અમદાવાદમાં એક લાખથી વધુ પ્રેક્ષકોની હાજરીમાં ભારતને નવો ઇતિહાસ રચવાનો મોકોઃ ન્યૂ ઝીલૅન્ડના રૂપમાં ટી-20ને નવું ચૅમ્પિયન મળી શકે
અમદાવાદઃ ભારતની અત્યંત ટૅલન્ટેડ, ઑલરાઉન્ડ પર્ફોર્મન્સ માટે પ્રખ્યાત, લક્ષ્યાંક ચેઝ કરવા માટે પણ જાણીતી અને સારા પર્ફોર્મન્સમાં સાતત્યતા જાળવવા માટે વખણાતી ભારતીય ટીમનો રવિવાર, આઠમી માર્ચે અહીં ક્રિકેટની દુનિયાના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં લગભગ 1,00,000-પ્લસ પ્રેક્ષકોની હાજરીમાં ન્યૂ ઝીલૅન્ડ સામે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં (સાંજે 7.00 વાગ્યાથી) જંગ છે જે જીતીને સૂર્યકુમાર યાદવ ઍન્ડ કંપની આ સ્થળ ભારત માટે શુકનવંતુ નથી એવો ટૅગ દૂર કરી શકશે.
2007માં એમએસ ધોનીના નેતૃત્વમાં અને 2024માં રોહિત શર્માની કૅપ્ટન્સીમાં ભારતે આ ફૉર્મેટનો વર્લ્ડ કપ જીતી લીધો હતો અને હવે એ સન્માન સૂર્યકુમાર (Suryakumar)ને મળશે તો ભારતીય ક્રિકેટને ચાર ચાંદ લાગી જશે. જોકે ન્યૂ ઝીલૅન્ડની ટીમ મર્યાદિત ઓવર્સની ક્રિકેટ (ટી-20માં કે વન-ડેમાં) ક્યારેય વર્લ્ડ કપ નથી જીતી એટલે રવિવારે એ ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરવા કિવીઓ છેલ્લા શ્વાસ સુધી લડશે એવું કહીએ તો ભારતીયોએ જબરદસ્ત લડત માટે તૈયાર રહેવું પડશે. 2019માં કિવીઓ (Kiwis) વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં અને 2021માં ટી-20 વિશ્વ કપની ફાઇનલમાં પરાજિત થયા હતા.

2023ની 19મી નવેમ્બરે રોહિત શર્મા અત્યંત હતાશ હાલતમાં અને આંખોમાં આસું સાથે ડ્રેસિંગ રૂમના પગથિયાં ચડી રહ્યો હતો. આ દિવસે ઑસ્ટ્રેલિયા સામે ભારતનો વન-ડેના વર્લ્ડ કપમાં પરાજય થયો હતો અને એ કમનસીબ ઘટનાને ભૂલાવવાના પ્રયાસમાં સૂર્યકુમાર અને તેની ટીમ રવિવારે ફાઇનલ જીતવા કોઈ કસર બાકી નહીં રાખે. જોકે સૂર્યકુમાર અને તેના શૂરવીરો બરાબર 364 દિવસ પહેલા (2025ની નવમી માર્ચે) જે બન્યું હતું એના પરથી પ્રેરણા લઈને પણ જીતી શકે એમ છે. એ દિવસે ભારતે વન-ડેની ચૅમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડને પરાજિત કરીને આઇસીસી ટ્રોફી જીતવાનું નિરાશાજનક 13 વર્ષના સમયગાળાનો અંત લાવી દીધો હતો. ત્યારે રોહિત શર્માની ટીમમાં સૂર્યા નહોતો, પરંતુ તેની અત્યારની ટીમ એ જીત પરથી કંઈક શીખી તો શકશે જ.
રવિવારે ટી-20 જગતને એવું વિજેતા મળી શકે જે આ ટ્રોફી ડિફેન્ડ કરનારો પ્રથમ દેશ કહેવાશે. અથવા તો એવું ચૅમ્પિયન મળશે જે પહેલી જ વખત આ ફૉર્મેટમાં પોતાને વર્લ્ડ ચૅમ્પિયન તરીકે ઓળખાવી શકશે. સૂર્યકુમાર બે વર્ષથી ભારતીય ટી-20 ટીમનું સુકાન બહુ સારી રીતે સંભાળી રહ્યો છે. તેણે આ બે વર્ષમાં બૅટિંગ પર્ફોર્મન્સમાં ઘણી વખત ચાહકોને નિરાશ જરૂર કર્યા છે, પરંતુ તેની ટીમમાં ઘણા મૅચ-વિનર્સ છે એ પણ કોઈએ ન ભૂલવું જોઈએ. આ વર્લ્ડ કપની શરૂઆતમાં કોઈએ પણ ધાર્યું નહીં હોય કે સંજુ સૅમસન એકલા હાથે ભારતને સેમિ ફાઇનલમાં અને પછી ફાઇનલમાં પહોંચાડશે.

સૂર્યકુમાર રવિવારે જીતવા બદલ પોતાની કરીઅરને અને કૅપ્ટન્સીને સર્વોચ્ચ ઊંચાઈએ લઈ જઈ શક્યો એવું છાતી ઠોકીને કહી શકશે. જોકે તેના સાથીઓએ ન્યૂ ઝીલૅન્ડના ખાસ કરીને ઓપનર ફિન ઍલન, ટિમ સિફર્ટ તથા ઑલરાઉન્ડર ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર તેમ જ કૅપ્ટન મિચલ સૅન્ટનર તથા બોલર્સ મૅટ હેન્રી અને લૉકી ફર્ગ્યુસનથી ચેતવું પડશે.
રવિવારે ટીમ ઇન્ડિયા સંજુ સૅમસન અને ઇશાન કિશન ઉપરાંત ખાસ કરીને ગુજરાતના ત્રણ ખેલાડી પાસે સર્વોત્તમ પર્ફોર્મન્સની અપેક્ષા રાખશે. જસપ્રીત બુમરાહ અમદાવાદનો જ છે એટલે તે હજારો લોકોની વચ્ચે અનેરા ઉત્સાહ સાથે રમશે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કુલ 500 વિકેટ લઈ ચૂકેલા બુમરાહને અર્શદીપ સિંહના રૂપમાં સારો પેસ-પાર્ટનર મળ્યો છે. જોકે મોહમ્મદ સિરાજ પણ મોકો મળે તો કિવીઓને કાબૂમાં રાખી શકે એમ છે. હાર્દિક પંડ્યા સામાન્ય રીતે બોલિંગમાં સારું ન રમી શકે તો બૅટિંગમાં ઝળકે છે અને ક્યારેક એનાથી ઊલટું પણ બનતું હોય છે. જો તે બૅટિંગ-બોલિંગ બન્ને ચમકશે તો કિવીઓનું આવી જ બન્યું સમજો. અક્ષર પટેલના ટર્ન પણ કિવીઓને ચક્કર ખવડાવી દેશે.