અમદાવાદ: ભારત આઈસીસી ક્રિકેટ ટૂર્નામેન્ટોમાં ઘરઆંગણે છેલ્લે 2023માં અમદાવાદમાં વન-ડે વર્લ્ડ કપની ફાઇનલ હાર્યું હતું અને ત્યાર બાદ અમદાવાદમાં મોટી મૅચોમાં ભારતનો દેખાવ નબળો રહ્યો છે, પરંતુ આજે ન્યૂ ઝીલૅન્ડ સામે ટી-20 વર્લ્ડ કપની ફાઇનલ (સાંજે 7.00 વાગ્યાથી) જીતીને ભારતે એ પરંપરા તોડવાની છે. જોકે ન્યૂ ઝીલૅન્ડને પહેલી જ વખત મર્યાદિત ઓવરના ફોર્મેટનો વર્લ્ડ કપ જીતવાનો આજે સુવર્ણ મોકો છે.
ખાસ વાત એ છે કે ભારત કુલ 14 આઈસીસી ટૂર્નામેન્ટ ફાઇનલ રમ્યું છે જેમાંથી સાત જીત્યું છે અને સાત હાર્યું છે. આજની ફાઇનલના પરિણામ સાથે ભારતનો નવો હિસાબ શરૂ થશે.
આઈસીસી ટૂર્નામેન્ટ જીતવાનો ભારતનો સિલસિલો 1983માં કપિલ દેવના નેતૃત્વમાં થયો હતો જ્યારે ભારતે એ વર્લ્ડ કપની ફાઇનલ જીતીને વેસ્ટ ઇન્ડીઝને વન-ડેની ગાદી પરથી ઉથલાવ્યું હતું.
ટી-20 ફોર્મેટમાં ભારતે 2007માં પહેલો જ વર્લ્ડ કપ જીતી લીધો હતો. જોકે ભારત હજી સુધી ક્યારેય ટેસ્ટનો વર્લ્ડ કપ (વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ) નથી જીતી શક્યું.
ક્યારે જીત, ક્યારે હાર
ભારત અત્યાર સુધીમાં જે 14 આઈસીસી ટૂર્નામેન્ટની ફાઈનલ રમ્યું છે એમાં એની હાર જીતનો 7-7નો એકસરખો હિસાબ-કિતાબ આ મુજબ છે:
જીતનો જલસો: 1983 અને 2011માં વન-ડે વર્લ્ડ કપમાં ચેમ્પિયન, 2007 તથા 2024માં ટી-20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન, 2013 અને 2025માં ચેમ્પિયન્સ ટ્રોફીમાં ચેમ્પિયન, 2002ની ચેમ્પિયન્સ ટ્રોફીમાં સંયુક્ત વિજેતા. હારની હારમાળા: 2000ના વર્ષની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં પરાજિત, 2003ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં તેમ જ 2014ના ટી-20 વર્લ્ડ કપની ફાઇનલમાં, 2017ની ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં, 2021ના ટેસ્ટ વર્લ્ડ કપની ફાઇનલમાં, 2023ના ટેસ્ટ વર્લ્ડ કપની ફાઇનલમાં અને 2023ના વન-ડે વર્લ્ડ કપની ફાઇનલમાં પરાજિત.