Fri Jun 26 2026

Logo

ટિકિટો ગણતરીની મિનિટોમાં વેચાઈ અને પ્રેક્ષકો માટે સીટ વધારાઇ, પણ વૈભવને જ ન રમાડ્યો

Belfast   2026-06-26 20:19:10
Author: Ajay Motiwala
Article Image

બેલફાસ્ટઃ 15 વર્ષીય ઓપનિંગ બૅટ્સમૅન વૈભવ સૂર્યવંશીને કારણે આયરલૅન્ડ (Ireland)માં ભારત સામેની શુક્રવારની પ્રથમ ટી-20 મૅચનું મહત્ત્વ એટલું બધુ વધી ગયું હતું કે આ મુકાબલાની ટિકિટો ગણતરીની મિનિટોમાં વેચાઈ ગઈ હતી અને અહીં સિવિલ સર્વિસ ક્રિકેટ ક્લબના સ્ટેડિયમમાં માત્ર 6000થી 7000 પ્રેક્ષકો બેસી શકે એટલી જ સીટ હોવાથી એક ખાસ સ્ટૅન્ડ ઊભું કરવામાં આવ્યું હતું, પરંતુ સાંજે 5.30 વાગ્યે ટૉસ થયો ત્યારે બધાને જાણ થઈ કે વૈભવ પ્લેઇંગ-ઇલેવનમાં છે જ નહીં.

ખરેખર તો બે અઠવાડિયા પહેલાં વૈભવ (Vaibhav)ને ભારતની સ્ક્વૉડમાં સમાવવામાં આવ્યો ત્યારથી જ બેલફાસ્ટના સ્ટેડિયમમાં મૅચ જોવા માટેની ટિકિટો ખરીદવા પડાપડી થઈ હતી. જોકે વૈભવને સિરીઝની પ્રથમ મૅચમાં ભારત વતી ડેબ્યૂ કરવા ન મળ્યું, પણ હવે રવિવાર, 28મી જૂને કદાચ કરવા મળશે. એ દિવસે બીજી અને છેલ્લી ટી-20 આ જ મેદાન પર (ભારતીય સમય અનુસાર સાંજે 6.00 વાગ્યાથી) રમાવાની છે.

ટૉસ વખતે શ્રેયસ ઐયરે ટીમમાં કમનસીબે વૈભવ નથી એવી જાહેરાત કરી ત્યારે જ સૌ કોઈ નિરાશ થઈ ગયા હતા. મોટા ભાગના પ્રેક્ષકોએ વૈભવની બૅટિંગ જોવા માટે જ ટિકિટ ખરીદી હતી. તાજેતરની આઇપીએલમાં વૈભવના 776 રન તમામ બૅટ્સમેનોમાં સૌથી વધુ હતા અને એમાં તેના 72 છગ્ગા અને 63 ચોગ્ગા સામેલ હતા.

વાસ્તવમાં ભારતનું ટીમ-મૅનેજમેન્ટ આઇપીએલ પહેલાંના ટી-20 વર્લ્ડ કપનું ટીમ કૉમ્બિનેશન તોડવા નહોતું માગતું અને એટલે જ વૈભવને બદલે અભિષેક શર્માને ટીમમાં જાળવી રાખ્યો હતો. જોકે સોશ્યલ મીડિયામાં વૈભવના એક ચાહકે લખ્યું, `તિલક વર્માના સ્થાને વૈભવને લઈ શકાયો હોત. લોકોએ આટલી બધી રાહ જોઈ અને છેવટે વૈભવને ઇલેવનમાં સમાવ્યો જ નહીં.'