Sat Sep 05 2026

Logo

દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના સંકેત, જાણો કારણ

2026-05-11 21:57:31
Author: Chandrakant Kanoja
દેશમાં પેટ્રોલ ડીઝલના ભાવ વધવાના સંકેત, જાણો કારણ

નવી દિલ્હી: મિડલ ઈસ્ટમાં સતત વધી રહેલા તણાવ વચ્ચે ભારતમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો થવાની સંભાવના છે. આ અંગે મળતી માહિતી મુજબ કેન્દ્રીય મંત્રી રાજનાથસિંહની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં માહિતી આપવામાં આવી છે કે દેશમાં 60 દિવસનો ક્રૂડ ઓઇલ અને કુદરતી ગેસનો ભંડાર છે. તેમજ લગભગ 45 દિવસનો LPG સ્ટોક ઉપલબ્ધ છે. 

ક્રૂડ ઓઇલ, ગેસ અને એલપીજીનો પૂરતો સ્ટોક

આ ઉપરાંત મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા તણાવ અને ઈરાન-હોર્મુઝ કટોકટીની અસર હવે ભારતના અર્થતંત્ર  પર પડી રહી છે. કેન્દ્ર સરકાર સતત આશ્વાસન આપી રહી છે કે દેશમાં ક્રૂડ ઓઇલ, ગેસ અને એલપીજીનો પૂરતો સ્ટોક છે. 

ઓઇલ કંપનીઓને દર મહિને અંદાજે 30,000 કરોડનું નુકસાન 

જોકે, સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ ઓઇલ કંપનીઓને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું છે. પેટ્રોલિયમ મંત્રાલયના આંકડા અનુસાર સરકારી ઓઇલ કંપનીઓને દર મહિને અંદાજે 30,000 કરોડની  અંડર રિકવરી થઇ રહી છે.એટલે કે કંપની મોંધા ભાવે ક્રૂડ ઓઇલ ખરીદી રહી છે. તેમજ ગ્રાહકોને સસ્તા ભાવે ઈંધણ પૂરું પાડે છે. જોકે, તેના પગલે ઈંધણના ભાવમાં વધારો થવાના સંકેત મળી રહ્યા છે. 

કેન્દ્ર સરકારને માસિક 14,000 કરોડનું નુકસાન 

આ અંગે પેટ્રોલિયમ મંત્રાલયના સંયુક્ત સચિવ સુજાતા શર્માએ જણાવ્યું હતું કે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઇલના ભાવમાં તીવ્ર વધારો થયો છે. ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ 70 ડોલર થી વધીને લગભગ 120 ડોલર પ્રતિ બેરલ થઈ ગયું છે. જોકે, ઓઇલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો નથી કર્યો.તેમજ કેન્દ્ર  સરકારે ઓઇલ  કંપનીઓ પરનો બોજ ઓછો કરવા માટે એક્સાઇઝ ડ્યુટીમાં પણ ઘટાડો કર્યો છે. જેના પરિણામે સરકારને માસિક આશરે રૂપિયા 14,000 કરોડનું નુકસાન થઈ રહ્યું છે.

પીએમ મોદીએ  ઇંધણનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી

ઉલ્લેખનીય છે કે, પીએમ મોદીએ રવિવારે નાગરિકોને ઇંધણનો સંયમપૂર્વક ઉપયોગ કરવા અપીલ કરી છે. ત્યારે કેન્દ્ર સરકારે પણ લોકોને પેટ્રોલ ડીઝલનો ઓછો વપરાશ કરવા અપીલ કરી છે. જોકે, મંત્રાલયે સ્પષ્ટતા કરી છે કે દેશના ઈંધણનો જથ્થો પૂરતો છે.