અમદાવાદઃ ભારતીય ક્રિકેટ ટીમ સતત બીજી વખત ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં પહોંચી ગઈ છે અને એમાં રવિવારે (સાંજે 7.00 વાગ્યાથી) અમદાવાદમાં ન્યૂ ઝીલૅન્ડ સામે થનારા જંગ પહેલાં ભારતીય ટીમ આ ટૂર્નામેન્ટમાં (ખાસ કરીને છેલ્લી બે મૅચમાં) પોતાનામાં રહેલી ખામીઓ વિશે સમીક્ષા કરશે અને એમાં જો પ્લેઇંગ-ઇલેવન નક્કી કરવામાં આવશે તો એમાં વરુણ ચક્રવર્તીના સ્થાને ઑલરાઉન્ડર વૉશિંગ્ટન સુંદરને લેવા પર ટીમ મૅનેજમેન્ટ વિચાર કરશે એવું લાગે છે. આમ તો ઓપનર અભિષેક શર્મા પણ હાલમાં ટીમ માટે બોજ બની ગયો છે એટલે તેને પણ રવિવારે રમવા મળશે કે કેમ એ વિશે અટકળો ચાલે છે. જોકે એવું પણ લાગે છે કે બન્નેને ફરી એક વખત મોકો અપાશે.
ભારત (India) ટી-20માં વર્લ્ડ નંબર-વન છે. લેફ્ટ-હૅન્ડ ઓપનર અભિષેક શર્મા (Abhishek Sharma) ટી-20 આંતરરાષ્ટ્રીયના બૅટ્સમેનોમાં વર્લ્ડ નંબર-વન છે, જ્યારે સ્પિનર અને ખાસ કરીને લેગબ્રેક ગૂગલી માટે જાણીતો વરુણ ચક્રવર્તી (Varun Chakravarthy) હાલમાં ટી-20ના બોલર્સમાં વિશ્વનો નંબર-વન છે. આ બન્ને ખેલાડી હાલમાં ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ-ઇલેવનમાં ગમે એમ કરીને સ્થાન મેળવી રહ્યા છે. અગાઉ આવું કદાચ ક્યારેય કોઈ દેશની ટીમની બાબતમાં નહીં બન્યું હોય.
વર્લ્ડ કપમાં બન્ને નંબર-વનના પર્ફોર્મન્સ
અભિષેક શર્મા આ વર્લ્ડ કપમાં 90 ટકા ફ્લૉપ રહ્યો છે. શરૂઆતની ત્રણેય મૅચમાં તેના નામે શૂન્ય હતા. માત્ર 26મી ફેબ્રુઆરીએ ચેન્નઈમાં ઝિમ્બાબ્વે સામેની સુપર-એઇટ મૅચમાં તેણે જે પંચાવન રન કર્યા હતા એ બદલ એ જીતમાં તેનું સારું યોગદાન હતું. આખી ટૂર્નામેન્ટમાં તેના રન આ મુજબ રહ્યાઃ 0, 0, 0, 15, 55, 10 અને 9 રન. અભિષેકે આ વર્લ્ડ કપમાં સાત મૅચમાં કુલ માત્ર 89 રન કર્યા છે.
સ્પિનર વરુણ ચક્રવતીને આ વર્લ્ડ કપમાં તમામ આઠ મૅચ રમવા મળી છે જેમાં તેણે કુલ માત્ર 13 વિકેટ લીધી છે. તેણે બે વખત ત્રણ વિકેટ લીધી છે અને એ બે મૅચ નામિબિયા તથા નેધરલૅન્ડ્સ સામે રમાઈ હતી. પાકિસ્તાન સામે તેણે બે વિકેટ લીધી હતી, પરંતુ બાકીની તમામ પાંચ મૅચમાં તે માત્ર એક-એક વિકેટ લઈ શક્યો છે. તેનો બોલિંગ પર્ફોર્મન્સઃ 1/24, 3/7, 2/17. 3/14, 1/47, 1/35, 1/40 અને 1/64.
વરુણની 13 વિકેટ ભારતીયોમાં હાઇએસ્ટ
વરુણ ચક્રવર્તીએ ગુરુવારે વાનખેડેમાં ઇંગ્લૅન્ડ સામે એક વિકેટ 64 રનમાં લીધી હતી. તેણે એ એકમાત્ર વિકેટ ઓપનર જૉસ બટલરની લીધી હતી અને વાસ્તવિકતા એ છે કે બટલર હાલમાં જરાય ફૉર્મમાં નથી એટલે તેની આસાન વિકેટ વરુણે લીધી હતી. જોકે એક સ્વીકારવા જેવી વાત એ છે કે વરુણે આ વર્લ્ડ કપમાં જે કુલ 13 વિકેટ લીધી છે એ ભારતના બોલર્સમાં સૌથી વધુ છે.
અમેરિકાના શૅડ્લી વૅન સ્કૉલવીક અને ઝિમ્બાબ્વેના બ્લેસિંગ મુઝરબાનીની પણ 13-13 વિકેટ છે. આ ત્રણેય બોલર હાલમાં આ ટૂર્નામેન્ટમાં મોખરે છે. શૅડ્લી તથા મુઝરબાની હવે આ વર્લ્ડ કપની બહાર થઈ ગયા છે એટલે વરુણને રવિવારે એક વિકેટ લઈને અવ્વલ થવાનો મોકો છે. વરુણની બોલિંગ ખૂબ ખર્ચાળ બની રહે છે.

ફાઇનલ માટેની સંભવિત ઇલેવનઃ
સૂર્યકુમાર યાદવ (કૅપ્ટન), સંજુ સૅમસન (વિકેટકીપર), ઇશાન કિશન, શિવમ દુબે, હાર્દિક પંડ્યા, તિલક વર્મા, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ અને વરુણ ચક્રવર્તી