ગાંધીનગરઃ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ ટિચર્સ એજ્યુકેશનનું નવું અદ્યતન ભવન ગાંધીનગરમાં નિર્માણ પામશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રૂ.127 કરોડના અંદાજિત ખર્ચે નિર્માણ થનારા આ નૂતન ભવનનું ભૂમિપૂજન શિક્ષણ મંત્રી પ્રદ્યુમનભાઈ વાજા તથા રાજ્ય મંત્રીઓ ત્રિકમભાઈ છાંગા અને રિવાબા જાડેજાની ઉપસ્થિતિમાં કર્યુ હતું.

હશે આવી સુવિધાઓ
આ નવા ભવનમાં એકેડેમિક બિલ્ડિંગ, આધુનિક સાયન્સ લેબ તથા સેમીનાર રૂમ તેમજ સ્ટેટ ઓફ આર્ટ લાયબ્રેરી અને મ્યુઝીયમ જેવી સુવિધાઓ ઉપરાંત વિવિધ રમતો માટે પ્લે ગ્રાઉન્ડ, આધુનિક સુવિધાઓ સાથેની 600થી વધુ ભાઈઓ તથા બહેનોને સમાવી શકાય તેવી હોસ્ટેલનું બાંધકામ હાથ ધરાશે.

આ ભારતીય શિક્ષક શિક્ષણ સંસ્થાનની સ્થાપના સમાજને ઉત્તમ શિક્ષકો મળે તે હેતુસર વડાપ્રધાન નરેન્દ્રઈ મોદીના આગવા વિઝનથી કરવામાં આવેલી છે.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમન વાજાએ જણાવ્યું હતું કે, આજે માત્ર ભવન કે મકાન નિર્માણની શરૂઆત નથી થઈ, પરંતુ ભારતના ભવિષ્યના ઘડતરમાં અમૂલ્ય યોગદાન આપનારા ઉત્તમ શિક્ષકોના નિર્માણના એક નવા યુગની શરૂઆત થઈ છે. ભારત માત્ર સામાન્ય શિક્ષકો જ નહીં, પણ 'રાષ્ટ્ર નિર્માતા' શિક્ષકો તૈયાર કરીને વૈશ્વિક સ્તરે અગ્રણી ભૂમિકા ભજવે અને વિદેશોમાં પણ શ્રેષ્ઠ શિક્ષકો પૂરા પાડે, તેવા ભગીરથ દ્રષ્ટિકોણને આ સંસ્થા આજે નવી ઊંચાઈએ લઈ જઈ રહી છે.
શિક્ષણ મંત્રી વાજાએ જણાવ્યું હતું કે, વિશ્વકક્ષાના શિક્ષકો તૈયાર કરવા માટે વૈશ્વિક સ્તરની સંસ્થા સ્થાપવાના ઉદ્દેશ સાથે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દુરંદેશી વિચારથી વર્ષ-2010માં આ વિશિષ્ટ વિશ્વવિદ્યાલયની સ્થાપના કરવામાં આવી હતી. સંસ્થાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા રૂ. 127 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે. આ ગ્રાન્ટ અંતર્ગત કેમ્પસમાં નવા એકેડેમિક અને ફેકલ્ટી બિલ્ડિંગ, અદ્યતન વર્ગખંડો, આધુનિક વિજ્ઞાન પ્રયોગશાળાઓ, સેમિનાર હોલ, સ્ટેટ-ઓફ-ધ-આર્ટ લાઇબ્રેરી, મ્યુઝિયમ તેમજ રમત-ગમતની ઉત્કૃષ્ટ સુવિધાઓ ઊભી કરાશે. આ ઉપરાંત, અંદાજે 600થી વધુ વિદ્યાર્થીઓ માટે તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ હોસ્ટેલનું નિર્માણ પણ કરવામાં આવશે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય શિક્ષણ નીતિ -NEP-2020ના અસરકારક અમલીકરણમાં ગુજરાત દેશભરમાં અગ્રેસર રહ્યું છે. આ નવી શિક્ષણ નીતિ બહુ-વિષયક શિક્ષણ, સંશોધન, ઇનોવેશન અને કૌશલ્ય આધારિત અભ્યાસક્રમ પર વિશેષ ભાર મૂકે છે. આ જ દિશામાં આગળ વધતા, IITE ને હવે એક 'મલ્ટીડિસિપ્લિનરી યુનિવર્સિટી' તરીકે વિકસાવવામાં આવી રહી છે. જે અંતર્ગત વિવિધ જ્ઞાન શાખાઓના સંકલન સાથે સર્વગ્રાહી શિક્ષણ અને સંશોધનને પ્રોત્સાહન આપતી સાત નવી 'યુનિવર્સિટી સ્કૂલ્સ' ની રચના કરવામાં આવી છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શિક્ષણ એ સમાજ અને રાષ્ટ્રના વિકાસનું સૌથી શક્તિશાળી માધ્યમ છે અને શિક્ષક વર્ગખંડમાંથી જ રાષ્ટ્રનું નિર્માણ કરે છે. આજે જે ઇમારતનો શિલાન્યાસ કરવામાં આવ્યો છે, તે માત્ર સિમેન્ટ-કોંક્રિટનું માળખું નથી, પરંતુ 'વિકસિત ગુજરાત' થી 'વિકસિત ભારત' ના ઉજ્જવળ ભવિષ્યની એક મજબૂત આધારશિલા છે.
આ પ્રસંગે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના દાર્શનિક વિચાર સાથે સ્થપાયેલી આ યુનિવર્સિટી માત્ર અક્ષરજ્ઞાન આપવા પૂરતી સીમિત નથી, પરંતુ શિક્ષણ ક્ષેત્રે નવું ચિંતન અને સંશોધન લાવી આધુનિક ગુજરાત અને આધુનિક ભારતના નિર્માણમાં પાયાની ભૂમિકા ભજવે છે. નવી શિક્ષણ નીતિ – NEP 2020ના વ્યાપક અમલીકરણ વચ્ચે, આ યુનિવર્સિટી આગામી દિવસોમાં દેશભરમાં શિક્ષણના આચાર, વિચાર અને વ્યવહારમાં આમૂલ પરિવર્તન લાવી એક અગત્યનું સ્થાન પ્રાપ્ત કરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.