Fri Jun 19 2026

Logo

ભારત-નોર્ડિક કરારથી કચ્છના બંદરો વૈશ્વિક નકશા પર ચમકશે: કંડલા અને મુન્દ્રા પોર્ટ બનશે ગ્રીન શિપિંગ હબ

2026-05-21 12:59:00
Author: mumbai samachar team
Article Image

ભુજઃ નોર્વેની રાજધાની ઓસ્લો ખાતે તાજેતરમાં યોજાયેલી ત્રીજી ઇન્ડિયા-નોર્ડિક સમિટ ભારતના દરિયાઈ ક્ષેત્ર માટે ગેમ-ચેન્જર સાબિત થવાના સંકેતો મળી રહ્યા છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને નોર્ડિક દેશો (નોર્વે, ડેનમાર્ક, ફિનલેન્ડ, આઇસલેન્ડ અને સ્વીડન) ના વડાપ્રધાનો વચ્ચે થયેલા ઉચ્ચસ્તરીય કરારમાં ‘બ્લુ ઇકોનોમી’ (સસ્ટેનેબલ દરિયાઈ અર્થતંત્ર) ને કેન્દ્રસ્થાને રાખવામાં આવ્યું છે. આ ઐતિહાસિક કરારની સીધી અને સૌથી મોટી હકારાત્મક અસર પશ્ચિમ ભારતના આર્થિક પ્રવેશદ્વાર સમાન કચ્છના દીનદયાળ પોર્ટ અને મુન્દ્રા અદાણી બંદરના ભવિષ્ય પર પડવાની છે. સમિટના સંયુક્ત નિવેદન અનુસાર, ભારત અને નોર્ડિક દેશો શિપિંગ ઉદ્યોગને લો-કાર્બન તરફ લઈ જવા, અત્યાધુનિક ટેકનોલોજી ટ્રાન્સફર કરવા અને શિપબિલ્ડિંગ સેક્ટરમાં સંયુક્ત રોકાણ કરવા માટે સહમત થયા છે.

હાલમાં કંડલા અને મુન્દ્રા બંદરો ગ્રીન હાઇડ્રોજન, ગ્રીન એમોનિયા અને એલ.એન.જી. બંકરિંગ હબ બનવા તરફ ખૂબ જ ઝડપથી આગળ વધી રહ્યા છે. ગ્રીન શિપિંગ ક્ષેત્રે વૈશ્વિક લીડર એવા ડેનમાર્ક અને નોર્વે જેવા દેશોના સહયોગથી કચ્છના બંદરો પર આંતરરાષ્ટ્રીય જહાજો માટે ક્લીન એનર્જી રિફ્યુઅલિંગ સ્ટેશનો તૈયાર થશે. પરિણામે, ભવિષ્યમાં યુરોપ અને એશિયા વચ્ચે દોડતા વિશાળ ગ્રીન કાર્ગો જહાજો માટે કચ્છના આ બંને મેગા પોર્ટ્સ પ્રથમ પસંદગી બનશે. 

આ ઉપરાંત, નોર્ડિક દેશોના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આધારિત લોજિસ્ટિક્સ મેનેજમેન્ટ અને પોર્ટ ઓટોમેશન ટેકનોલોજીના કારણે વેસલ ટ્રાફિક મેનેજમેન્ટ સક્ષમ બનશે, જેનાથી જહાજોનો ટર્ન-અરાઉન્ડ ટાઈમ ઘટશે અને ઓપરેશનલ ખર્ચમાં કરોડો રૂપિયાની બચત થતાં ભારતીય નિકાસકારો વૈશ્વિક બજારમાં વધુ સ્પર્ધાત્મક બનશે.સમિટમાં જહાજોના પર્યાવરણને અનુકૂળ નિકાલ માટે ‘હોંગકોંગ ઇન્ટરનેશનલ કન્વેન્શન’ને સખત રીતે લાગુ કરવા પર પણ સહમતી સધાઈ છે. 

ભારતે વર્ષ ૨૦૧૯માં જ આ કન્વેન્શનનો સ્વીકાર કરીને ‘ધ રિસાયક્લિંગ ઓફ શિપ્સ એક્ટ’ બનાવ્યો હતો, જેણે વૈશ્વિક સ્તરે ગુજરાત મેરીટાઇમ બોર્ડ અને કચ્છના બંદરોની શાખ મજબૂત કરી છે. આ સિવાય, ભારત સરકારની ‘હરિત સાગર ગાઇડલાઇન્સ (૨૦૨૩)’ અંતર્ગત દીનદયાળ પોર્ટ ઓથોરિટી (કંડલા) દ્વારા રિન્યુએબલ એનર્જી અને મોટાપાયે વનીકરણના પ્રોજેક્ટ્સ પહેલેથી જ શરૂ કરી દેવામાં આવ્યા છે, ત્યારે આ નવો કરાર કચ્છના અખાતમાં પર્યાવરણની જાળવણી સાથે પોર્ટ ઓટોમેશનની ક્ષમતા બમણી કરવામાં આશીર્વાદરૂપ સાબિત થશે.

(ઉત્સવ વૈદ્ય)