Thu Jun 18 2026

Logo

દેશમાં હોળી પહેલા જ ગરમીનો પારો ઉંચકાયો: ગુજરાત સહિત અનેક રાજ્યોમાં IMDની એલર્ટ

2026-02-28 09:58:00
Author: Tejas Rajpara
Article Image

અમદાવાદ: દેશમાં હજુ હોળીના તહેવારની તૈયારીઓ ચાલી રહી છે ત્યાં જ કુદરતે પોતાનો મિજાજ બદલ્યો છે. ઉત્તરથી લઈને પશ્ચિમ ભારત સુધીના રાજ્યોમાં અત્યારથી જ ઉનાળા જેવો અહેસાસ થવા લાગ્યો છે. મોટાભાગના વિસ્તારોમાં તાપમાન સામાન્ય કરતા ઘણું ઊંચું નોંધાઈ રહ્યું છે. હવામાન વિભાગ (IMD) એ તાજેતરમાં એક પૂર્વાનુમાન જાહેર કર્યું છે કે માર્ચના પ્રથમ સપ્તાહમાં જ ઉત્તર-પશ્ચિમ ભારતના મેદાની વિસ્તારોમાં કાળઝાળ ગરમી પડી શકે છે, જ્યાં તાપમાન સામાન્ય કરતાં 3થી 5 જેટલું વધારે રહેવાની શક્યતા છે.

ગુજરાત અને પડોશી રાજ્યોમાં તાપમાન વધશે

હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આગામી એક સપ્તાહમાં દિલ્હી, પંજાબ, હરિયાણા અને રાજસ્થાન સહિતના રાજ્યોમાં પારો ધીમે-ધીમે 2 થી 4 સુધી વધી શકે છે. ખાસ કરીને ગુજરાત માટે ચિંતાજનક સમાચાર છે, કારણ કે 4 અને 5 માર્ચના રોજ રાજ્યના કેટલાક ભાગોમાં ભારે ગરમીની સાથે અસહ્ય ઉકળાટ (હ્યુમિડિટી) અનુભવાઈ શકે છે. આ સિવાય મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશમાં પણ વીકેન્ડ સુધીમાં તાપમાનમાં મોટો ઉછાળો જોવા મળશે, જેના કારણે ફેબ્રુઆરીના અંતમાં જ મે મહિના જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.

જ્યારે ઉત્તર ભારતમાં ગરમી હજુ પગપેસારો કરી રહી છે, ત્યારે દક્ષિણ અને મધ્ય ભારતના શહેરોમાં અત્યારથી જ ભઠ્ઠી જેવી ગરમી શરૂ થઈ ગઈ છે. સ્કાઈમેટ વેધરના રિપોર્ટ મુજબ, ઇરોડ, સેલમ, મદુરાઈ અને અનંતપુર જેવા શહેરોમાં તાપમાન 37 સુધી પહોંચી ગયું છે. આ તરફ મહારાષ્ટ્રના અકોલા અને ગુજરાતના રાજકોટમાં પણ પારો 37 ને સ્પર્શી ગયો છે. રાજસ્થાનના સરહદી વિસ્તારો જેવા કે બાડમેર અને ફલોદીમાં પણ ગરમીની તીવ્રતા વધી રહી છે, જે માર્ચના બીજા પખવાડિયામાં વધુ વિકરાળ બને તેવી શક્યતા છે.

દેશની રાજધાની દિલ્હીમાં આગામી દિવસોમાં આકાશ ચોખ્ખું રહેશે અને વરસાદની કોઈ સંભાવના નથી, જેના કારણે મહત્તમ તાપમાન 34 સુધી પહોંચી શકે છે. જોકે, મેદાની વિસ્તારોમાં જ્યારે ગરમી વધી રહી છે, ત્યારે હિમાલયના પહાડી વિસ્તારોમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાને કારણે થોડી રાહત મળી શકે છે. 3 અને 4 માર્ચ દરમિયાન જમ્મુ-કાશ્મીર અને પશ્ચિમ હિમાલયના વિસ્તારોમાં હળવો વરસાદ અથવા હિમવર્ષા થવાની શક્યતા છે, જે ગરમીના આક્રમણને થોડા અંશે રોકી શકે છે.