Mon Oct 05 2026

Logo

ભારતનો આયરલૅન્ડને શરૂઆતમાં જ આંચકોઃ વૈભવની બાદબાકીથી સોશ્યલ મીડિયામાં ઊહાપોહ

Belfast   2026-06-26 18:30:51
Author: Ajay Motiwala
ભારતનો આયરલૅન્ડને શરૂઆતમાં જ આંચકોઃ વૈભવની બાદબાકીથી સોશ્યલ મીડિયામાં ઊહાપોહ

બેલફાસ્ટઃ ભારતે આયરલૅન્ડ (Ireland) સામે અહીં સિરીઝની પ્રથમ ટી-20માં ટૉસ જીતીને ફીલ્ડિંગ પસંદ કરી છે. જોકે 20મા રને આયરલૅન્ડે પહેલી વિકેટ ગુમાવી હતી. પેસ બોલર હર્ષિત રાણાએ રૉસ ઍડેર (12 રન)ને વિકેટકીપર સંજુ સૅમસનના હાથમાં કૅચઆઉટ કરાવ્યો હતો. 15 વર્ષના ટીનેજ સુપરસ્ટાર વૈભવ સૂર્યવંશી (Vaibhav Suryavanshi)નો ભારતની પ્લેઇંગ-ઇલેવનમાં સમાવેશ નથી કરવામાં આવ્યો જેને પગલે સોશ્યલ મીડિયામાં ઊહાપોહ મચી ગયો છે.

એક ક્રિકેટપ્રેમીએ જાણીતી ક્રિકેટ વેબસાઇટ પરની કમેન્ટમાં લખ્યું છે, `અચ્છા, વૈભવ ટીમમાં નથી. એનો અર્થ એ થયો કે તેના હાલના બૅટિંગ-ફૉર્મની કોઈ કિંમત નથી. હજી ગયા મહિને જેણે આઇપીએલમાં હાઇએસ્ટ 776 રન બનાવ્યા તેને ટીમમાં સમાવવાને બદલે ત્રણ મહિના પહેલાં વર્લ્ડ કપ જીતનારી ટીમના જ મોટા ભાગના ખેલાડીઓને જાળવી રાખવામાં આવ્યા. એ ખેલાડીઓને ડ્રૉપ ન કરી શકાય, પણ જે જબરદસ્ત ફૉર્મમાં છે તેની બાદબાકી થઈ શકે, વાહ! વર્લ્ડ કપ તો વૈભવે પણ જિતાડ્યો છે.'

ઉલ્લેખનીય છે કે અન્ડર-19 વર્લ્ડ કપમાં વૈભવે અસાધારણ પર્ફોર્મ કરીને ભારતને ટ્રોફી અપાવી હતી. જોકે આયરલૅન્ડ સામેની આ પ્રથમ મૅચમાં વૈભવને નહીં, પણ અભિષેક શર્માને રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

દરમ્યાન નવા કૅપ્ટન શ્રેયસ ઐયરે ટૉસ જીતીને ફીલ્ડિંગનો નિર્ણય બતાવતાં કહ્યું હતું કે `અમારા માટે આ નવી જ પિચ છે. અમારામાંથી મોટા ભાગના ખેલાડીઓ અહીં બેલફાસ્ટમાં અગાઉ નથી રમ્યા. અહીંના હવામાન અને બીજી સ્થિતિ જોતાં અમે ફીલ્ડિંગ પસંદ કરી છે.' આઇરિશ ટીમને પણ લૉર્કેન ટકરના રૂપમાં નવો સુકાની મળ્યો છે. 

સિરીઝની પ્રથમ મૅચમાં સૌની નજર વૈભવ સૂર્યવંશી પર રહેશે એવું ઘણા દિવસથી કહેવાતું હતું, પણ કમનસીબે વૈભવને આ મૅચથી ભારત વતી ડેબ્યૂ કરવા નહીં મળે, કારણકે પ્લેઇંગ-ઇલેવનમાં તેનો સમાવેશ નથી કરવામાં આવ્યો. ખુદ શ્રેયસે ટૉસ વખતે વૈભવના સમાવેશ વિશે પૂછવામાં આવતાં કહ્યું, `કમનસીબે, એ ટીમમાં નથી.'

બન્ને દેશની પ્લેઇંગ-ઇલેવનઃ

ભારતઃ શ્રેયસ ઐયર (કૅપ્ટન), અભિષેક શર્મા, સંજુ સૅમસન (વિકેટકીપર), ઇશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વૉશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ અને પ્રસિદ્ધ ક્રિષ્ના.

આયરલૅન્ડઃ લૉર્કેન ટકર (કૅપ્ટન, વિકેટકીપર), ટિમ ટેક્ટર, રૉસ ઍડેર, હૅરી ટેક્ટર, બેન કૅલિટ્ઝ, ગરેથ ડેલની, જ્યોર્જ ડૉકરેલ, લિઆમ મૅકાર્થી, મૅથ્યૂ હમ્ફ્રેઝ, જય મૂન્ડ્રા અને મૅટ હૉલાર્ડ.