Sat Sep 12 2026

Logo

વારાણસીની મસ્જિદ અંગે પાકિસ્તાની રાષ્ટ્રપતિએ કરી ટિપ્પણી, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

2026-06-21 17:52:20
Author: Mumbai Samachar Team
વારાણસીની મસ્જિદ અંગે પાકિસ્તાની રાષ્ટ્રપતિએ કરી ટિપ્પણી, ભારતે આપ્યો જડબાતોડ જવાબ

નવી દિલ્હીઃ પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આસિફ અલી ઝરદારી તરફથી ભારતમાં મુસ્લિમ ધાર્મિક સ્થળો અંગે કરેલી વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને વિદેશ મંત્રાલયે ફટકાર લગાવી છે. ભારતે ઝરદારીના નિવેદનને સંપૂર્ણપણે વાહિયાત, ભ્રામક અને નફરતથી પ્રેરિત ઇરાદાપૂર્વકનો રાજકીય હુમલો ગણાવીને સ્પષ્ટપણે ફગાવી દીધું છે.

ભારતીય વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે જણાવ્યું છે કે પાકિસ્તાનને ભારતના આંતરિક બાબતોમાં દખલ કરવાનો કે ટિપ્પણી કરવાનો કોઈ કાનૂની કે નૈતિક અધિકાર નથી.

વાસ્તવમાં પાકિસ્તાનના રાષ્ટ્રપતિએ વારાણસીમાં ઐતિહાસિક મસ્જિદ ગંજ શહિદા અને ભારતમાં અન્ય મુસ્લિમ સ્થળો પર કથિત ખતરા અને ડિમોલિશનને લઈને ‘એક્સ’ પર પોસ્ટ કરી હતી. જેને લઈને ભારતે આકરી પ્રતિક્રિયા આપી હતી અને ઇસ્લામાબાદને અરીસો બતાવ્યો હતો અને તેમણે પોતાના દેશમાં નબળા માનવ અધિકાર રેકોર્ડની યાદ અપાવી હતી.

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે પાકિસ્તાની રાષ્ટ્રપતિના દાવાઓને રદિયો આપતા એક સત્તાવાર નિવેદન બહાર પાડ્યું. જયસ્વાલે કહ્યું હતું કે , "ભારત પાકિસ્તાનના રાષ્ટ્રપતિ દ્વારા કરવામાં આવેલી આ અયોગ્ય અને પાયાવિહોણી ટિપ્પણીઓને સંપૂર્ણપણે નકારી કાઢે છે. તેમને ભારતના આંતરિક બાબતો પર ટિપ્પણી કરવાનો કોઈ અધિકાર નથી."

વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ ઊંડા આશ્ચર્ય અને કટાક્ષ કરતા કહ્યું કે લઘુમતીઓના અધિકારોને કચડી નાખનાર દેશ હવે અન્ય લોકોને સલાહ આપી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે પાકિસ્તાનનો માનવાધિકાર રેકોર્ડ ખૂબ જ ખરાબ અને નિરાશાજનક રહ્યો છે અને આ હવે આખી દુનિયા સમક્ષ સ્પષ્ટ થઈ ગયું છે.

વિદેશ મંત્રાલયે પાકિસ્તાનનો પર્દાફાશ કરતા કહ્યું હતું કે તેનો વિવિધ ધર્મોના લઘુમતીઓને સતત નિશાન બનાવવા અને સતાવવાનો લાંબો અને કુખ્યાત ઇતિહાસ છે. પરિણામે પાકિસ્તાની રાષ્ટ્રપતિનું આ નિવેદન રાજકીય લાભ મેળવવા અને તેની રાષ્ટ્રીય કટ્ટરતા અને નફરતની નીતિઓને પ્રોત્સાહન આપવાનો ઇરાદાપૂર્વકનો પ્રયાસ છે.

પાકિસ્તાની રાષ્ટ્રપતિની ટિપ્પણીઓ ફક્ત ઇરાદાપૂર્વકનો રાજકીય હુમલો છે. તેમણે ઉમેર્યું હતું કે પાકિસ્તાનની વાસ્તવિક પરિસ્થિતિને ધ્યાનમાં લેતા આ નિવેદનોને ફક્ત રાજકીય હેતુઓ માટે કરવામાં આવેલા હુમલા તરીકે ગણી શકાય.