષ જોઈતા પૂરાવા પેશ ન કરી શક્યાં પરિણામે મુંબઈ સેશન કોર્ટે એને નિર્દોષ કરાર આપ્યો છે...
જેલમાં લાંબી સજા ગાળ્યા પછી નિર્દોષ છૂટે એવો એક કેસ મુંબઈનો છે. એમાં એક સગીરા સાથે દુષ્કર્મ કરવા બદલ 55 વર્ષની એક વ્યક્તિને સજા થઈ. 8 વર્ષ એણે કારાવાસમાં કાઢ્યા પછી એ કેસની ફરી સુનાવણી થઈ એમાં દુષ્કર્મનો આરોપ પૂરવાર ન થતાં પેલી વ્યક્તિનો જેલમાંથી છૂટકારો થયો...
આવા જ એક કેસને લઈને કેરળમાં ભારે ઊહાપોહ થયો હતો, કારણ કે એક જાણીતી અભિનેત્રીનું અપહરણ અને બળાત્કારના આરોપસર મલયાલમ ફિલ્મોના એક પ્રસિદ્ધ અભિનેતા દિલીપની ધરપકડ થઈ પછી 8 વર્ષથી એ કેસ ચાલી રહ્યો હતો. ડિસેમ્બર -25ના કેરળ કોર્ટે દિલીપને બધા જ આરોપમાંથી મુક્તિ આપી છે.
અહીં તો આપણે 2025 -26ના તાજા કેસોની વિગતો જાણી. બાકી આવા તો બીજા અનેક વિવાદાસ્પદ કેસો અહીં ઉખેળી શકાય, પણ અંતે તો એક જ સવાલ-પ્રશ્ન ખડો થાય
ન્યાયની આવી ક-સુવાવડ માટે અંતે જવાબદાર કોણ? આરોપી પર કેસ દાખલ કરી એને કારાવાસમાં ધકેલી દેનારા કાયદાના રક્ષક કે પછી કાચબાની ગતિએ કેસ ચલાવી એને સજા ફટકારનારું ન્યાયાલય?
લાંબો કારાવાસ ભોગવ્યા પછી આસામી બહાર આવે `નિર્દોષ`નો શિરપાવ મળે તોય જેલવાસ દરમિયાન સમાજમાં પ્રતિષ્ઠા ગુમાવી દેવા ઉપરાંત એ આર્થિક રીતે પણ ખુવાર થઈ ગયો હોય છે. આવા `નિર્દોષ' અપરાધીને કોઈ વળતર મળે ખં ?
આનો જવાબ બહુ પેચીદો છે. અનેક જાણીતા ન્યાયવિદો કહે છે કે સુનાવણીમાં અતિ વિલંબ થાય પછી પ્રતિવાદી સામેના આક્ષેપો પડતા મૂકાય કે પછી જો એ જેલમાં હોય અને મુક્તિ મળે તો એને ન્યાયાલયે જરૂર આર્થિક વળતર આપવું જોઈએ. આવા કિસ્સા માટે જરૂર છે કોઈ ચોક્કસ કાયદાની..
જો કે કેટલાક જાણીતા કાયદા નિષ્ણાતો કહે છે કે વળતરના આવા કોઈ નવા ચોક્કસ કાયદાની આપણે જરૂર નથી. આવા કિસ્સામાં કેટલીક વાર નામદાર ન્યાયમૂર્તિ કેસની ગંભીરતા જોઈને સામેથી યોગ્ય વળતર અપાવતા જ હોય છે
-અને છેલ્લે એક વાત તો એ પણ યાદ રાખવા જેવી છે કે કાયદો અને ન્યાય એ બન્ને સદંતર ભિન્ન વાત ને પ્રક્રિયા છે!
`તારીખ પે તારીખ' ને પછી.
આપણું ન્યાયતંત્ર કયારેક કઈ રીતે વર્તે છે એના પણ બે-ત્રણ નમૂનારૂપ કિસ્સા જાણવા જેવા છે, જેમકે...
મહારાષ્ટ્ર ગ્રામ્ય વિકાસ વિભાગના એક અધિકારી આનંદરાવ પાટીલ પર રૂપિયા 500ની લાંચ લેવાના આરોપસર છેક 2002થી કેસ ચાલી રહ્યો હતો. પાટીલભાઉ આ દરમિયાન અવસાન પામ્યા, પણ એમના પર લાગેલું ભ્રષ્ટાચારનું લાંછન દૂર કરવા એના પરિવારવાળા આ કેસ લડી રહ્યા હતા અને હવે હાઈ કોર્ટે એમને નિર્દોષ જાહેર કર્યા છે.
છેક 23 વર્ષ બાદ !
અમદાવાદના એક પોલીસ કેન્સ્ટેબલ બાબુભાઈ પ્રજાપતિ પર રૂપિયા 20ની લાંચ લેતા ઝડપાયાનો કેસ ચાલ્યો. 7 વર્ષની સજા થઈ. એની વિદ્ધ એ ગુજરાત હાઈ કોર્ટમાં ગયા. એ કેસ છેલ્લાં 28 વર્ષથી ચાલી રહ્યો હતો. એનાથી થાકેલા કંટાળેલા વૃદ્ધ બાબુભાઈ કહેતા : `હવે ભગવાન બોલાવી લે તો સાં ...' હમણાં ફેબ્રુઆરીમાં કોર્ટે એમને નિર્દોષ જાહેર કર્યા અને બસ, જાણે એ જ ચુકાદાની રાહ જોતા હોય તેમ ચુકાદાના બીજે જ દિવસે એમણે શ્વાસ સંકેલી લીધા !
હવે આ પણ જાણી લો કે બે શખસ પર મુંબઈમાં રૂપિયા 7.65 પૈસાની ચોરીના આરોપ હતો. એ બન્ને આરોપી ગાયબ હતા. પોલીસ એમને શોધી ન શકી. 1977થી એનો કેસ ચાલતો હતો. `તારીખ પે તારીખ' પડતી રહી. એ દરમિયાન ફરિયાદીનું પણ પગેં મળતું નહતું. છેલ્લે પોલીસ અને મઝગાંવ કોર્ટે કંટાળીને 50 વર્ષથી ચાલતા આ કેસને બંધ કરવાનો કરવાનો નિર્ણય હમણાં જાહેર કર્યો છે !