નવી દિલ્હીઃ અખાતી પ્રદેશમાં અસ્થિરતા વચ્ચે ભારત અને ઓમાન વચ્ચે પહેલી જૂનથી અમલી બનેલા વેપાર કરારથી ભારતની ઊર્જા અને આર્થિક સલામતી વધુ મજબૂત બનશે, એવું નિષ્ણાતોનું મંતવ્ય છે.આ કરાર સૌ પ્રથમ તો અસ્થિર પ્રદેશમાં ભારતની ઊર્જા અને આર્થિક સુરક્ષાને મજબૂત કરે છે. ઓમાન લાંબા સમયથી અખાતમાં ભારતના સૌથી વધુ વિશ્વસનીય ભાગીદાર પૈકી એક રહ્યું હોવાનું થિન્ક ટૅન્ક સીઆરએફનાં પ્રમુખ શિષિર પ્રિયદર્શીએ જણાવતા ઉમેર્યું હતું કે ભારત આયાતી તેલ, ગૅસ અને પેટ્રોકેમિકલ પર નિર્ભર છે અને ઓમાન સાથે ઊંડું આર્થિક સંકલન ભારતની ઊર્જાની જરૂરિયાતે માટે અને અનુમાનિત સ્થિર માળખા માટે આ કરાર મહત્ત્વનો પુરવાર થશે.
નોંધનીય બાબત એ છે કે અમેરિકા અને ઈરાન વચ્ચેના યુદ્ધ બાદ સ્ટ્રેટ ઑફ હોર્મુઝ દરિયાઈ માર્ગ બંધ થવાથી કૃષિ ચીજવસ્તુઓ અને ઊર્જા ઉત્પાદનો સહિત તમામ ક્ષેત્રની પુરવઠાચેઈનમાં વિક્ષેપ પડ્યો છે. વધુમાં ભારતના પશ્ચિમ એશિયા ખાતેના વેપારમાં ઓમાન ઉત્પાદન, પરિવહન અને પુનઃ નિકાસ માટેના હબ તરીકે પણ ઊભરે તેમ હોવાથી આ કરારનું મહત્ત્વ દ્વીપક્ષીય કરતાં પણ વધુ છે અને તે આર્થિક સંબંધો સુરક્ષિત કરવા, ભારતીય ઉદ્યોગ માટે નવી તકો ઊભી કરવા ઉપરાંત ભારત વૈશ્વિક વેપાર અને કનેક્ટિવિટીના આગલા તબક્કાને આકાર આપવામાં અગ્રણી ખેલાડી બનવા તરફના સંકેતો આપે છે, એમ તેમણે ઉમેર્યું હતું.
તે જ પ્રમાણે મંતવ્ય આપતાં વૈશ્વિક વેપારના નિષ્ણાત અને હાઈ ટેક ગિયર્સના ચેરમેન દીપ કપુરિયાએ જણાવ્યું હતું કે ઓમાન સાથેના વેપાર કરારનો અમલ થવાથી માત્ર ઓમાન સાથેનો બજાર હિસ્સો નહીં વધે, પરંતુ સમગ્ર પશ્ચિમ એશિયા વિસ્તારના વેપાર પર સકારાત્મક અસર થશે. વધુમાં તેમણે કહ્યું હતું કે આ વેપાર કરારથી ઓમાન ખાતે નિકાસમાં શૂન્ય ટકા એક્સેસ સાથે સુવ્યવસ્થિત નિયમનકારી પ્રક્રિયાઓ અને ઘટાડેલી પાલનકારી જરૂરિયાતો સાથે ભારત ઓમાનમાં વિવિધ ઉત્પાદન સેગ્મેન્ટમાં હાજરી વધારવા માટે સારી સ્થિતિમાં છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે ઓમાન પ્રમાણમાં નાનું બજાર હોવા છતાં આ કરાર એન્જિનિયરિંગ, ફાર્મા, કૃષિ, ફૂડ પ્રોસેસિંગ, દરિયાઈ ઉત્પાદનો, ટેક્સ્ટાઈલ, રસાયણ, ઈલેક્ટ્રોનિક્સ, રત્નો અને આભૂષણો જેવાં તમામ મુખ્ય ક્ષેત્રમાં નિકાસની તક પ્રદાન કરશે. પ્રાપ્ત આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષ 2026માં ભારતની ઓમાન ખાતેની નિકાસ ચાર અબજ ડૉલરની હતી, જેમાં મુખ્યત્વે રિફાઈન્ડ પેટ્રોલિયયમ ઉત્પાદનો જેમ કે પેટ્રોલની નિકાસ 78.1 કરોડ ડૉલરની અને નેપ્થાની 74.6 કરોડ ડૉલરની રહી હતી. ત્યાર બાદ અનુક્રમે કેલ્સિન્ડ એલ્યુમિનાની 27.7 કરોડ ડૉલરની, આયર્ન અને સ્ટીલ ઉત્પાદનોની 23 કરોડ ડૉલરની, મશીનરીની 17.8 કરોડ ડૉલરની અને ચોખાની નિકાસ 16.7 કરોડ ડૉલરની રહી હતી. બીજી તરફ ભારતની આયાત 7.2 અબજ ડૉલરની રહી હતી જેમાં મુખ્યત્વે ક્રૂડતેલની આયાત 1.6 અબજ ડૉલરની, લિક્વિફાઈડ નેચરલ ગૅસની આયાત 1.2 અબજ ડૉલરની અને ફર્ટિલાઈઝરની આયાત 84.3 કરોડ ડૉલરની સપાટીએ રહી હતી.
ANI