ભારતે મહિલા વર્લ્ડ કપમાં પાકિસ્તાનને હાઈએસ્ટ માર્જિનથી કચડી નાખ્યું
બર્મિંગમઃ ભારતની મહિલા ટી-20 ટીમે અહીં રવિવારે કટ્ટર હરીફ પાકિસ્તાનની ટીમને આ ફોર્મેટમાં વિક્રમજનક 64 રનથી હરાવીને એને વર્લ્ડ કપના ઇતિહાસમાં વધુ એક નાલેશી તરફ મોકલી હતી. ટી-20 વિશ્વ કપ (T20 WC)માં ભારત હવે પાકિસ્તાન કરતાં 7-2થી આગળ છે. બૅટિંગમાં ઓપનર સ્મૃતિ મંધાના (68 રન, 44 બૉલ, બે સિક્સર, નવ ફોર) અને બોલિંગમાં સ્પિનર દીપ્તિ શર્મા (4-0-10-5)નો દમદાર અને રેકૉર્ડ-બ્રેક પર્ફોર્મન્સ હતો. દીપ્તિના સ્પિન સામે પાકિસ્તાની બેટર્સ પાસે કોઈ જવાબ નહોતો. સચિન તેંડુલકર અને ઈરફાન પઠાણ સહિત અનેક ભારતીય ખેલાડીઓએ ભારતીય મહિલા ટીમને આ વિજયી શરૂઆત બદલ સોશ્યલ મીડિયામાં હાર્દિક અભિનંદન આપ્યા છે.
દીપ્તિએ કોનો વિશ્વવિક્રમ તોડ્યો, જાણી લો...
દીપ્તિ શર્માએ ટી-20 ઇન્ટરનેશનલમાં કુલ 166 વિકેટ લીધી છે. આ નવો વર્લ્ડ રેકોર્ડ છે. દીપ્તિએ થાઈલૅન્ડની થિપાચા પુથવૉન્ગનો 165 વિકેટનો અને મુખ્ય ક્રિકેટ દેશોની જ વાત કરીએ તો ઑસ્ટ્રેલિયાની મેગન શટનો 152 વિકેટનો વિશ્વવિક્રમ તોડી નાખ્યો છે. દીપ્તિએ આ અનેરી સિદ્ધિ બર્મિંગમમાં વિક્રમજનક ક્રાઉડની હાજરીમાં મેળવી હતી. આ મૅચ દરમ્યાન સ્ટેડિયમમાં પ્રેક્ષકોની સંખ્યા 18,814 હતી. મહિલાઓના ટી 20 વર્લ્ડ કપની એક મૅચનું આ હવે રેકૉર્ડ-બ્રેક ક્રાઉડ છે. એ સાથે હવે 15,935ના ક્રાઉડનો 2024ની દુબઈની મૅચનો રેકૉર્ડ તૂટી ગયો છે.
દીપ્તિનો ભારતીય વિક્રમ સાથે સપાટો
પ્લેયર ઑફ ધ મૅચ દીપ્તિએ વિક્રમજનક બોલિંગમાં પહેલાં બે ઓવરમાં બે વિકેટ લીધી હતી અને મૅચની આખરી બનેલી 17મી ઓવરમાં પાંચ બૉલમાં આખરી ત્રણ વિકેટ લઈ લીધી હતી. 10 રનમાં પાંચ વિકેટ એ હવે દીપ્તિનો ભારતીય વિક્રમ છે. તેણે રેણુકા ઠાકુર 5/15 અને પ્રિયંકા રૉય 5/16નો વિક્રમ તોડ્યો છે.
હરમનપ્રીતે ફાતિમા સાથે હાથ મિલાવવાનું ટાળ્યું
બન્ને કૅપ્ટન વચ્ચે ધાર્યા મુજબ `નો હૅન્ડશેક'ની નીતિ ચાલુ રહી હતી. જોકે હરમનપ્રીતે હરીફ સુકાની ફાતિમા સના સાથે ટૉસ વખતે હાથ મિલાવવાનું ટાળ્યું એમ કહીએ તો પણ ખોટું નથી.
શ્રી ચરનીની ત્રણ વિકેટ
પાકિસ્તાન 171 રનના લક્ષ્યાંક સામે 106 રનમાં ઑલઆઉટ થઈ ગઈ હતી. બીજી સ્પિનર શ્રી ચરનીએ ત્રણ અને શેફાલી વર્માએ એક વિકેટ મેળવી હતી. વિકેટકીપર ઓપનર મુનીબા અલીના 41 રન ટીમમાં હાઇએસ્ટ હતા. પાકિસ્તાન વર્લ્ડ કપમાં 10 વર્ષથી ભારત સામે નથી જીત્યું એ જોતાં આ મૅચમાં પણ ભારત જીતવા ફેવરિટ હતું.
ભારતે 171 રનનો ટાર્ગેટ આપ્યા બાદ પાકિસ્તાન (Pakistan)ની 10 ઓવરમાં 72 રનના સ્કોર સુધીમાં ત્રણ વિકેટ લઈ લીધી એને પગલે ફાતિમા સનાની ટીમ પ્રેશરમાં આવી ગઈ હતી. ભારતને પાકિસ્તાની ખેલાડીઓને વધુ માનસિક દબાણમાં લાવીને આ મૅચ જીતવાની સારી તક હતી અને એવું જ બન્યું હતું.
Deepti now has the most wickets in T20Is. pic.twitter.com/GvSR1Z9R4t
— lightningspeed (@lightningspeedk) June 15, 2026
સ્મૃતિનો ભારતીય વિક્રમ
એ પહેલાં, ભારતે બૅટિંગ પસંદ કરીને છ વિકેટે 170 રન કર્યા હતા. સ્મૃતિ મંધાના ભારત વતી ટી-20માં સૌથી વધુ સિક્સર ફટકારવાનો હરમનપ્રીતનો રેકૉર્ડ તોડી નાખ્યો છે. હરમનની 86 સામે હવે મંધાનાની 87 સિક્સર છે. ભારતની ઇનિંગ્સમાં હરમનપ્રીત કૌર (36 રન, 35 બૉલ, ચાર ફોર) અને વિકેટકીપર રિચા ઘોષ (34 રન, 17 બૉલ, એક સિક્સર, પાંચ ફોર)ના પણ મહત્વના યોગદાન હતા. વન-ડે વર્લ્ડ કપની સુપરસ્ટાર સ્પિન ઑલરાઉન્ડર દીપ્તિ શર્મા 12 રન બનાવીને અણનમ રહી હતી. સાદિયા અને કૅપ્ટન ફાતિમા સનાએ બે-બે વિકેટ લીધી હતી.
વર્લ્ડ કપમાં કોણે કોને હરાવ્યું? આજે રેસ્ટ ડે
ઉલ્લેખનીય છે કે આ મૅચ પહેલાં ઇંગ્લૅન્ડનો શ્રીલંકા સામે, સ્કૉટલૅન્ડનો આયરલૅન્ડ સામે, ઑસ્ટ્રેલિયાનો સાઉથ આફ્રિકા સામે, વેસ્ટ ઇન્ડિઝનો ન્યૂ ઝીલૅન્ડ સામે અને બાંગ્લાદેશનો નેધરલૅન્ડ્સ સામે વિજય થયો હતો. આજે વર્લ્ડ કપમાં આરામનો દિવસ છે. ભારતની હવે બુધવારે નેધરલેન્ડ્સ સામે મૅચ રમાશે.